YouVersion Logo
Search Icon

યહોશુઆ 3

3
યર્દન ઓળંગીને પાર જવું
1અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો, ને તે તથા સર્વ ઇઝરાયલી લોકો શિટ્ટિમમાંથી નીકળ્યા ને યર્દન આગળ આવ્યા. અને તેઓ પેલે પાર ઊતર્યા તે પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી. 2અને ત્રણ દિવસ પછી એમ થયું કે આગેવાનો છાવણીમાં ફરી વળ્યા. 3અને તેઓએ લોકોને એવી આજ્ઞા કરી, “તમારા ઈશ્વર યહોવાના કરારકોશને તથા તેને ઊંચકી લેનાર લેવી યાજકોને તમે જુઓ, ત્યારે તમે પોતાનું સ્થળ છોડીને તેની પાછળ જજો. 4તોપણ તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે. તેની છેક પાસે ન જશો, જેથી જે માર્ગે થઈને તમારે ચાલવું તે તમે જાણો; કેમ કે અગાઉ એ માર્ગે તમે ગયા નથી.”
5અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને શુદ્ધ કરો, કેમ કે કાલે યહોવા તમારી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.” 6ત્યાર પછી યહોશુઆએ યાજકોને ફરમાવ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ પેલે પાર જાઓ.” અને તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ચાલ્યા.
7અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ, એ માટે કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. 8અને જે યાજકો કરારકોશ ઊંચકે છે તેઓને એવી આજ્ઞા કર કે યર્દનમાં પાણી આગળ તમે આવો ત્યારે યર્દનમાં ઊભા રહેજો.”
9અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “અહીં આવીને તમારા ઈશ્વર યહોવાનાં વચન સાંભળો.” 10અને યહોશુઆએ કહ્યું, “આ ઉપરથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, ને કનાનીઓ તથા હિત્તીઓ તથા હિવ્વીઓ તથા પરિઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબૂસીઓને તે નક્કી તમારી આગળથી હાંકી કાઢશે. 11જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે. 12માટે હવે તમે તમારે માટે પ્રત્યેક કુળમાંથી અકેક માણસ એ પ્રમાણે ઇઝરાયલનાં કુળમાંથી બાર માણસો લો. 13અને આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પઅણિમઆં પડતાં જ એમ થશે કે, યર્દનનું પાણી જે ઊંચેથી નીચલી તરફ વહે છે, તેના ભાગ પડી જશે. અને ઢગલો થઈને તે ઠરી રહેશે.”
14અને એમ થયું કે, લોક યર્દન ઊતરવા માટે તેમના તંબુઓમાંથી નીકળ્યા, ને કરારકોશ ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા. 15અને કોશ ઊંચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા, ને કોશ ઊંચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા, (કેમ કે કાપણીની આખી ઋતુઓ યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી, ) 16ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા. 17અને યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા, અને સર્વ ઇઝરાયલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઊતર્યા. અને એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in