ઉત્પ 3

3
પાપનો આરંભ
1હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’ 2સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ, 3પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.””
4સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો. 5કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.” 6તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
7ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં. 8દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
9યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, “તું ક્યાં છે?” 10આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.” 11ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?”
12તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.” 13યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.”
ઈશ્વરની સજા
14યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે. 15તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”
16વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
17તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, ‘તારે તે ન ખાવું’ તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે. 18ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. 19તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”
20તે માણસે તેની પત્નીનું નામ હવા#3:20 હવા જીવન પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી. 21યહોવાહ ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.
આદમ અને હવાને વાડીમાંથી કાઢી મૂકવું
22પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.” 23તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂક્યો. 24ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તલવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.

Айни замон обунашуда:

ઉત્પ 3: IRVGuj

Лаҳзаҳои махсус

Паҳн кунед

Нусха

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in