YouVersion Logo
Search Icon

યશાયા 66

66
સર્વવ્યાપી અને પાલનહાર પ્રભુ
1 # પ્રે.કૃ. ૭:૪૯-૫૦. યહોવા એવું કહે છે, #માથ. ૫:૩૪; ૨૩:૨૨. “આકાશો મારું રાજ્યાસન છે, ને #માથ. ૫:૩૫. પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?” 2વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.
અયોગ્ય યજ્ઞો
3બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે. 4હું પણ તેઓને માટે આફતો પસંદ કરીશ, ને તેઓ જેનાથી ડરે છે તે બધું તેઓ પર લાવીશ; કેમ કે મેં હાંક મારી, ત્યારે કોઈ ઉત્તર આપનાર નહોતો; હું બોલ્યો, પણ તેઓએ [મારું] સાંભળ્યું નહિ; અને તેઓએ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.”
5યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે. 6નગર તરફ હંગામાનો અવાજ! મંદિર તરફથી કોલાહલ! જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર!
ઇઝરાયલ પ્રજાનો નવો જન્મ
7 # પ્રક. ૧૨:૫. ચૂંક આવ્યા પહેલાં તેને પ્રસવ થયો; પ્રસવવેદના થયા પહેલાં તેને છોકરો સાંપડયો છે. 8આ પ્રમાણે કોણે સાંભળ્યું છે? આ પ્રમાણે કોણે જોયું છે? શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું પ્રજા એકાએક જન્મ પામે? પરંતુ સિયોનને પ્રસવવેદના થઈ કે તરત જ તેણે પોતાનાં છોકરાંને જન્મ આપ્યો.” 9યહોવા કહે છે, “હું પ્રસૂતિકાળ પાસે લાવીને પ્રસવ નહિ કરાવું?” તારો ઈશ્વર કહે છે, “હું જે જન્મ આપનાર તે હું [ગર્ભસ્થાન] બંધ કરું?”
10યરુશાલેમ પર પ્રેમ કરનારા, તમે સર્વ
તેની સાથે હરખાઓ,
ને તેને લીધે આનંદ કરો.
તેને લીધે શોક કરનારાઓ, તમે સર્વ
તેની સાથે હરખાઓ;
11જેથી તમે તેના દિલાસાનું સ્તનપાન
કરીને ધરાઓ,
અને તેના ભરપૂર ગૌરવમાંથી ચૂસીને
મગ્ન થાઓ.
12કેમ કે યહોવા કહે છે, “હું તેની પાસે નદીની જેમ શાંતિ, તથા ઊભરાતા નાળાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ પ્રસારનાર છું; તમે ધાવશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવશે. 13જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાને હું તમને દિલાસો આપીશ; અને યરુશાલેમમાં તમે દિલાસો પામશો. 14તમે તે જોશો, અને હરખાશો, તમારાં હાડકાં લીલોતરીની જેમ ખીલશે; અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે, ને પ્રભુના વૈરીઓ પર તે કોપાયમાન થશે.
15કેમ કે જુઓ, યહોવા અગ્નિદ્વારા આવશે, ને એમના રથો વંટોળિયા જેવા થશે! તે કોપથી પોતાના રોષને, તથા અગ્નિના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે. 16કેમ કે યહોવા સર્વ માણસજાત સાથે અગ્નિથી તથા પોતાની તરવારથી વાદ કરનાર છે; અને યહોવાથી વીંધાયેલા ઘણા થશે. 17વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમાં જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ ભૂંડનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ તથા ઊંદર ખાનારા છે, તેઓ સર્વ નાશ પામશે, ” એમ યહોવા કહે છે. 18“કેમ કે હું તેઓનાં કામ તથા તેઓના વિચારો [જાણું છું] ; સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષાઓ બોલનાર લોકોને એકત્ર કરવાનો [સમય] આવે છે; તેઓ આવીને મારો મહિમા જોશે.
19હું તેઓને એક ચિહ્ન દેખાડી આપીશ; તેઓમાંના બચેલાઓને હું વિદેશીઓની પાસે મોકલીશ; [એટલે] તાર્શીશ, પૂલ તથા લૂદ, એ ધનુર્ધારરીઓની પાસે, તુબાલ તથા યાવાનની પાસે, દૂરના બેટો, જેઓમાંના લોકોએ મારી કીર્તિ સાંભળી નથી ને મારો મહિમા જોયો નથી; તેમની પાસે મોકલીશ; અને તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.” 20યહોવા કહે છે, “જેમ ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણ લાવે છે, તેમ તેઓ સર્વ પ્રજાઓમાંથી તમારા સર્વ ભાઈઓને યહોવાને માટે અર્પણ તરીકે, મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા સાંઢણીઓ પર બેસાડીને લાવશે.” 21વળી યહોઆ કહે છે, “હું તેઓમાંથી પણ યાજકો તથા લેવીઓ થવા માટે [કેટલાકને] પસંદ કરીશ.
22કેમ કે જે #યશા. ૬૫:૧૭; ૨ પિત. ૩:૧૩; પ્રક. ૨૧:૧. નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, ” એવું યહોવા કહે છે. 23વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે. 24તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં જોશે, કેમ કે #માર્ક ૯:૪૮. તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્નિ હોલવાશે નહિ; અને તેઓ સર્વ માનસજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”

Currently Selected:

યશાયા 66: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in