લૂક 16
16
ચાલાક કારભારી
1તેમણે શિષ્યોને કહ્યું, “એક શ્રીમંત માણસ હતો, તેની પાસે એક કારભારી હતો, તેની આગળ તેના ઉપર એવું તહોમત મૂકવામાં આવ્યું કે, ‘તે તમારી મિલકત ઉડાવી દે છે.’ 2તેણે તેને બોલાવીને પૂછ્યું, ‘તારે વિષે હું જે સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.’ 3કારભારીએ પોતાના મનમાં કહ્યું, ‘હું શું કરું? કેમ કે મારો ઘણી મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં ખોદવાની શક્તિ નથી; ભિક્ષા માગતાં હું લજવાઉં છું. 4તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો પોતાનાં ઘરોમાં મારો આવકાર કરે માટે મારે શું કરવું તેની મને સૂઝ પડે છે!’ 5પછી તેણે પોતાના ધણીના દરેક દેણદારને બોલાવીને તેમાંના પહેલાને કહ્યું, ‘મારા ધણીનું તારે કેટલું દેવું છે?’ 6તેણે કહ્યું, ‘સો માપ તેલ.’ તેણે તેને કહ્યું, ‘તારું ખાતું લે, ને જલદી બેસીને પચાસ લખ.’ 7પછી તેણે બીજાને કહ્યું, ‘તારે કેટલું દેવું છે?’ તેણે કહ્યું, ‘સો માપ ઘઉં’ તેણે તેને કહ્યું, ‘તારું ખાતું લે, અને એંસી લખ.’ 8તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિષે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે.
9હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને માટે મિત્ર કરી લો; કે જ્યારે તે થઈ રહે, ત્યારે તેઓ સદાકાળનાં માંડવાઓમાં તમારો આવકાર કરે. 10જે બહુ થોડામાં વિશ્વાસુ છે; તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે. 11માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે? 12અને જો તમે પરાયા [દ્રવ્ય] માં વિશ્વાસુ થયા ન હો, તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે? 13#માથ. ૬:૨૪. કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરી શકતો નથી. કેમ કે તે એકનો દ્વેષ કરશે, અને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, અને બીજાને તુચ્છ ગણશે. ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા.”
ઈસુનાં કેટલાંક કથનો
(માથ. ૧૧:૧૨-૧૩; ૫:૩૧-૩૨; માર્ક ૧૦:૧૧-૧૨)
14ફરોશીઓ દ્રવ્યલોભી હતા, તેઓએ એ બધી વાતો સાંભળીને તેમની મશ્કરી કરી. 15તેમણે તેઓને કહ્યું, “તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો; પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દષ્ટિમાં કંટાળારૂપ છે. 16#માથ. ૧૧:૧૨-૧૩. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન સુધી હતા; તે વખતથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, અને દરેક માણસ તેમાં બળજબરીથી પેસે છે. 17પરંતુ #માથ. ૫:૧૮. શાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે. 18#માથ. ૫:૩૨; ૧ કોરીં. ૭:૧૦-૧૧. જે કોઈ પોતાની સ્ત્રીને છોડીને બીજીને પરણે છે, તે વ્યભિચાર કરે છે; અને પતિએ છોડેલી સ્ત્રીને જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.
શ્રીમંત માણસ અને ગરીબ લાજરસ
19એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગનાં મુલાયમ વસ્ત્રો પહેરતો હતો, અને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો. 20લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. 21શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
22તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો, અને તેને દાટવામાં આવ્યો. 23હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. 24તેણે મોટેથી કહ્યું, “ઇબ્રાહિમ પિતા, મારા પર દયા કરીને લાજરસને મોકલો કે, તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે. કેમ કે આ બળતામાં હું વેદના પામું છું.’ 25પણ ઇબ્રાહિમે તેને કહ્યું, ‘દીકરા, તારા જીવનમાં તું સારી ચીજો પામ્યો હતો, અને લાજરસ તો ભૂંડી ચીજો [પામ્યો હતો] તે સંભાર; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. 26એ સર્વ ઉપરાંત, અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે, તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહિ.’ 27તેણે કહ્યું, ‘પિતા, હું વિનંતી કરું છું કે, તેને મારા પિતાને ઘેર મોકલો. 28કેમ કે મારે પાંચ ભાઈઓ છે કે, તે તેઓને સાક્ષી આપે, રખેને તેઓ પણ આ પીડાને સ્થળે આવી પડે.’ 29પણ ઇબ્રાહિમ કહે છે, ‘તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે. તેઓનું તેઓ સાંભળે.’ 30તેણે કહ્યું, ‘ઇબ્રાહિમ પિતા, એમ નહિ; પણ જો કોઈ મૂએલાંમાંથી [ઊઠીને] તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.’ 31તેમણે તેને કહ્યું, ‘જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહિ સાંભળે, તો જો મૂએલાંમાંથી કોઈ ઊઠે, તોપણ તેઓ માનવાના નથી.”
المحددات الحالية:
લૂક 16: GUJOVBSI
تمييز النص
شارك
نسخ
هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.