પ્રેરિતોનાં કૃત્યો પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
‘પ્રેરિતોનાં કૃત્યો’ એ ‘લૂકની સુવાર્તા’ ની પુરવણી અથવા વધારા સમાન છે. આ પુસ્તકનો હેતુ પ્રભુ ઈસુના શરૂઆતના અનુસરનારાઓએ, પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા, “યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી” સુવાર્તા કેવી રીતે ફેલાવી તે જણાવવાનો છે (૧:૮) ખ્રિસ્તી માર્ગની ચળવળની આમાં વાત આવેલી છે. અને એ ચળવળ પ્રથમ યહૂદિયામાં શરૂ થઈ, અને આખી દુનિયાભરના ધર્મની એ વાત બની ગઈ. લેખક પુસ્તકમાં વાચકને એક વાતની ખાતરી આપવાનું ધ્યાનમાં રાખે છે કે ખ્રિસ્તી માર્ગ એ રોમન સલ્તનતને ઉથલાવી પાડનારી રાજકીય ધમકી નથી, અને બીજું કે ખ્રિસ્તી માર્ગ એ યહૂદી ધર્મની પરિપૂર્ણતા છે.
સુવાર્તાના પ્રચારનો વિસ્તાર વધતો અને વધતો જ ગયો, અને મંડળી વિસ્તૃત અને વધુ વિસ્તૃત બનતી ગઈ, એ જોતાં ‘પ્રેરિતોનાં કૃત્યો’ ના પુસ્તકને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકાય. (૧) પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછી ખ્રિસ્તી ચળવળ યરુશાલેમમાં પ્રસરવા લાગી; (૨) પાલેસ્તાઈનના અન્ય વિસ્તારોમાં આ ચળવળ ફેલાવો પામી; અને (૩) આ ચળવળનો વધુ ફેલાવો ભૂમધ્ય (મેડિટરેનિયન) સમુદ્રની આસપાસની દુનિયામાં છેક રોમ સુધી થવા પામ્યો.
‘પ્રેરિતોનાં કૃત્યો’માં સૌથી મહત્વની બાબત તો પવિત્ર આત્માની પ્રવૃત્તિ છે. પવિત્ર આત્મા પચાસમાના પર્વના દિવસે યરુશાલેમના વિશ્વાસીઓ ઉપર ઊતર્યો, અને ત્યારથી માંડીને એ પવિત્ર આત્મા મંડળીને તથા મંડળીના આગેવાનોને, પુસ્તકમાં નોંધેલા સર્વ બનાવોમાં દોરતા અને સામર્થ્ય આપતા રહ્યા છે. શરૂઆતમાં ખ્રિસ્તી સંદેશ, પુસ્તકમાં આપેલા કેટલાક ઉપદેશોમાં સંક્ષિપ્તમાં સમાયેલો છે. અને આ પુસ્તકમાં નોંધેલી ઘટનાઓએ સંદેશનું સામર્થ્ય વિશ્વાસીઓના જીવનમાં અને મંડળીની સંગતમાં આપણને દર્શાવે છે.
રૂપરેખા :
સાક્ષીને માટેની પૂર્વતૈયારી ૧:૧-૨૬
ક. ઈસુનો આખરી આદેશ અને આપેલું વચન ૧:૧-૧૪
ખ. યહૂદાનો અનુગામી ૧:૧૫-૨૬
યરુશાલેમમાં સાક્ષી ૨:૧-૮:૩
યહૂદિયા અને સમરૂનમાં સાક્ષી ૮:૪-૧૨:૨૫
પાઉલની ધર્મસેવા ૧૩:૧-૨૮:૩૧
ક. પ્રથમ મિશનેરી મુસાફરી ૧૩:૧-૧૪:૨૮
ખ. યરુશાલેમમાં કોન્ફરન્સ ૧૫:૧-૩૫
ગ. બીજી મિશનેરી મુસાફરી ૧૫:૩૬-૧૮:૨૨
ઘ. ત્રીજી મિશનેરી મુસાફરી ૧૮:૨૩-૨૧:૧૬
ચ. બંદીવાન પાઉલ યરુશાલેમમાં, કાઇસારિયામાં, અને રોમમાં ૨૧:૧૭-૨૮:૩૧
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.