YouVersion Logo
Search Icon

લૂક 19

19
ઈસુ અને જાખ્ખી
1તે યરીખોમાં થઈને જતા હતા. 2જાખ્ખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય જકાતદાર હતો, અને‌ શ્રીમંત હતો. 3તેણે ઈસુને જોવા પ્રયત્ન કર્યો કે તે કોણ છે; પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે ઠીંગણો હતો.
4તેથી આગળ દોડી જઈને તે તેમને જોવા માટે એક ગુલ્લર ઝાડ પર‍ ચઢયો; કેમ કે તે જ રસ્તે થઈને તે જવાના હતા. 5તે જગાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું, “જાખ્ખી, તું જલ્દી ઊતરી આવ; કેમ કે આજે મારે તારે ઘેર ઊતરવાનું છે.” 6તે જલ્દી ઊતરી આવ્યો, અને તેણે આનંદથી તેમનો આવકાર કર્યો.
7તે જોઈને બધાએ કચકચ કરીને કહ્યું, “એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે.” 8જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.” 9ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહિમનો દીકરો છે. 10કેમ કે #માથ. ૧૮:૧૧. ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે.”
મહોરોની સોંપણી અને હિસાબનું દ્દષ્ટાંત
(માથ. ૨૫:૧૪-૩૦)
11 # માથ. ૨૫:૧૪-૩૦. તેઓ આ વાતો સાંભળતા હતા, ત્યારે તેમણે એક દ્દષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, “ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.” 12માટે તેમણે કહ્યું, “એક કુલીન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવા [નો ઇરાદો રાખીને] દૂર દેશ ગયો. 13તેણે પોતાના દશ ચાકરોને બોલાવીને તેઓને દશ મહોર આપીને કહ્યું, ‘હું આવું ત્યાં સુધી તેનો વહીવટ કરો.’ 14પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી.’
15તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને તેણે પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા તે તે જાણે. 16ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે, ‘સાહેબ, તમારી એક મહોરે બીજી દશ મહોર પેદા કરી છે.’ 17તેણે તેને કહ્યું કે, ‘શાબાશ, સારા ચાકર; તું નાની વાતમાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દશ શહેરોનો અધિકારી થા.’ 18બીજાએ આવીને કહ્યું કે, ‘સાહેબ તમારી એક મહોરે બીજી પાંચ મહોર પેદા કરી છે.’ 19તેણે તેને પણ કહ્યું કે, ‘તું પણ પાંચ શહેરોનો ઉપરી થા.’ 20બીજાએ આવીને કહ્યું કે, ‘સાહેબ, જુઓ તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને રાખી મૂકી હતી, 21કારણ કે હું તમારાથી બીધો, કેમ કે તમે કઠણ માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે તમે ઉઠાવો છો, અને તમે જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.’ 22તેણે તેને કહ્યું, ‘ઓ ભૂંડા‍ ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો, 23તો શાહુકારને ત્યાં મારું નાણું તેં કેમ નહોતું આપ્યું કે, હું આવીને વ્યાજ સાથે મારું વસૂલ કરત?’
24પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, ‘તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દશ મહોર છે તેને આપો.’ 25તેઓએ તેને કહ્યું કે, ‘સાહેબ, તેની પાસે તો દશ મહોર છે!’ 26#માથ. ૧૩:૧૨; માર્ક ૪:૨૫; લૂ. ૮:૧૮. હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને આપવામાં આવશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. 27પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.”
યરુશાલેમમાં વિજયપ્રવેશ
(માથ. ૨૧:૧-૧૧; માર્ક ૧૧:૧-૧૧; યોહ. ૧૨:૧૨-૧૯)
28એમ કહ્યા પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલતા થયા.
29તે બેથફગે તથા બેથાનિયા પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે તેમણે શિષ્યોમાંના બે ને એમ કહીને મોકલ્યા, 30“સામેના ગામમાં જાઓ; તેમાં પેસતાં જ એક [ગધેડાનું] વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો. 31જો કોઈ તમને પૂછે કે, ‘તેને કેમ છોડો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને એની જરૂર છે.’”
32જેઓને તેમણે મોકલ્યા તેઓ ગયા, અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું. 33તેઓ વછેરું છોડતા હતા ત્યારે તેના ધણીઓએ તેમને પૂછ્યું, “તમે વછેરું કેમ છોડો છો?” 34તેઓએ જવાબ આપ્યો કે, “પ્રભુને તેની જરૂર છે.” 35તેઓ તેને ઈસુની પાસે લાવ્યા. અને વછેરા પર પોતાનાં વસ્‍ત્ર નાખીને ઈસુને તેના પર બેસાડ્યા, 36તે જતા હતા ત્યારે તેઓએ પોતાનાં વસ્‍ત્ર માર્ગમાં પાથર્યાં. 37તે નજીક, જૈતૂન પહાડના ઢોળાવ પાસે, આવી પહોંચ્યા, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો,
38 # ગી.શા. ૧૧૮:૨૬. “પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા [થાઓ] !”
39લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેમને કહ્યું, “ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.” 40તેમણે તેઓને ઉત્તર આપ્યો, “હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથરા પોકારી ઊઠશે.”
યરુશાલેમ માટે ઈસુનું રુદન
41તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું, 42“જો તેં, હા તેં, [તારી] શાંતિને લગતાં જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલાં છે. 43કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરી લઈને ચારે તરફથી તને સંકડાવશે, 44તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”
મંદિરનું શુદ્ધીકરણ
(માથ. ૨૧:૧૨-૧૭; માર્ક ૧૧:૧૫-૧૯; યોહ. ૨:૧૩-૨૨)
45પછી તે મંદિરમાં ગયા, અને વેચનારાઓને અંદરથી કાઢી મૂકવા લાગ્યા. 46તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, #યશા. ૫૬:૭. મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે; પણ તમે તેને #યર્મિ. ૭:૧૧. લૂંટારાઓનું કોતર કર્યું છે.”
47 # લૂ. ૨૧:૩૭. તે રોજ મંદિરમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ તથા લોકોના મુખીઓ તેમને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. 48પણ શું કરવું તે તેઓને સૂઝયું નહિ. કેમ કે બધા લોકો એકાગ્રચિત્તે તેમનું સાંભળતા હતા.

Currently Selected:

લૂક 19: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in