YouVersion Logo
Search Icon

આમોસ 8

8
ફળોની ટોપલી વિષે સંદર્શન
1પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે દર્શાવ્યું:ઉનાળામાં થતાં ફળની એક ટોપલી [મારા જોવામાં આવી]. 2તેમણે મને પૂછ્યું, “આમોસ, તું શું જુએ છે?” ત્યારે મેં ક્હ્યું, “ઉનાળામાં થતાં ફળની એક ટોપલી.” ત્યારે યહોવાએ મને કહ્યું, “મારા ઇઝરાયલ લોકોનો અંત આવી પહોચ્યો છે. હું હવે પછી કદી પણ તેમને દરગુજર કરીશ નહિ.” 3પ્રભુ યહોવા કહે છે, “તે દિવસે મંદિરનાં ગીતોને સ્થાને રડાપીટ થઈ રહેશે. શબોના ઢગલા થશે. સર્વ સ્થળે તેઓ ગુપચુપ તેમને બહાર નાખી દેશે.”
ઇઝરાયલના વિનાશ વિષે (શોષણખોરો પરનો રોષ)
4તમે દરિદ્રીઓને ગળી જવાની, તથા દેશના ગરીબોનો અંત લાવવાની ઇચ્છા રાખીને કહો છો, 5“ચંદ્રદર્શન ક્યારે વીતે કે અમે અનાજ વેચીએ? અને સાબ્બાથ [ક્યારે ઊતરે] કે અમે ઘઉં ખુલ્લા મૂકીએ? અને એફાહ નાનો રાખીને ને શેકેલ મોટો રાખીને, ને ખોટાં ત્રાજવાંકાટલાંથી ઠગાઈ કરીને, 6અમે ગરીબોને રૂપું આપીને ખરીદીએ, ને એક જોડ પગરખાં આપીને દરિદ્રીઓને ખરીદીએ, ને ઘઉંનું ભૂસું વેચીએ” [એવો વિચાર કરનારા] , તમે આ સાંભળો. 7યહોવાએ યાકૂબના મહત્વના સોગંદ ખાધા‌ છે, “નક્કી હું તેઓનું એકે કામ કદી ભૂલી જઈશ નહિ. 8શું એને લીધે દેશ ધ્રૂજશે નહિ, ને તેમાં રહેનાર દરેક જન શોક નહિ કરશે? હા, તે તમામ નદીની રેલની જેમ ચઢી આવશે; અને તે ખળભળીને મિસરની નદીની જેમ પાછો ઊતરી જશે.
9તે દિવસે હું સૂર્યને ખરે બપોરે અસ્ત પમાડીશ, ને હું ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરીશ, ” એમ પ્રભુ યહોવા કહે છે. 10“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”
પ્રભુનાં વચનોનો દુકાળ
11પ્રભુ યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવે છે કે. જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહિ કે, પાણીનો નહિ, પણ યહોવાનું વચન સાંભળવાનો [દુકાળ મોકલીશ]. 12તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી, ને ઉત્તરથી તે છેક પૂર્વ સુધી ભટકશે. યહોવાનું વચન શોધવાને તેઓ અહીંથી તહીં દોડાદોડ કરશે, પણ તે તેઓને મળશે નહિ. 13તે દિવસે સુંદર કુમારિકાઓ તથા જુવાનો તૃષાથી મૂર્છા પામશે. 14જેઓ સમરુનના પાપના સોગંદ ખાઈને કહે છે કે, ‘હે દાન, તારા દેવના સોગંદ, અને બેર-શેબાના માર્ગના સોગંદ, ’ તેઓ તો પડશે ને કદી પાછા ઊઠશે નહિ.”

Currently Selected:

આમોસ 8: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in