ઉત્પ 2

2
1આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું#2:1 સર્વ સેનાઓનું સર્વ વસ્તુઓ સર્જન પૂર્ણ થયું. 2ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો. 3ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
આદમ અને હવા
4આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે યહોવાહ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં, 5ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે યહોવાહ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું. 6પણ પૃથ્વી પર ઝરણું#2:6 ઝરણું ઝાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
7યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું. 8યહોવાહ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.
9યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં. 10વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.
11પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું મળે છે. 12તે દેશનું સોનું સારું છે. ત્યાં મૂલ્યવાન મોતી તથા અકીક પાષાણ પણ છે.
13બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ#2:13 કૂશ ઈથિયોપિયા દેશને ઘેરે છે. 14ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે.
15યહોવાહ ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો. 16યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે. 17પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
18પછી યહોવાહ ઈશ્વરે કહ્યું કે, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.” 19યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. 20તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશના પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમ#2:20 આદમ માણસને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
21યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું. 22યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા. 23તે માણસ બોલી ઊઠ્યો કે,
“આ મારા હાડકામાંનું હાડકું
અને મારા માંસમાનું માંસ છે.
તે ‘નારી’ કહેવાશે,
કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”
24તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે. 25તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.

دیاریکراوەکانی ئێستا:

ઉત્પ 2: IRVGuj

بەرچاوکردن

هاوبەشی بکە

لەبەرگرتنەوە

None

دەتەوێت هایلایتەکانت بپارێزرێت لەناو ئامێرەکانتدا> ? داخڵ ببە