YouVersion Logo
Search Icon

ઓબ. 1

1
ઓબાદ્યાનું સંદર્શન
1ઓબાદ્યાનું સંદર્શન. પ્રભુ યહોવાહ અદોમ વિષે આમ કહે છે; યહોવાહ તરફથી અમને ખબર મળી છે કે, એક એલચીને પ્રજાઓ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો છે “ઊઠો ચાલો આપણે અદોમની વિરુદ્ધ લડાઈ કરવાને જઈએ!” 2જુઓ, “હું તને પ્રજાઓમાં સૌથી નાનું બનાવીશ. તું અતિશય ધિક્કારપાત્ર ગણાઈશ.
3ખડકોની બખોલમાં રહેનારા તથા ઊંચે વાસો કરનારા; તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે કે, “કોણ મને નીચે ભૂમિ પર પાડશે?” 4યહોવાહ એમ કહે છે, જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢીશ, અને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ ત્યાંથી હું તને નીચે પાડીશ.
5જો ચોરો તારી પાસે આવે, અને રાત્રે લૂંટારાઓ તારી પાસે આવે, તો અરે તું કેવો નષ્ટ થયો છે. તો શું તેઓને સંતોષ થાય તેટલું તેઓ લઈ નહિ જાય.? જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે તો, તેઓ નકામી દ્રાક્ષાઓ પડતી નહિ મૂકે? 6એસાવ કેવો લૂંટાઈ ગયો અને તેના છૂપા ભંડારો કેવા શોધી કાઢવામાં આવ્યા છે!
7તારી સાથે મૈત્રી કરનારા સર્વ માણસો તને તારા માર્ગે એટલે સરહદ બહાર કાઢી મૂકશે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને છેતરીને#1:7 ઘાયલ તારા પર જીત મેળવી છે. જેઓ તારી સાથે શાંતિમાં રોટલી ખાય છે તેઓએ તારી નીચે જાળ બિછાવે છે. તેની તને સમજ પડતી નથી. 8યહોવાહ કહે છે, તે દિવસે આખા અદોમમાંથી જ્ઞાની પુરુષોનો અને એસાવ પર્વત પરથી બુદ્ધિનો નાશ શું હું નહિ કરું? 9હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઈ જશે જેથી એસાવ પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સર્વનો સંહાર થશે.
અદોમને શિક્ષાનાં કારણો
10તારા ભાઈ યાકૂબ પર જુલમ ગુજાર્યાને કારણે તું શરમથી ઢંકાઈ જઈશ અને તારો સદાને માટે નાશ થશે. 11જે દિવસે પરદેશીઓ તેની સંપત્તિ લઈ ગયા અને બીજા દેશના લોકો તેનાં દરવાજાઓની અંદર પ્રવેશ્યા અને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી. તે દિવસે તું દૂર ઊભો રહ્યો અને તેઓમાંનો એક જ હોય તેવું તેં કર્યું.
12પણ તારા ભાઈના સંકટ સમયે તેના હાલ તું જોઈ ન રહે, યહૂદાના લોકના વિનાશને સમયે તું તેઓને જોઈને ખુશ ન થા. અને સંકટ સમયે અભિમાનથી ન બોલ. 13મારા લોકોની આપત્તિને દિવસે એમના દરવાજામાં દાખલ ન થા; તેઓની આપત્તિના સમયે તેઓની વિપત્તિ ન નિહાળ. તેમની વિપત્તિના સમયે તેઓની સંપત્તિ પર હાથ ન નાખ. 14નાસી જતા લોકને કાપી નાખવા માટે તું તેઓના રસ્તામાં આડો ઊભો ન રહે. અને તેના લોકના જેઓ બચેલા હોય તેઓને સંકટ સમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે.
ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશે
15કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાહનો દિવસ પાસે છે. તમે જેવું બીજા સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે#1:15 બદલો. તમારા કૃત્યોનું ફળ તમારે જ ભોગવવું પડશે. 16જેમ તમે મારા પવિત્ર પર્વત પર પીધું છે, તેમ બધાં પ્રજાઓ નિત્ય પીશે. તેઓ પીશે, અને ગળી જશે, અને તેઓનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.
ઇઝરાયલનો વિજય
17પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે તેઓ પવિત્ર થશે અને યાકૂબના વંશજો પોતાનો વારસો પ્રાપ્ત કરશે#1:17 ઉદ્ધાર. 18યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું અને યૂસફનું કુટુંબ જ્વાળા જેવું થશે. અને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે. અને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે. એસાવના ઘરનું કોઈ માણસ જીવતું રહેશે નહિ. કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
19દક્ષિણના લોકો એસાવના પર્વતનો અને નીચાણના પ્રદેશના લોકો પલિસ્તીઓનો કબજો લેશે; અને તેઓ એફ્રાઇમના અને સમરુનના પ્રદેશનો કબજો લેશે; અને બિન્યામીનના લોકો ગિલ્યાદનો કબજો લેશે.
20બંદીવાસમાં ગયેલા ઇઝરાયલીઓનું સૈન્ય કે જે કનાનીઓ છે, તે છેક સારફત સુધીનો કબજો લેશે. અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જેઓ સફારાદમાં છે, તેઓ દક્ષિણના નગરોનો કબજો લેશે. 21એસાવના પર્વતનો ન્યાય કરવા સારુ ઉદ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે અને રાજ્ય યહોવાહનું થશે.

Currently Selected:

ઓબ. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in