લૂક 23

23
ઈસુ પિલાત સમક્ષ
માથ. 27:1-2,11-14; માર્ક 15:1-5; યોહ. 18:28-38
1અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા. 2અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’”
3અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’” 4અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’” 5પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’”
ઈસુ હેરોદ સમક્ષ
6પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’” 7અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.
8હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો. 9હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. 10અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.
11અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. 12અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.
ઈસુને મોતની સજા ફરમાવી
માથ. 27:15-26; માર્ક 15:6-15; યોહ. 18:39-19:16
13અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને 14તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી.
15તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી. 16માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’” 17હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.
18પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’” 19એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.
20ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. 21પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’” 22અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’”
23પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓના ધાર્યા પ્રમાણે તેઓએ તેને મનાવ્યો. 24અને પિલાતે ફેંસલો કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’” 25અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
ઈસુનું ક્રૂસારોહણ
માથ. 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-27
26અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.
27લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. 28પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.
29 કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’” 30ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’” 31કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?
32બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.
33ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં. 34ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.
35લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”
36સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા, 37અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’” 38તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.
39તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’” 40પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’” 41આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.
42તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’” 43ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”
ઈસુનું મૃત્યુ
માથ. 27:45-56; માર્ક 15:33-41; યોહ. 19:28-30
44હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો. 45વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.
46ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તે એમ કહીને મૃત્યુ પામ્યા. 47જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”
48જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા. 49તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં.
ઈસુનું દફન
માથ. 27:57-61; માર્ક 15:42-47; યોહ. 19:38-42
50હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો, 51તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.
52તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો. 53તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.
54તે દિવસ શુદ્ધિકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો. 55જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું. 56તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં.
આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.

Terpilih Sekarang Ini:

લૂક 23: IRVGuj

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk