યોહ. 17

17
પોતાના શિષ્ય માટે ઈસુની પ્રાર્થના
1ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. 2કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે.
3 અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. 4જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. 5હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.
6 માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે. 7હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે. 8કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.
9 જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; 10જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. 11હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.
12 હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ. 13હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું. 14તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.
15 તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો. 16જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી. 17સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
18 જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે. 19તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.
20 વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે, 21તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.
22 જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય; 23એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.
24 હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.
25 ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે; 26મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”

Цяпер абрана:

યોહ. 17: IRVGuj

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце