YouVersion Logo
Search Icon

રૂથ 4

4
બોઆઝ રૂથ સાથે લગ્ન કરે છે
1હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને બેસ.” અને તે ત્યાં આવીને બેઠો. 2અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો બોલાવીને કહ્યું, “અહીંયાં બેસો.” અને તેઓ બેઠા.
3ત્યારે તેણે પેલા નજીકના સંબંધીને કહ્યું કે, “નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચી રહી છે. 4તેથી મેં વિચાર્યું કે તને જાણ કરું; સાંભળ ‘અહિયાં બેઠેલા છે તેઓ તથા મારા લોકોના વડીલોની સમક્ષ, તું તે ખરીદી લે. ‘જો તે છોડાવવાની તારી ઇચ્છા હોય, તો છોડાવી લે. પણ જો તે છોડાવવાની તારી મરજી ના હોય તો પછી મને કહે, કે જેથી મને ખ્યાલ આવે, કેમ કે તે છોડાવવાનો સૌથી પ્રથમ હક તારો છે. તારા પછી હું તેનો હકદાર છું.” ત્યારે તેણે જણાવ્યું કે, “હું તે છોડાવીશ.”
5પછી બોઆઝે કહ્યું કે, “નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે તું ખરીદે, તે જ દિવસે તારે મૃત્યુ પામેલા માહલોનની પત્ની, મોઆબી રૂથની સાથે લગ્ન કરવું પડશે જેથી કરીને તેના વારસા પર તું મરનારનું નામ ઊભું કરે.” 6ત્યારે નજીકના સંબંધીએ કહ્યું કે, “મારા પોતાના ઉત્તરાધિકારીને હાનિ કર્યા સિવાય હું મારા માટે તે છોડાવી શકાશે નહિ. તેથી હવે તે જમીન છોડાવવાં માટે તું હકદાર થા; કેમ કે મારાથી તે છોડાવી શકાય તેમ નથી.”
7હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી. 8તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તે ખરીદી લે. “અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.
9બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે. 10વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો.”
11દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, “અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું#4:11 યહોવાહે તેઓને યાકૂબથી ઘણા સંતાન આપ્યા, ઇઝરાયલ જાતિઓ , તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા. 12આ જુવાન સ્ત્રીથી ઈશ્વર તને જે સંતાન આપશે, તેથી તારું ઘર યહૂદિયાથી તામારને પેટે થયેલા પેરેસ#4:12 એફ્રાતિઓનો પૂર્વજ ના ઘર જેવું થાઓ.”
બોઆઝ અને તેનાં વંશજો
13બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. 14સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, ‘ઈશ્વરનો આભાર હો અને તેમનું નામ ઇઝરાયલમાં પ્રસિદ્ધ થાઓ, તેમણે તને નજીકના સંબંધી વગરની રહેવા દીધી નથી. 15તે તારા જીવનમાં ફરીથી આનંદ ઉપજાવશે અને વૃદ્ધાવસ્થામાં તારું જતન કરશે; કેમ કે તારી પુત્રવધૂ જે તને પ્રેમ કરે છે, જે તને સાત દીકરાઓ કરતાં પણ વિશેષ છે, તેણે દીકરાને જન્મ આપ્યો છે.’”
16નાઓમીએ તે બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો અને તેનું જતન કર્યું. 17અને “નાઓમીને દીકરો જનમ્યો છે” એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.
18હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો; 19હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમ્મીનાદાબનો પિતા હતો, 20આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો; 21સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો, 22ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.

Currently Selected:

રૂથ 4: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in