ગલાતીઓને પત્ર 5
5
તમારી સ્વતંત્રતા જાળવો
1ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા; માટે દઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
2જુઓ, હું પાઉલ તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી. 3દરેક સુન્નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો છે. 4તમે જેઓ નિયમ [શાસ્ત્રના પાલન] થી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો. તમે કૃપાથી વિમુખ થયા છો. 5કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્યાયીપણું [પામવાની] આશાની રાહ જોઈએ છીએ. 6કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત ઉપયોગી નથી, અને બેસુન્નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.
7તમે સારી રીતે દોડતા હતા; છતાં સત્યને માનતાં તમને કોણે રોકયા? 8તમારા બોલાવનારે તમને એ પ્રમાણે સમજાવ્યું નથી. 9#૧ કોરીં. ૫:૬. થોડું ખમીર [લોટના] આખા લોંદાને ખમીરી કરે છે. 10તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે બીજા મતના નહિ થશો; પણ તમને ગૂંચવણમાં નાખનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે.
11હે ભાઈઓ, જો હું હજી સુધી સુન્નતની હિમાયત કરતો હોઉં, તો હજી સુધી મારી સતાવણી કેમ થાય છે? જો એમ હોય તો વધસ્તંભની ઠોકર લોપ થઈ છે. 12જેઓ તમને ભમાવે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
13કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. 14કેમ કે #લે. ૧૯:૧૮. “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.” આ એક જ વચનમાં આખા નિયમ [શાસ્ત્ર] નો સમાવેશ થાય છે. 15પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી ખાઓ, તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો.
પવિત્ર આત્મા અને માનવી સ્વભાવ
16પણ હું કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. 17કેમ કે #રોમ. ૭:૧૫-૨૩. દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. 18પણ જો તમે આત્માથી દોરાતા હો, તો તમે નિયમ [શાસ્ત્ર] ને આધીન નથી.
19દેહનાં કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, 20મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, 21અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં [કામ] ; જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતાવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
22પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. 24જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
25જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. 26આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ.
Currently Selected:
ગલાતીઓને પત્ર 5: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.