ઉત્પત્તિ 14

14
અબ્રામ લોતને છોડાવે છે
1એવામાં શિનઆરનો રાજા આમ્રાફેલ, એલ્લાસારનો રાજા આર્યોખ, એલામનો રાજા કદોરલાઓમેર અને ગોઈમનો રાજા તિદાલ 2એ ચાર રાજાઓ સદોમનો રાજા બેરા, ગમોરાનો રાજા બિર્શા, આદમાનો રાજા શિનાબ, સબોઇમનો રાજા શેમેબર અને બેલા એટલે સોઆરનો રાજા એ પાંચ રાજાઓ સામે યુદ્ધ કરવા ગયા. 3આ પાંચ રાજાઓ સંગઠન કરી, જ્યાં આજે મૃત સરોવર છે ત્યાં એટલે સિદ્દીમના ખીણપ્રદેશમાં એકઠા થયા. 4તેઓ બાર વર્ષ કદોરલાઓમેરની તાબેદારી નીચે હતા, પણ તેરમે વર્ષે તેમણે તેની વિરુદ્ધ બળવો કર્યો. 5ચૌદમે વર્ષે કદોરલાઓમેર તથા તેના મિત્ર રાજાઓએ પોતાનાં લશ્કરો લઈને આશ્તરોથ- કારનાઇમના પ્રદેશના રફીઓને, હામના પ્રદેશના ઝુઝીઓને, શાવે-કિર્યાથાઈમ પ્રદેશના એમીઓને 6અને સેઇરના પહાડી પ્રદેશના હોરીઓને રણપ્રદેશ પાસેના છેક એલપારાન સુધી તેમનો પીછો કરીને તેમને હરાવ્યા. 7પછી તેઓ પાછા ફરીને એન-મિશ્પાટ એટલે કાદેશ આવ્યા અને તેમણે અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ હરાવ્યા.
8-9ત્યારે સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઇમનો રાજા અને બેલા એટલે સોઆરનો રાજા એ પાંચ રાજાઓએ એકઠા થઈ સિદ્દીમના ખીણપ્રદેશમાં એલામનો રાજા કદોરલાઓમેર, ગોઇમનો રાજા તિદાલ, શિનઆરનો રાજા આમ્રાફેલ અને એલ્લાસારનો રાજા આર્યોખ એ ચાર રાજાઓની સામે યુદ્ધ કર્યું. 10સિદ્દીમના ખીણપ્રદેશમાં ડામરના ઘણા ખાડા હતા. સદોમ અને ગમોરાના રાજાઓ નાસી છૂટતી વખતે તે ખાડાઓમાં પડયા જ્યારે બાકીના પર્વતોમાં નાસી ગયા. 11પેલા ચાર રાજાઓ સદોમ અને ગમોરાની બધી સંપત્તિ તથા તેમના અન્‍નભંડારો લૂંટી લઈને ચાલ્યા ગયા. 12વળી, તેઓ સદોમમાં રહેતા અબ્રામના ભત્રીજા લોતને તેની સઘળી સંપત્તિ સહિત પકડીને લઈ ગયા.
13ત્યાર પછી ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને હિબ્રૂ અબ્રામને ખબર આપી. અબ્રામ અમોરી મામરેનાં પવિત્ર એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે તો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. એ ભાઈઓ અબ્રામના સંધિમિત્રો બન્યા હતા. 14પોતાના ભત્રીજા લોતને પકડી ગયા છે એવી ખબર મળતાં અબ્રામે પોતાના કુટુંબમાં જન્મેલા ત્રણસો અઢાર લડાયક ચાકરોને લીધા અને છેક દાન સુધી તેણે દુશ્મનોનો પીછો કર્યો. 15તેણે પોતાના ચાકરોની બે ટોળીઓ બનાવીને દુશ્મનો પર રાત્રે હુમલો કરીને તેમને હરાવ્યા અને દમાસ્ક્સની ઉત્તરે આવેલા હોબા સુધી તેમનો પીછો કર્યો. 16તેણે બધી સંપત્તિ પાછી મેળવી અને પોતાના સગા લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તેમ જ બાકીના લોકોને તે પાછાં લાવ્યો.
અબ્રામને મેલ્ખીસેદેકની આશિષ
17કદોરલાઓમેર અને તેની સાથેના રાજાઓને હરાવીને અબ્રામ પાછો આવતો હતો ત્યારે સદોમનો રાજા તેને મળવા માટે શાવેના ખીણપ્રદેશમાં ગયો. (એને રાજાનો ખીણપ્રદેશ પણ કહે છે.) 18તે વખતે શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી અને દ્રાક્ષાસવ લઈને આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો.#હિબ્રૂ. 7:1-10. 19તેણે અબ્રામને આશિષ આપતાં કહ્યું: “આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વર અબ્રામને આશિષ આપો. 20તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દેનાર સર્વોચ્ચ ઈશ્વરને ધન્ય હો!” ત્યારે અબ્રામે બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો. 21સદોમના રાજાએ અબ્રામને કહ્યું, “તમે મારા માણસો સોંપી દો અને બધી સંપત્તિ તમે રાખી લો.” 22પણ અબ્રામે તેને જવાબ આપ્યો, “મેં આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વરની સમક્ષ ગંભીરતાપૂર્વક સમ ખાધા છે કે, 23હું તમારી એકપણ વસ્તુ લઈશ નહિ; એક દોરી કે જોડાની વાધરી પણ નહિ. કદાચ તમે એમ કહો કે, ‘મેં અબ્રામને સંપત્તિવાન બનાવ્યો છે;’ 24આ જુવાનોએ ખાધેલો ખોરાક અને મારી સાથે આવેલા માણસોના હિસ્સા વિના હું બીજું કંઈ લેવાનો નથી. આનેર, એશ્કોલ અને મામરે પોતપોતાનો હિસ્સો ભલે લે.

Markering

Del

Kopiér

None

Vil du have dine markeringer gemt på tværs af alle dine enheder? Tilmeld dig eller log ind