ઉત્પત્તિ 18
18
ત્રણ મુલાકાતીઓ
1પ્રભુએ અબ્રાહામને મામરેનાં એલોન વૃક્ષો પાસે દર્શન આપ્યું. અબ્રાહામ ભરબપોરે તંબુના પ્રવેશદ્વાર પાસે બેઠો હતો. 2તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો.#હિબ્રૂ. 13:2. 3તેણે ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા સ્વામી, તમે મારા પર પ્રસન્ન થયા હો તો તમારા આ સેવક પાસેથી જતા રહેશો નહિ. 4હું થોડું પાણી લઈ આવું એટલે તમે પગ ધોઈ લો અને પછી આ વૃક્ષ નીચે આરામ કરો. 5તમે તમારા દાસને ત્યાં આવ્યા જ છો તો મને તમારે માટે થોડો ખોરાક લાવવા દો, જેથી તે ખાઈને તાજા થઈને તમે તમારે માર્ગે જઈ શકો.” તેથી તેમણે કહ્યું, “ભલે, તારા કહેવા પ્રમાણે કર.”
6પછી અબ્રાહામ તરત જ સારા પાસે તંબુમાં ગયો. તેણે તેને કહ્યું, “ત્રણ માપ લોટ મસળીને જલદી જલદી રોટલી બનાવી દે.” 7પછી અબ્રાહામ દોડીને ઢોરનાં ટોળાં તરફ ગયો. તેણે તેમાંથી એક કુમળું અને સારું વાછરડું લાવીને નોકરને આપ્યું, એટલે નોકર પણ તે જલદી જલદી બનાવવા લાગ્યો. 8પછી અબ્રાહામે દહીં, દૂધ તથા પેલું રાંધેલું વાછરડું લાવીને તેમની આગળ પીરસ્યાં, તેઓ જમતા હતા તે દરમ્યાન તે તેમની સરભરામાં વૃક્ષ નીચે ઊભો રહ્યો.
9તેમણે અબ્રાહામને પૂછયું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “તે ત્યાં તંબુમાં છે.” 10પ્રભુએ કહ્યું, “આવતે વર્ષે નિયત સમયે હું તારે ત્યાં પાછો આવીશ અને ત્યારે તારી સ્ત્રી સારાને પુત્ર હશે.” અબ્રાહામની પાછળ જ તંબુના પ્રવેશદ્વાર નજીક ઊભા રહીને સારાએ તે સાંભળ્યું.#રોમ. 9:9. 11હવે અબ્રાહામ અને સારા વૃદ્ધ થયાં હતાં અને તેમની ઉંમર ઘણી થઈ હતી. વળી, સારાને રજોદર્શન પણ બંધ થયું હતું. 12તેથી સારા એકલી એકલી હસી અને મનમાં બોલી, “હું વૃદ્ધ થઈ છું અને મારા પતિ પણ વૃદ્ધ થયા છે; તો હવે હું દેહસુખ માણી શકું ખરી?”#૧ પિત. 3:6. 13પ્રભુએ અબ્રાહામને કહ્યું, “‘હું વૃદ્ધ હોવા છતાં મને પુત્ર થાય ખરો?’ એવું કહેતાં સારા કેમ હસી? 14શું પ્રભુને કંઈ અશક્ય છે? આવતે વર્ષે નિયત સમયે હું તારી પાસે પાછો આવીશ અને સારાને ત્યારે પુત્ર થયો હશે.”#લૂક. 1:37. 15સારાએ ડરના માર્યા કહ્યું, “હું હસી નથી. ” પણ તેમણે કહ્યું, “હા, તું ખરેખર હસી.”
સદોમ માટે અબ્રાહામની મયસ્થી
16પછી તે પુરુષો ત્યાંથી ઊભા થયા અને તેમણે સદોમ તરફ નજર કરી. અબ્રાહામ તેમને વળાવવા તેમની સાથે ગયો. 17પ્રભુએ વિચાર્યું, “હું જે કરવાનો છું તે શું હું અબ્રાહામથી છૂપું રાખું? 18અબ્રાહામ દ્વારા તો હું એક મહાન અને સમર્થ પ્રજા ઊભી કરવાનો છું અને પૃથ્વીની બધી પ્રજાઓ તેની મારફતે આશિષ પ્રાપ્ત કરશે.#18:18 ‘પૃથ્વીની....પ્રાપ્ત કરશે’ અથવા ‘મેં તને આશિષ આપી છે તે પ્રમાણે તેમને આશિષ આપવા પૃથ્વીની બધી પ્રજાઓ મને વિનવશે.’ 19કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.” 20પછી પ્રભુએ કહ્યું, “સદોમ અને ગમોરાની વિરુદ્ધ બહુ મોટી ફરિયાદ આવી છે અને તેમનાં પાપ અઘોર છે. 21એટલે હવે હું જઈને જોઈશ કે મારી પાસે પહોંચેલી ફરિયાદ પ્રમાણેનાં તેમનાં કામ છે કે કેમ. જો તેમનાં કામ એવાં નહિ હોય તો ય મને ખબર પડશે.”
22પછી બે પુરુષો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પણ પ્રભુ અબ્રાહામની સાથે રોકાયા.#18:22 ‘પણ પ્રભુ...રોકાયા.’ હિબ્રૂ: ‘પણ અબ્રાહામ પ્રભુ સમકાષ ઊભો રહ્યો.’ 23અબ્રાહામે પ્રભુની પાસે જઈને કહ્યું, “શું તમે દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરશો? 24જો તે શહેરમાં પચાસ સદાચારીઓ હોય તો પણ શું તમે તેનો નાશ કરશો? એ પચાસ સદાચારીઓ ખાતર એ શહેરને તમે નહિ બચાવો? 25દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?” 26ત્યારે પ્રભુએ કહ્યું, “જો સદોમમાં મને પચાસ સદાચારી મળે તો તેમની ખાતર હું આખા શહેરને બચાવીશ.”
27અબ્રાહામ ફરીથી બોલ્યો, “હું તો ધૂળ અને રાખ સમાન છું, 28છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત કરું છું. કદાચ પચાસ સદાચારીમાં પાંચ ઓછા હોય તો એ પાંચની ખોટને લીધે શું તમે આખા શહેરનો નાશ કરશો?” પ્રભુએ ઉત્તર આપ્યો, “જો ત્યાં પિસ્તાલીસ સદાચારી હોય તો પણ હું તેનો નાશ કરીશ નહિ.” 29અબ્રાહામે ફરી પ્રભુને કહ્યું, “જો ચાલીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “ચાલીસને લીધે પણ હું નાશ કરીશ નહિ.” 30ત્યારે અબ્રાહામે કહ્યું, “પ્રભુ, તમને રોષ ન ચડે તો હું બોલું. ધારો કે ત્રીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ જ સદાચારી મળે તો પણ હું તેનો નાશ કરીશ નહિ.” 31અબ્રાહામે કહ્યું, “હજી હું પ્રભુ સમક્ષ બોલવાની હિંમત કરું છું. જો વીસ જ સદાચારી મળે તો?” પ્રભુએ જવાબ આપ્યો, “વીસને લીધે પણ હું તેનો નાશ કરીશ નહિ.” 32અબ્રાહામે કહ્યું, પ્રભુ, તમને રોષ ન ચડે તો આ છેલ્લી વાર બોલું, જો ફક્ત દસ જ મળે તો?” “પ્રભુએ જવાબ આપ્યો, “એ દસને લીધે પણ હું એ શહેરનો નાશ કરીશ નહિ.” 33પછી અબ્રાહામ સાથે વાત પૂરી કરીને પ્રભુ ચાલ્યા ગયા અને અબ્રાહામ પોતાના તંબુએ પાછો આવ્યો.
Valgt i Øjeblikket:
ઉત્પત્તિ 18: GUJCL-BSI
Markering
Del
Kopiér
Vil du have dine markeringer gemt på tværs af alle dine enheder? Tilmeld dig eller log ind
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide