YouVersion Logo
Search Icon

હબાકુક 1

1
હબાકુક
1હબાકુક પ્રબોધકને સંદર્શનમાં જે ઈશ્વરવાણી પ્રાપ્ત થઈ તે.
અન્યાય અંગે હબાકુકની ફરિયાદ
2હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તમે સાંભળશો નહિ? હું જોરજુલમ વિષે તમારી સમક્ષ બૂમ પાડું છું, તોપણ તમે બચાવ કરતા જ નથી. 3શા માટે તમે અન્યાય મારી નજરે પાડો છો, ને ભ્રષ્ટાચાર બતાવો છો? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે. કજિયા થાય છે, ને ટાંટા ઊઠે છે. 4તે માટે કાયદા અમલમાં આવતા નથી, અને વળી કદી અદલ ઇનસાફ મળતો નથી. કેમ કે સજ્જનોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી ઇનસાફ ઊંધો વળે છે.
પ્રભુનો ઉત્તર
5પ્રભુએ કહ્યું, “તમે વિદેશીઓમાં જુઓ, ને લક્ષ આપો, ને અતિશય વિસ્મય પામો, કેમ કે #પ્રે.કૃ. ૧૩:૪૧. હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે, જે તમને કહેવામાં આવશે તોપણ તમે તે માનશો નહિ. 6કેમ કે, જુઓ, #૨ રા. ૨૪:૨. ખલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે, તેમને હુમ ઊભા કરું છું. તેઓ બીજાઓનાં રહેઠાણોના માલિક થવા માટે પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી સવારી કરે છે. 7તેઓ ભયંકર તથા બિહામણા છે. તેઓનો ન્યાય તથા તેઓની પ્રતિષ્ઠા તેઓમાંથી જ નિકળે છે. 8તેમના ઘોડાઓ પણ ચિત્તાઓ કરતાં વધારે જલદ છે, ને સાંજે [ફરતાં] વરુઓ કરતાં અધિક વિકરાળ છે. અને તેમના ઘોડેસવારો [સર્વત્ર] દોડાદોડ કરે છે. હા, તેમના સવારો દૂરથી આવે છે. ઝડપથી ઊડતા ગરૂડની જેમ ભક્ષ કરવાને તેઓ દોડે છે; 9તેઓ સર્વ મારફાડ કરવાને આવે છે. તેમના ચહેરા પૂર્વ તરફ જવાને તલપી રહ્યા છે. અને તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે. 10હા, તે રાજાઓની મશ્કરી કરે છે, ને અમલદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. દરેક કિલ્લાની તે હાંસી કરે છે. કેમ કે ધૂળના ઢગલા કરીને તે તેને લઈ લે છે. 11પછીથી પવનની જેમ તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે.”
હબાકુક ફરીથી ફરિયાદ કરે છે
12હે મારા ઈશ્વર યહોવા, મારા પવિત્ર ઈશ્વર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તમે શિક્ષાને માટે તેને નિર્માણ કર્યો છે; અને હે [મારા] ખડક, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે. 13તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો? 14સમુદ્રનાં માછલાંના જેવા, તથા જેમને માથે કોઈ અધિકારી નથી એવાં પેટે ચાલનારાં પ્રાણીઓ જેવા તમે માણસોના હાલ કેમ કરો છો? 15તેઓ સર્વને તે ગલથી ઊંચકી લે છે, તે તોને પોતાની જાળમાં પકડીને મોટી જાળમાં ભેગાં કરે છે; તેથી તે હરખાય છે ને આનંદ કરે છે. 16તે માટે તે પોતાની મોટી જાળમાં બલિદાન આપે છે, ને પોતાની મોટી જાળણી આગળ ધૂપ બાળે છે; કેમ કે તેમના વડે તેનો હિસ્સો મોટો હોય છે, તથા તેને પુષ્કળ ખોરાક મળે છે. 17એથી તે પોતાની જાળ ખાલી કરશે શું, ને પ્રજાઓનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for હબાકુક 1