የYouVersion አርማ
የፍለጋ አዶ

ઉત્પ 41

41
ફરુનના સ્વપ્નો
1બે વર્ષ પછી ફારુનને સ્વપ્ન આવ્યું. તેમાં તે નીલ નદીની પાસે ઊભો હતો. 2ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી. 3અચાનક તેઓની પાછળ કદરૂપી તથા સૂકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવી. તેઓ નદીને કિનારે અન્ય ગાયોની પાસે ઊભી રહી.
4પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ. 5પછી તે પાછો ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું. એક સાંઠા પર દાણા ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં. 6તેઓની પછી સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
7અને સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત પાકાં તથા દાણા ભરેલાં કણસલાંને ગળી ગયાં. ફારુન જાગી ગયો. તેને થયું કે, તે તો સ્વપ્ન હતું. 8સવારે તે ઊઠ્યો ત્યારે તેનું મન ગભરાયું. તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા જ્ઞાનીઓને બોલાવ્યા; અને પોતે જોયેલાં સ્વપ્ન વિષે તેઓને જણાવ્યું; પણ તેઓમાં એવો કોઈ ન હતો કે જે ફારુનનાં સ્વપ્નનો અર્થ જણાવી શકે.
9એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે. 10જયારે ફારુનને પોતાના દાસો પર ગુસ્સો આવ્યો હતો અને મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં નજરકેદ કર્યા હતા, 11ત્યારે મને અને તેને એક જ રાત્રે સ્વપ્ન આવ્યાં હતાં. 12ત્યાં એક હિબ્રૂ જુવાન જે અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો, તે અમારી સાથે કેદમાં હતો. અમે તેને અમારા સ્વપ્નો જણાવ્યાં અને તેણે અમારા સ્વપ્નના અર્થ કહી બતાવ્યા હતા. તેણે અમને બન્નેને અમારા સ્વપ્ન પ્રમાણે ખુલાસા કરી બતાવ્યાં હતા. 13તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી.”
14ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો. 15ફારુને યૂસફને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ જણાવનાર કોઈ નથી. પણ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કહી જણાવે છે.” 16યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે.”
17ફારુને યૂસફને કહ્યું, “હું મારા સ્વપ્નમાં નીલ નદીને કિનારે ઊભો હતો. 18ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.
19તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી. 20તે કદરૂપી તથા દુબળી ગાયો બીજી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ. 21જ્યારે તેઓ તેને ખાઈ ગઈ, તો પણ તેઓ તેને ખાઈ ગઈ હોય એવું માલૂમ પડ્યું નહિ, પણ તેઓ અગાઉની જેમ જ કદરૂપી અને નબળી રહી. પછી હું જાગી ગયો.
22ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં, 23અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં. 24સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં. આ સ્વપ્ન મેં જ્ઞાનીઓને કહ્યા, પણ કોઈ એવો મળ્યો નહિ કે જે મને તેનો અર્થ જણાવી શકે.”
25યૂસફે ફારુનને કહ્યું, “આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે. 26જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.
27તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે. 28જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે. 29જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.
30પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે. 31તે આવનાર દુકાળને કારણે દેશમાં પુષ્કળતા જણાશે નહિ કેમ કે તે દુકાળ બહુ કપરો હશે. 32ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.
33હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ. 34વળી ફારુને આમ કરવું: મિસર દેશ પર ઉપરીઓ ઠરાવવા અને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન પેદાશનો પાંચમો ભાગ લઈને રાજ્યભંડારમાં ભરે.
35જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારુનના હાથ નીચે સઘળું અનાજ નગરેનગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે. 36પછી દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તે માટે તે અન્ન દેશને માટે સંગ્રહ થશે. આ રીતે દુકાળથી દેશનો નાશ નહિ થાય.
યૂસફને મિસર દેશનો અધિકારી બનાવ્યો
37આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. 38ફારુને પોતાના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો અન્ય કોઈ માણસ આપણને મળે ખરો?”
39તેથી ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે જોતાં તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ જણાતો નથી. 40તું મારા રાજ્યનો ઉપરી થા. મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. રાજ્યાસન પર હું એકલો જ તારા કરતાં મોટો હોઈશ.” 41ફારુને યૂસફને કહ્યું, “આજથી હું તને આખા મિસર દેશના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કરું છું.”
42ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને શણનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો. 43તેને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને લોકો તેની આગળ “ઘૂંટણ ટેકવો” એમ પોકારો પાડતા. ફારુને તેને આખા મિસર દેશનો ઉપરી નિયુક્ત કર્યો.
44ફારુને યૂસફને કહ્યું, “હું ફારુન છું અને મિસરના આખા દેશમાં તારો સંપૂર્ણ અધિકાર રહેશે.” 45ફારુને યૂસફનું નામ “સાફનાથ-પાનેઆ” પાડ્યું. ઓનના યાજક પોટીફારની પુત્રી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. યૂસફ આખા મિસર દેશમાં સન્માન પામ્યો.
46યૂસફ મિસરના રાજા ફારુનની સમક્ષ દેશનો અધિપતિ થયો, ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે આખા મિસર દેશમાં ફરીને માહિતી મેળવી. 47પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી પુષ્કળ અનાજ પાક્યું.
48મિસર દેશમાં એ સાત વર્ષ દરમિયાન ઉપજેલું સઘળું અનાજ તેણે એકઠું કર્યું. તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભેગું કર્યું. 49યૂસફે સમુદ્રની રેતી જેટલાં અનાજનો સંગ્રહ કર્યો. એટલું બધું અનાજ એકત્ર થયું કે તેનો તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.
50દુકાળનાં વર્ષો આવ્યાં તે અગાઉ યૂસફને બે દીકરા થયા, જે આસનાથ, ઓનના યાજક પોટીફારની દીકરીથી જન્મ્યા. 51યૂસફે પોતાના જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશ્શા#41:51 મનાશ્શા સર્વ કષ્ટ ભૂલી જવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.” 52બીજા દીકરાનું નામ તેણે એફ્રાઇમ#41:52 એફ્રાઇમ બે વખત ફળદ્રુપ થવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મારા દુઃખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”
53મિસર દેશમાં ભરપૂરીપણાનાં જે સાત વર્ષ આવ્યાં હતાં તે વિતી ગયાં. 54યૂસફના કહ્યા પ્રમાણે, દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં. દુકાળ સર્વ દેશોમાં વ્યાપેલો હતો, પણ આખા મિસર દેશમાં અન્નના ભંડાર ભરેલા હતા.
55જયારે આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકોએ ફારુનની આગળ અનાજને માટે કાલાવાલા કર્યા. ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ અને તે તમને જે કહે તે કરો.” 56પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો. 57સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો.

Currently Selected:

ઉત્પ 41: IRVGuj

ማድመቅ

Share

Copy

None

ያደመቋቸው ምንባቦች በሁሉም መሣሪያዎችዎ ላይ እንዲቀመጡ ይፈልጋሉ? ይመዝገቡ ወይም ይግቡ