YouVersion Logo
Search Icon

યર્મિયા 50

50
બાબિલ ઉપર આક્રમણ
1 # યશા. ૧૩:૧—૧૪:૨૩; ૪૭:૧-૧૫. બાબિલ તથા ખાલદીઓના દેશ
વિષે જે વચન યહોવાએ યર્મિયા
પ્રબોધકની મારફતે કહ્યું તે આ છે.
2“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો,
ધ્વજા ચઢાવો; પ્રગટ કરો,
ને ગુપ્ત ન રાખો. કહો કે,
બાબિલને જીતી લેવામાં આવ્યું છે,
બેલ લજ્જિત થયો છે,
મેરોદાખના ભાંગીને કકડેકકડા
થઈ ગયા છે.
તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે,
તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.
3ઉત્તર દિશાથી લોકો તેના પર ચઢી આવે છે, તેઓ તેની ભૂમિ ઉજ્જડ કરી નાખશે, તેમાં કોઈ રહેશે નહિ; મનુષ્ય તથા પશુ બન્ને ત્યાંથી નાસી ગયા છે.
ઇઝરાયલનું પાછા ફરવું
4યહોવા કહે છે, તે દિવસોમાં તથા તે સમયમાં ઇઝરાયલના તથા યહૂદિયાના લોકો ભેગા થઈને આવશે. તેઓ રસ્તે રડતા રડતા ચાલ્યા જશે, ને પોતાના ઈશ્વર યહોવાને શોધશે. 5તેઓ સિયોન તરફ પોતાનાં મુખ રાખીને ત્યાં જવાનો માર્ગ પૂછશે, અને કહેશે, ‘ચાલો, નહિ વીસરાય એવો સર્વકાલીન કરાર કરીને આપણે યહોવાની સાથે મળી જઈએ.’
6મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવાં છે; તેઓના પાળકોએ તેઓને ભમાવ્યા છે, તેઓને પર્વતો પર અવળે માર્ગે લઈ ગયા છે. તેઓ પર્વત પરથી ઊતરીને ડુંગર પર ગયા છે, તેઓ પોતાનું વિશ્રામસ્થાન ભૂલી ગયા છે. 7જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.
8 # પ્રક. ૧૮:૪. બાબિલમાંથી નાસો, ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ, ને ટોળાંની આગળ ચાલનારા બકરા જેવા થાઓ. 9કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ. 10ખાલદી દેશને લૂંટવામાં આવશે. જેઓ તેને લૂંટે છે તેઓ સર્વ [લૂંટથી] તૃપ્ત થશે, એવું યહોવા કહે છે.
બાબિલનું પતન
11રે મારા વારસાને લૂંટનારાઓ, તમે આનંદ તથા મોજ કરો છો, મલકાણે ચઢેલી વાછરડીની જેમ કુદકારા કરો છો, ને બળવાન ઘોડાઓની જેમ ખોંખારો છો. 12તેથી તમારી માતા બહુ લજ્જિત થશે, ને તમારી જનેતા શરમાશે! જુઓ, તે વગડો, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે. 13યહોવાના કોપને લીધે તેમાં વસતિ થશે નહિ, તે છેક ઉજ્જડ રહેશે. જે કોઈ બાબિલની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
14હે સર્વ ધનુર્ધારીઓ, બાબિલની સામે ચોતરફ હારબંધ ઊભા રહો; તેને તાકીને બાણ મારો, તીર પાછાં ન રાખો. કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. 15તેની સામે ચારે તરફથી રણનાદ કરો; તે શરણે થઈ છે; તેના બુરજો પડયા છે, તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે; કેમ કે યહોવાએ લીધેલો બદલો તો એ છે. તેની પાસેથી બદલો લો; જેવું તેણે [બીજાઓને] કર્યું છે તેવું તેને કરો. 16બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો; જુલમી તરવારને લીધે તેઓ પોતપોતાના લોકોની પાસે દોડી આવશે, ને પોતપોતાના વતનમાં નાસી જશે.
ઇઝરાયલનું પાછા ફરવું
17ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે. 18તેથી સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, જેમ મેં આશૂરના રાજાને શાસન આપ્યું, તેમ બાબિલના રાજાને તથા તેના દેશને હું શાસન આપીશ. 19પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે. 20યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.
બાબિલ સામે ઈશ્વરનો ચૂકાદો
21મેરાથાઇમ દેશ પર, હા, તે જ દેશ પર, ને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર. તેઓની પાછળ પડીને તેમનો ઘાત કર, ને તેઓનું સત્યાનાશ વાળ. મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે તે પ્રમાણે કર, એવું યહોવા કહે છે. 22દેશમાં યુદ્ધનો રણનાદ તથા વિનાશનો પોકાર સંભળાય છે. 23આખી પૃથ્વીનો હથોડો કેવો કપાઈ ગયો તથા ભાંગીતૂટી ગયો છે! રાજ્યોમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે! 24હે બાબિલ, મેં તારે માટે છટકું માંડયું છે; તું સપડાયો છે, ને તું તે જાણતો ન હતો! તું હાથ આવ્યો, ને તું પકડાયો પણ છે. કેમ કે તેં યહોવાની સાથે બાથ ભીડી છે. 25યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ઉઘાડીને પોતાના કોપનાં હથિયાર કાઢયાં છે; કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાને ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે. 26છેક છેડેથી તેના પર ચઢી આવો, તેના કોઠારોને ઉઘાડી; તેના ઢગલા કરી નાખો, ને તેનો નાશ કરો; તેમાંથી કંઈ પણ બાકી રહેવા ન દો. 27તેના સર્વ બળદોને મારી નાખો. તેઓને કતલ થવા માટે નીચે ઊતરી જવા દો! તેઓને અફસોસ! તેઓનો દિવસ, તેઓના શાસનનો સમય, આવ્યો છે.
28આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.
29બાબિલની સામે તીરંદાજોને, જેટલા ધનુષ્ય ખેંચી શકે તે તમામને બોલાવો. તેની આસપાસ ઘેરો નાખો. તેમાંનો કોઈ પણ બચી જાય નહિ; #પ્રક. ૧૮:૬. તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો. જે સર્વ તેણે [બીજાઓને] કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમ કે યહોવાની આગળ, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની આગળ, તે ઉદ્ધત થયો છે. 30તેથી તેના જુવાનો તેના મહોલ્લાઓમાં પડશે, ને તેના સર્વ લડવૈયા તે દિવસે નાશ પામશે, ” એવું યહોવા કહે છે.
31સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, “અરે ઉદ્ધત, જો, હું તારી વિરુદ્ધ છું; કેમ કે તને શિક્ષા કરવાનો સમય, નિર્માણ થયેલો દિવસ આવ્યો છે. 32ઉદ્ધત ઠોકર ખાઈને પડશે, કોઈ તેને ઉઠાવશે નહિ. હું તનાં નગરોમાં આગ લગાડીશ, તે તેની ચોતરફનું બધું બાળીને ભસ્મ કરશે.
33સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, ઇઝરાયલ તથા યહૂદિયાના લોકો બન્ને પર જુલમ ગુજારવામાં આવે છે! જેઓ તેમને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેમને પકડી રાખે છે. તેઓ તેમને છોડી મૂકવા ના કહે છે. 34તેઓનો ઉદ્ધારનાર બળવાન છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને, ને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચય તેઓનો પક્ષ લેશે.
35યહોવા કહે છે, ખાલદીઓ પર,
બાબિલના રહેવાસીઓ પર,
તેના સરદારો પર તથા તેના જ્ઞાનીઓ
પર તરવાર આવી પડી છે.
36લવરી કરનારાઓ પર તરવાર આવી
પડી છે, તેઓ ઘેલા બની જશે;
તેના શૂરવીરો પર તરવાર આવી છે,
ને તેઓ ભયભીત થશે.
37તેના ઘોડાઓ પર, તેના રથો પર તથા
તેઓમાંના મિશ્ર લોકો પર તરવાર
આવી છે,
તેઓ સ્ત્રીઓના જેવા થશે;
તેના ખજાનાઓ પર
તરવાર આવી છે,
ને તેઓને લૂંટી લેવામાં આવશે.
38તેનાં જળાશયો પર સૂકવણું આવ્યું છે,
તેઓ સુકાઈ જશે;
કેમ કે તે કોતરેલી
મૂર્તિઓનો દેશ છે,
ને તેઓ પોતાનાં પૂતળાં ઉપર
મોહિત થયા છે.
39તેથી #પ્રક. ૧૮:૨. ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ. 40યહોવા કહે છે, #ઉત. ૧૯:૨૪-૨૫. ઈશ્વરે સદોમ, ગમોરા તથા તેઓની પાસેનાં નગરોની પાયમાલી કરી ત્યારે જેવું થયું તેવું ત્યાં થશે. એટલે ત્યાં કોઈ માણસ વસશે નહિ, અને તેમાં કોઈ પણ માણસ મુકામ કરશે નહિ.
41જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે,
ને પૃથ્વીને છેડેથી એક મહાન પ્રજા
તથા ઘણા રાજાઓ ચઢી આવશે.
42તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ
કરનારા છે.
તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી.
તેઓ સમુદ્રની જેમ ગર્જના કરે છે,
તેઓ ઘોડાઓ પર સવારી કરે છે;
જેમ શૂરવીર લડાઈને માટે
[તૈયારી કરે છે] તેમ,
રે બાબિલની દીકરી,
તેઓ તારી વિરુદ્ધ સજ્જડ થયેલા છે.
43બાબિલના રાજાએ તેઓના સમાચાર
સાંભળ્યા છે,
ને તેના હાથ હેઠા પડયા છે;
તેને પીડા થાય છે, તથા
પ્રસૂતાના જેવી વેદના થાય છે.
44જુઓ, સિંહ યર્દનના પૂરમાંથી ચઢી આવે, તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે. પણ હું તેમને ઓચિંતા તેની પાસેથી નસાડીશ; અને જે પસંદ થયેલો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જોવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે? 45તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે બાબિલની વિરુદ્ધ કર્યો છે, ને તેમણે જે ઇરાદા ખાલદીઓના દેશથી વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળાંમાનાં જે સહુથી નાનાં તેઓને તેઓ પણ નક્કી ઘસડી લઈ જશે. તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે. 46બાબિલના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે, ને તેનો અવાજ [દૂરના] દેશો સુધી સંભળાય છે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for યર્મિયા 50