YouVersion Logo
Search Icon

માથ. 5

5
ગિરિપ્રવચન
1ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. 2તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.
પરમસુખ
લૂક 6:20-23
3 “આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4 જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ દિલાસો પામશે.
5 જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
6 જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ તૃપ્ત થશે.
7 દયાળુઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ દયા પામશે.
8 મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
9 સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
11 જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા.
જગતનું મીઠું અને દુનિયાના દીવા
માર્ક 9:50; લૂક 14:34-35
13 તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી. 14તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.
15 દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. 16તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.
નિયમશાસ્ત્ર સંબંધી શિક્ષણ
17 એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. 18કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.
19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે. 20કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.
ક્રોધ સંબંધી શિક્ષણ
21 ‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 22પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.
23 એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, 24તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે. 26ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.
વ્યભિચાર અંગે શિક્ષણ
27 ‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 28પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.
29 જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 30જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
ફારગતી વિષે શિક્ષણ
માથ. 19:9; માર્ક 10:11-12; લૂક 16:18
31 ‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું. 32પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
સમ ખાવા વિષે શિક્ષણ
33 વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 34પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.
36 તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી. 37પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.
બદલો લેવા વિષે
લૂક 6:29-30
38 ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 39પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.
40 જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે. 41જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા. 42જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.
વૈરીઓ પર પ્રેમ રાખો
લૂક 6:27-28,32-36
43 ‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 44પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો, 45એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.
46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા? 47જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં? 48એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.

Currently Selected:

માથ. 5: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in