YouVersion Logo
Search Icon

લૂક 14

14
ફરોશીઓને ઉપદેશ
1અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા. 2એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો. 3ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?
4પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો. 5ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ? 6એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
નમ્રતા, ગર્વ અને પરોણા ચાકરી
7ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, 8‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય. 9જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.
10 પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. 11કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
12જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.
13 પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળાઓને તથા અંધજનોને તેડાવ. 14તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”
રાતના ભોજનનું દ્રષ્ટાંત
માથ. 22:1-10
15તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે.’” 16પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું. 17તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેવડાવ્યું કે આવો; ‘કેમ કે હમણાં બધું ભોજન તૈયાર થયું છે’.
18 સર્વ એકસાથે બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’” 19બીજાએ કહ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, અને હું તેમને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’” 20અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’”
21 પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.’” 22તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’”
23 માલિકે કહ્યું કે, ‘રસ્તા પર તથા ગામડાંઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય. 24કેમ કે હું તને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’”
શિષ્યપણાની કિંમત
માથ. 10:37-38
25હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે, 26‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
28 કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? 29રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે, 30અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.
31 અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ? 32નહિ તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિષે પૂછશે. 33તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
બેસ્વાદ મીઠું
માથ. 5:13; માર્ક 9:50
34 મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે? 35તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

Currently Selected:

લૂક 14: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in