લૂક 2
2
ઈસુનો જન્મ
(માથ. ૧:૧૮-૨૫)
1તે દિવસોમાં કાઈસાર ઑગસ્તસે એવો ઠરાવ બહાર પાડયો, “સર્વ દેશોના લોકોનાં નામ નોંધાય.” 2કુરેનિયસ સિરિયા [પ્રાંત] નો હાકેમ હતો. તેના વખતમાં વસતિની એ પ્રથમ ગણતરી થઈ હતી. 3બધાં પોતાનાં નામ નોંધાવવા માટે પોતપોતાનાં શહેરમાં ગયાં. 4અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ અને કુળમાંનો હતો. 6તેઓ ત્યાં હતાં, એટલામાં તેના દિવસ પૂરા થયા, 7અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લૂગડામાં લપેટીને ગભાણમાં સૂવાડ્યો, કારણ કે તેઓને માટે ધર્મશાળામાં કંઈ જગા ન હોતી.
ભરવાડો અને દૂતો
8તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાંને સાચવતા હતા. 9પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. 10દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. 11કેમ કે આજે દાઉદના શહેરમાં તમારે માટે એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યા છે. 12તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો.” 13પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા,
14“પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ,
તથા પૃથ્વી પર જે માણસો વિષે
તે પ્રસન્ન છે,
તેઓને શાંતિ થાઓ.”
15દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી, તે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે બેથલેહેમ જઈએ, અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.” 16તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયાં. 17તેઓને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓને જાહેર કરી. 18જે વાતો ઘેટાંપાળકોએ તેમને કહી, તેથી સર્વ સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા. 19પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિષે વિચાર કરતી. 20ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.
ઈસુનું નામકરણ
21આઠ દિવસ પૂરા થયા પછી #લે. ૧૨:૩. તેની સુન્નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેઓએ #લૂ. ૧:૩૧. તેનું નામ ઈસુ પાડયું. તેનું ગર્ભાધાન થયા પહેલાં દૂતે એ નામ પાડયું હતું.
મંદિરમાં ઈસુનો અર્પણવિધિ
22 #
લે. ૧૨:૬-૮. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધીકરણના દિવસ પૂરા થયા, 23ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, #નિ. ૧૩:૨,૧૨. ‘પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય.’ તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને, 24તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનો યજ્ઞ કરવા માટે, તેઓ તેને યરુશાલેમ લાવ્યાં. 25ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇઝરાલના દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. 26પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું, “પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.” 27તે આત્મા [ની પ્રેરણા] થી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા માટે તેનાં માબાપ તેને અંદર લાવ્યાં. 28ત્યારે તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું,
29“ઓ સ્વામી, હવે તમારા વચન પ્રમાણે
તમે તમારા દાસને
શાંતિથી જવા દો છો;
30કેમ કે મારી આંખોએ
તમારું તારણ જોયું છે,
31જેને સર્વ લોકોની સંમુખ
તમે તૈયાર કર્યું છે;
32 #
યશા. ૪૨:૬; ૪૯:૬; ૫૨:૧૦. વિદેશીઓને પ્રકાશ આપવા માટે,
તથા તમારા ઇઝરાયલી લોકોનો
મહિમા થવા માટે તે પ્રકાશરૂપ છે.
33છોકરા સંબંધી જે વાતો કહેવામાં આવી હતી, તેથી તેનાં માબાપ આશ્ચર્ય પામ્યાં. 34શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેની મા મરિયમને કહ્યું, “જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા માટે, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા માટે ઠરાવેલો છે. 35હા, અને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં [માણસોનાં] મનની કલ્પના પ્રગટ થાય.” 36આશેરનાં કુળની, ફનુએલની દીકરી, હાન્ના નામે, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે સાત વરસ સુધી રહી હતી. 37તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. 38તેણે તે ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, ને જેઓ યરુશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી.
નાઝરેથ પાછા ફરવું
39પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી #માથ. ૨:૨૩. તેઓ ગાલીલમાં પોતાને શહેર નાઝરેથ પાછાં ગયાં.
40તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો. અને ઈશ્વરની કૃપા તેના પર હતી.
બાર વર્ષની ઉંમરે ઈસુ મંદિરમાં
41તેનાં માબાપ વરસોવરસ #નિ. ૧૨:૧-૨૭; પુન. ૧૬:૧-૮. પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં હતાં. 42તે બાર વરસનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયાં. 43[પર્વના] દિવસો પૂરા કરીને તેઓ પાછાં જવા લાગ્યાં, ત્યારે છોકરો ઈસુ યરુશાલેમમાં પાછળ રહ્યો. અને તેનાં માબાપને તેની ખબર પડી નહિ. 44પણ તે સંઘમાં હશે, એમ ધારીને તેઓએ એક આખો દિવસ ચાલ્યા પછી પોતાનાં સગાંઓમાં તથા ઓળખીતાંઓમાં તેને શોધ્યો. 45તે તેઓને જડ્યો નહિ, ત્યારે તેઓ તેને શોધતાં શોધતાં યરુશાલેમ પાછાં ગયાં. 46ત્રણ દિવસ પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો, તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો જોયો. 47જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી આશ્ચર્ય પામ્યા. 48તેને જોઈને તેનાં માબાપ પણ આશ્ચર્ય પામ્યાં; તેની માએ તેને પૂછ્યું, “દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુ:ખી થઈને તારી શોધ કરી!” 49તેઓને તેણે કહ્યું, “તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતાં નહોતા કે મારા પિતાને ત્યાં મારે હોવું જોઈએ?” 50આ જે વાત તેણે તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ. 51તે તેઓની સાથે ગયો, અને નાસરેથ આવીને તે તેઓને આધીન રહ્યો, અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી.
52ઈસુ #૧ રા. ૨:૨૬; નીતિ. ૩:૪. જ્ઞાનમાં તથા કદમાં, ને ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો.
المحددات الحالية:
લૂક 2: GUJOVBSI
تمييز النص
شارك
نسخ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Far.png&w=128&q=75)
هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.