યોહ. 1

1
જીવનનો શબ્દ
1પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા. 2તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. 3તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
4તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું. 5તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
6ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. 7તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે. 8યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.
9ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
10તેઓ દુનિયામાં હતા અને તેમના દ્વારા દુનિયા ઉત્પન્ન થઇ છે અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ. 11તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.
12છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.
14અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા. 15યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા.”
16કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા. 17નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં. 18ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.
યોહાન બાપ્તિસ્તનો સંદેશ
માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂક 3:1-18
19જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી; 20એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.” 21તેઓએ તેને પૂછ્યું, “તો શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, ‘ના.’”
22માટે તેઓએ તેને પૂછ્યું કે, ‘તું કોણ છે?’ કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે? 23તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે “અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”
24ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા. 25તેઓએ તેને પૂછ્યું કે, ‘જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?’”
26યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી; 27તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.” 28યર્દનને પેલે પાર બેથાની જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.
ઈશ્વરનું હલવાન
29બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે! 30તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, ‘મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા. 31મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.’”
32યોહાને સાક્ષી આપી કે, ‘મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા. 33મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. 34મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’”
ઈસુના પ્રથમ શિષ્યો
35વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો. 36તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’”
37તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. 38ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, ‘તમે શું શોધો છો?’ તેઓએ તેમને કહ્યું, ‘રાબ્બી ‘એટલે ગુરુજી,’ તમે ક્યાં રહો છો?’” 39તેમણે તેઓને કહ્યું કે, ‘આવી અને જુઓ.’ માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
40જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. 41તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’” 42તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’”
ઈસુ ફિલિપ અને નથાનિયેલને તેડે છે
43બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 44હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં જેમનાં સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.’”
46નથાનિયેલે તેને પૂછ્યું, ‘શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?’ ફિલિપ તેને કહે છે કે, ‘આવ અને જો.’” 47ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, ‘જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!’ 48નથાનિયેલે ઈસુને કહ્યું કે, ‘તમે મને ક્યાંથી ઓળખો છો?’ ઈસુએ તેને જવાબ આપ્યો, ‘ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.’”
49નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’” 50ઈસુએ તેને કહ્યું કે, ‘મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.’” 51ઈસુએ તેને કહ્યું, ‘હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.’”

Terpilih Sekarang Ini:

યોહ. 1: IRVGuj

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk