ઉત્પત્તિ 24
24
ઇસહાક માટે પત્ની
1અને ઇબ્રાહિમ ઘરડો ને બહુ વર્ષનો થયો હતો; અને યહોવાએ ઇબ્રાહિમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો. 2અને ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, “કૃપા કરી મારી જાંઘ નીચે તારો હાથ મૂક; 3અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ. 4પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા, ને મારા દિકરા ઇસહાકને માટે પત્ની લાવ.” 5ત્યારે ચાકરે તેને કહ્યું. “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય; તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દિકરાને હું પાછો લઈ જાઉં કે કેમ?” 6ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, “ખબરદાર, તું મારા દિકરાને ત્યાં પાછો લઈ ન જતો. 7આકાશના ઈશ્વર યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યા, ને જે મારી સાથે બોલ્યા, ને જેમણે સમ ખાઈને મને કહ્યું ‘આ દેશ હું તારાં સંતાનને આપીશ, ’ તે તેમનો દૂત તારી આગળ મોકલશે; અને ત્યાંથી તું મારા દિકરાને માટે પત્ની લાવ. 8અને જો તે સ્ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. મારા દિકરાને તું ત્યામ પાછો લઈ ન જતો.” 9અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂક્યો, ને તે વાત વિષે સમ ખાધા.
10અને તે ચાકર તેના ધણીનાં ઊંટોમાંથી દશ ઊંટ લઈને ચાલી નીકળ્યો. કેમ કે તેના ધણીની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. અને તે ઊઠયો, ને અરામ-નાહરા-ઇમના નાહોરના શહેરમાં ગયો. 11અને સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે, તે વખતે તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડયાં. 12અને તેણે કહ્યું, “હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે, આજે મારું કામ સફળ કરો, ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો. 13જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે; 14ત્યારે એમ થવા દેજો કે જે કન્યાને હું કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં;’ અને તે એમ કહે, ‘પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, ’ તે જ તમારા દાસ ઇસહાલને માટે તમારાથી ઠરાવાયેલી કન્યા હોય. અને તેથી હું જાણીશ કે તમે મારા ધણી પર દયા કરી છે.”
15અને તેના બોલી રહ્યા અગાઉ એમ થયું કે, જુઓ, રિબકા, જે ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દિકરા બથુએલથી થયેલી તે ખભા પર ગાગર લઈને બહાર આવી. 16હવે તે તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી, તેને કોઈ પુરુષે જાણી ન હતી. તે ઝરા પાસે ઊતરીને પોતાની ગાગર ભરીને ઉપર આવી. 17અને ચાકર તેને મળવાને દોડયો, ને કહ્યું, “તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે.” 18તેણે કહ્યું “પીઓ, મારા મુરબ્બી.” અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પીવડાવ્યું. 19અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું, “તમારાં ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને માટે પાણી ભરીશ.” 20અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવાડામાં ખાલી કરી, ને ફરીથી ભરવાને કૂવા તરફ દોડી, ને તેણે તેનાં સર્વ ઊંટોને માટે ભર્યું. 21અને તે માણસે તેને તાકીને જોઈ; અને યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે કે નહિ, એ જાણવાને તે છાનો રહ્યો. 22અને એમ થયું કે ઊંટો પી રહ્યાં, ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી ને તેનઅ હાથને માટે દશ તોલાની સોનાની બે બંગડી કાઢી. 23અને તેણે કહ્યું, તું કોની દીકરી છે, તે કૃપા કરી મને કહે, શું તારા પિતાના ઘરમાં અમારે ઊતરવાની જગા છે?” 24તેણે કહ્યું, “હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની દીકરી હું છું.” 25અને વળી તેણે તેને કહ્યું, “અમારી પાસે ઘાસચારો બહુ છે, ને ઊતરવાની જગા પણ છે.” 26અને તે માણસે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. 27અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.”
28અને તે કન્યા દોડી ગઈ, ને પોતાની માના ઘરનાંને વાત જણાવી. 29અને રિબકાને એક ભાઈ હતો, જેનું નામ લાબાન હતું. અને તે માણસ ઝરા પાસે ઊભો હતો, ત્યાં લાબાન તેની પાસે દોડી આવ્યો. 30અને એમ થયું કે લાબાને તે વાળી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી જોઈ ને પોતાની બહેન રિબકાની વાત સાંભળી કે તે માણસની પાસે આવ્યો. અને જુઓ, તે ઊંટોની પાસે ઝરા આગળ ઊભો હતો. 31અને તેણે કહ્યું, “યહોવાથી આશીર્વાદ પામેલા, તમે ઘેર આવો. બહાર કેમ ઊભા રહ્યા છો? કેમ કે મેં ઘર તથા ઊંટોને માટે જગા તૈયાર કર્યા છે.” 32અને તે માણસ ઘરમાં આવ્યો, અને [લાબાને] ઊંટોનો સામાન ઉતાર્યો ને ઊંટોને ઘાસચારો આપ્યાં, ને તેને તથા તેના સાથીઓને પગ ધોવાનું પાણી આપ્યું. 33અને તેની આગળ ખાવાનું પીરસ્યું. પરંતુ તેણે કહ્યું, “હું મારી વાત કહ્યા પહેલાં નહિ ખાઉં.” અને તેણે કહ્યું, “બોલ.” 34અને તેણે કહ્યું “હું ઇબ્રાહિમનો ચાકર છું. 35અને યહોવાએ મારા ધણીને બહુ આશીર્વાદ આપ્યો છે; અને તે મોટો થયો છે; અને તેણે તેને ઘેટાં તથા ઢોર તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઊંટ તથા ગધેડાં આપ્યાં છે. 36અને સારાએ મારા ધણીની પત્નીએ પોતાના ઘડપણમાં મારા ધણીના પેટના દિકરાને જન્મ આપ્યો છે. અને તેની પાસે જે છે તે બધું તેમણે તેને આપ્યું છે. 37અને મારા ધણીએ મને સમ ખવડાવીને કહ્યું, કે ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની ન લેતો; 38પણ મારા પિતાને ઘેર તથા મારા કુટુંબીઓની પાસે તું જજે, ને મારા દિકરાને માટે પત્ની લાવજે.’ 39અને મેં મારા ઘણીને કહ્યું, ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’ 40અને તેમણે મને કહ્યું, ‘યહોવા જેની સંમુખ હું ચાલું છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે, ને તારો માર્ગ સફળ કરશે; અને મારા કુટુંબીઓમાંથી, તથા મારા પિતાના ઘરમાંથી મારા દિકરાને માટે તું પત્ની લાવજે. 41અને જ્યારે તું મારા કુટુંબીઓ પાસે જશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે; એટલે જો તેઓ તને કન્યા નહિ આપે, તો મારા સમથી તું છૂટો થશે.’ 42અને આજે હું ઝરાની પાસે આવ્યો ને બોલ્યો, ‘મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું, તે જો તમે સફળ કરનાર હોય; 43તો હું ઝરા પાસે ઊભો છું ત્યારે એમ થાઓ કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે, ને જેને હું કહું, ‘કૃપા કરીને તારી ગાગરમાંથી મને થોડું પાણી પા.’ 44અને તે મને કહે, ‘પી, ને તારા ઊંટોને માટે પણ હું ભરીશ, ’ તે જ કન્યા મારા ધણીના દિકરાને માટે યહોવાથી ઠરાવાયેલી હોય. 45હું મારા મનમાં એ વારત કહી ત્યાર પહેલાં, જુઓ, રિબકા ખભે ગાગર લઈ નીકળી આવી. અને તેણે ઝરા પાસે ઊતરીને પાણી ભર્યું; અને મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પા.’ 46અને તેણે ઉતાવળ કરીને ખભેથી ગાગર ઉતારીને કહ્યું, ‘પી, ને તારાં ઊંટોને પણ હુમ પાઈશ;’ માટે મેં પીધું, ને તેણે ઊંટોને પણ પીવડાવ્યું. 47ત્યારે મેં તેને પૂછયું, તું કોની દીકરી છે?’ અને તેણે કહ્યું, ‘નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો, તેની;’ અને મેં તેના નાકમાં વાળી ને તેના બન્ને હાથમાં બગડી પહેરાવી. 48અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું; અને મારા ઘણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા જે તેના દિકરા માટે મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા તેમની મેં સ્તુતિ કરી. 49અને હવે જો તમે મારા ધણીની સાથે કૃપાથી તથા સચાઇથી વર્તવાના હો તો મને કહો; અને જો નહિ, તો મને કહી દો કે, હું જમણી કે ડાબી બાજુ ફરું.”
50પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત યહોવાથી નીકળી છે; અમે તમને કંઈ ભૂંડું કે ભલું કહી નથી શકતા. 51જો, રિબકા તમારી આગળ છે, તેને લઈને જાઓ, ને યહોવાના કહ્યા પ્રમાણે તે તમારા ધણીના દિકરાની પત્ની થાય.” 52અને એમ થયું કે ઇબ્રાહિમના દાસે તેઓની વાત સાંભળી, ત્યારે તેણે ભૂમિ સુધી નીચા વળીને યહોવાનું ભજન કર્યું. 53અને તે દાસે રૂપાના તથા સોનાના દાગીના તથા લૂગડાં કાઢીને રિબેકાને આપ્યાં; અને તેણે તેના ભાઈને તથા તેની માને પણ કિંમતી જણસો આપી. 54અને તેણે ને તેની સાથે જે માણસ હતા તેઓએ ખાધુંપીધું, ને તેઓ આખી રાત ત્યાં રહ્યા; અને તેઓ સવારે ઊઠયા ત્યારે તેણે કહ્યું, “મને મારા ધણીને ત્યાં જવાને વિદાય કરો.” 55નઅએ તેના ભાઈએ તથા માએ કહ્યું, “કન્યાને અમારી સાથે થોડા દિવસ, ઓછામાં ઓછા દસેક દિવસ, રહેવા દો; ત્યાર પછી તે આવશે.” 56પણ તેણે તેઓને કહ્યું, “યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ; મને વિદાય કરો કે હું મારા ધણી પાસે જાઉં.” 57અને તેઓએ કહ્યું, “અમે કન્યાને બોલાવીને મોઢામોઢ પૂછીએ.” 58અને તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછયું, “શું તું આ માણસ સાથે જશે?” અને તેણે કહ્યું, “હું જઈશ.” 59અને તેઓએ પોતાની બહેન રિબકાને તથા તેની દાઈને તથા ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યાં. 60અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું,
“અમારી બહેન, તું કરોડોની મા થજો,
ને તારાં સંતાન પોતાના વેરીઓની
ભાગળ કબજે કરો.”
61અને રિબકા તથા તેની દાસીઓ ઊઠીને ઊંટ પર બેઠી, ને તે માણસની પાછળ ચાલી. એમ ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે ચાલ્યમ ગયો. 62અને ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો. 63અને ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો; અને તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ ઊંટો આવતાં હતાં. 64અને રિબકાએ આંખો ઊંચી કરીને ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી ઊતરી પડી. 65અને તેણે ચાકરને પૂછયું, “આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે?” અને ચાકરે કહ્યું, “તે મારા ધણી છે.” અને રિબેકાએ પોતાનો બુરખો લઈને ઓઢયો. 66અને દાસે જે કહ્યું હતું તે સર્વ તેણે ઇસહાકને કહી સંભળાવ્યું. 67અને ઇસહાકને તેને પોતાની મા સારાના તંબુમાં લાવ્યો, ને તેણેરિબકાને લીધી, ને તે તેની પત્ની થઈ. અને તેણે તેના પર પ્રેમ કર્યો; અને ઇસચહાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.
Currently Selected:
ઉત્પત્તિ 24: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.