માથ્થી 12
12
વિશ્રામવારના પાલનનો પ્રશ્ન
(માર્ક ૨:૨૩-૨૮; લૂ. ૬:૧-૫)
1એ અરસામાં ઈસુ વિશ્રામવારે અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યોને ભૂખ લાગી હતી, ને તેઓ #પુન. ૨૩:૨૫. કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા. 2ત્યારે ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું, “જો વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.” 3પણ તેમણે તેઓને કહ્યું, #૧ શમુ. ૨૧:૧-૬. “જ્યારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? 4તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને #લે. ૨૪:૯. ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી. 5અથવા #ગણ. ૨૮:૯-૧૦. શું નિયમશાસ્ત્રમાં તમે એમ નથી વાંચ્યું કે, વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? 6પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે. 7વળી #હો. ૬:૬. ‘યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.’ #માથ. ૯:૧૩. એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત, 8કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
સુકાઈ ગયેલા હાથવાળો માણસ
(માર્ક ૩:૧-૬; લૂ. ૬:૬-૧૧)
9અને તે ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા. 10અને, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. અને ઈસુ પર આરોપ મૂકવા માટે તેઓએ તેમને પૂછ્યું, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?” 11ત્યારે તેમણે તેઓને કહ્યું. #લૂ. ૧૪:૫. “તમારામાં એવું કયું માણસ હશે કે, જેને એક ઘેટું હોય, ને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તે તેને પકડીને બહાર નહિ કાઢશે? 12તો માણસ ઘેટા કરતાં કેટલું ઉત્તમ છે? એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.” 13ત્યાર પછી પેલા માણસને તે કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો, અને તે હાથ બીજાના જેવો સાજો થયો. 14ત્યારે ફરોશીઓએ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કરી.
ઈશ્વરનો મનપસંદ સેવક
15પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા, અને ઘણા લોકો તેમની પાછળ ગયા. અને બધાને સાજા કરીને 16તેમણે તેઓને સખત આજ્ઞા આપી, ‘તમારે મને પ્રગટ નહિ કરવો.” 17એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય,
18 #
યશા. ૪૨:૧-૪. “જુઓ, મારો સેવક,
જેને મેં પસંદ કર્યો;
મારો પ્રિય, જેના પર મારો જીવ
પ્રસન્ન છે.
તે પર હું મારો આત્મા મૂકીશ. અને
તે અન્ય દેશનાઓને
ન્યાયીકરણ પ્રગટ કરશે.
19તે ઝઘડો નહિ કરશે,
ને બૂમ નહિ પાડશે,
અને તેની વાણી રસ્તાઓમાં
કોઈ નહિ સાંભળશે.
20જ્યાં સુધી ન્યાયીકરણને
તે જયમાં નહિ પહોંચાડે,
ત્યાં સુધી છૂંદેલું બરુ
તે ભાંગી નાખશે નહિ,
ને ધૂંઆતું શણ ૫ણ તે નહિ હોલવશે.
21અને વિદેશીઓ તેના નામ પર
આશા રાખશે.”
ઈસુ અને બાલઝબૂલ
(માર્ક 3:૨૦-૩૦; લૂ. ૧૧:૧૪-૨૩)
22તે વખતે દુષ્ટાત્મા વળગેલા કોઈ આંધળા, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેને સાજો કર્યો, એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો. 23અને સર્વ લોકોએ અચરત થઈને કહ્યું, શું એ દાઉદનો દીકરો નથી?”
24પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું, #માથ. ૯:૩૪; ૧૦:૨૫. “દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલ [ની મદદ] વગર તે દુષ્ટાત્માઓને કાઢતો નથી.” 25ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું, “પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે; અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે, તે ટકી નહિ રહેશે. 26અને જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો. તો પછી તેનું રાજ્ય શી રીતે ટકી રહે? 27અને જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા દીકરા કોના વડે કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. 28પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે [એમ સમજો.]
29વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલવહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટી શકાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
30 #
માર્ક ૯:૪૦. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે. 31એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરવામાં આવશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરવામાં આવે. 32અને #લૂ. ૧૨:૧૦. માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે; આ યુગમાં નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.
જેવું ઝાડ તેવું ફળ
(લૂ. ૬:૪૩-૪૫)
33ઝાડ સારું અને તેનું ફળ સારું કરો, અથવા ઝાડ નઠારું ને તેનું ફળ પણ નઠારું કરો, કેમ કે #માથ. ૭:૨૦; લૂ. ૬:૪૪. ઝાડ ફળથી ઓળખાય છે. 34#માથ. ૩:૭; ૨૩:૩૩; લૂ. ૩:૭. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે #માથ. ૧૫:૧૮; લૂ. ૬:૪૫. મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે. 35સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. 36વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. 37કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે, અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે.
નિશાનીની માગણી અને નકાર
(માર્ક ૮:૧૧-૧૨; લૂ. ૧૧:૨૯-૩૨)
38ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપ્યો, “ઓ ઉપદેશક, #માથ. ૧૬:૧; માર્ક ૮:૧૧; લૂ. ૧૧:૧૬. અમારે કંઈ નિશાની જોવી છે.” 39પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, #માથ. ૧૬:૪; માર્ક ૮:૧૨. “દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહિ. 40કેમ કે જેમ #યોએ. ૧:૧૭. યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે. 41ન્યાયકાળે નિનવેનાં માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભાં રહેશે, ને તેને અ૫રાધી ઠરાવશે, કેમ કે #યોએ. ૩:૫. યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે. 42#૧ રા. ૧૦:૧-૧૦; ૨ કાળ. ૯:૧-૧૨. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.
અશુદ્ધ આત્મા પાછો આવ્યો
(લૂ. ૧૧:૨૪-૨૬)
43માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. 44ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ, અને જ્યારે તે આવે છે ત્યારે તે ઘરને ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે. 45પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ભૂંડી થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.’
ઈસુનાં મા અને ભાઈઓ
(માર્ક ૩:૩૧-૩૫; લૂ. ૮:૧૯-૨૧)
46લોકોને તે હજુ વાત સંભળાવતા હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ આવીને બહાર ઊભાં હતાં, ને તેમની સાથે વાત કરવા ઇચ્છતાં હતાં. 47ત્યારે કોઈએ તેમને કહ્યું, “જુઓ તમારાં મા, ને તમારા ભાઈઓ બહાર ઊભાં છે, ને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે.” 48પણ પેલા કહેનારને તેમણે ઉત્તર આપ્યો, “મારાં મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” 49અને તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું, “જુઓ મારાં મા, ને મારા ભાઈઓ! 50કેમ કે મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ તથા બહેન તથા મા છે.”
Currently Selected:
માથ્થી 12: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.