YouVersion Logo
Search Icon

હઝ. 47

47
મંદિરમાંથી વહેતાં પાણી
1પછી તે માણસ મને સભાસ્થાનના પ્રવેશદ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો જુઓ, સભાસ્થાનના ઉંબરા નીચેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કેમ કે તે સભાસ્થાનનો આગળનો ભાગ પૂર્વ તરફ હતો. પાણી નીચેથી સભાસ્થાનની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતું હતું. 2પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લાવ્યો અને ફેરવીને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો. જુઓ, દક્ષિણ બાજુએથી પાણી વહી જતાં હતાં.
3તે માણસ માપવાની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ગયો, એક હજાર હાથનું અંતર માપ્યું અને તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટણ સુધી હતાં. 4પછી તેણે બીજા એક હજાર હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, પાણી ઘૂંટી સુધી હતાં. ફરીથી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસુધી હતું. 5પછી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, ત્યાં એક નદી હતી હું તેમાં થઈને જઈ શકતો ન હતો, તે ઘણી ઊંડી હતી. તેમાં તરી શકાય નહિ.
6તે માણસે મને કહ્યું “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું?” તે મને બહાર લાવ્યો અને મને નદી કિનારે ચલાવ્યો. 7હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં. 8તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.
9જ્યાં તે પાણી વહેશે ત્યાં બધી જાતનાં પશુઓનાં ટોળાં થશે. તેઓ જીવતાં રહેશે. આ પાણીને કારણે તેમાં માછલાંઓ થશે, ખારા સમુદ્રનું પાણી મીઠું થઈ જશે. જ્યાં જ્યાં આ નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુમાં ચૈતન્ય આવશે. 10અને એવું થશે કે પાણી પાસે માછીમારો ઊભા રહેશે, એન-ગેદીથી એન-એગ્લાઈમ સુધી જાળો પાથરવાની જગા થશે. ત્યાં મહાસમુદ્રની માછલીઓની જેમ તેમાં વિવિધ પ્રકારની માછલીઓ થશે.
11પણ ખારા સમુદ્રની ભેજવાળી જમીન તથા કાદવકીચડનાં પાણી મીઠાં નહિ થાય, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે. 12નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.
દેશની સરહદો
13પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘આ રસ્તેથી અમારે ઇઝરાયલનાં બાર કુળો માટે જમીનનો વારસો વહેંચી લેવો: યૂસફને બે ભાગ મળે. 14અને તમે તમારા ભાઈઓએ તે વારસો વહેંચી લેવો. કેમ કે તમારા પિતૃઓને આ દેશ આપવાના મેં સમ ખાધા હતા અને તેઓને તેનો વારસો મળશે.
15ભૂમિની સરહદ ઉત્તર બાજુએ મહા સમુદ્રથી હેથ્લોન તથા લબો હમાથથી સદાદ સુધી છે. 16હમાથ બેરોથાહ, દમસ્કસની સરહદ તથા હમાથની સરહદ વચ્ચેનું સિબ્રાઇમ હૌરાનની સરહદે આવેલા હાસેર-હત્તીકોન સુધી છે. 17સમુદ્રથી સરહદ દમસ્કસની સરહદ પરના હસાર એનોન સુધી છે, ઉત્તર બાજુએ હમાથની સરહદ છે. આ ઉત્તર બાજુ છે.
18પૂર્વબાજુ, હૌરાન, દમસ્કસ, ગિલ્યાદ તથા ઇઝરાયલના પ્રદેશ વચ્ચે યર્દન નદી આવે છે. આ સરહદ છેક તામાર સુધી જાય છે. 19દક્ષિણ બાજુ, દક્ષિણ તામારથી મરીબા કાદેશના પાણી સુધી, મિસરનાં ઝરણાંથી મહા સમુદ્ર સુધી હોય, આ દક્ષિણ તરફની સરહદ છે. 20પશ્ચિમ સરહદ હમાથના ઘાટની સામે સુધી મહા સમુદ્ર આવે ત્યાં સુધી. આ પશ્ચિમ બાજુ છે.
21આ રીતે તું તારાં અને ઇઝરાયલનાં કુળો માટે દેશ વહેંચી લે. 22તમારા પોતાના માટે તથા તમારી મધ્યે વસતા પરદેશીઓ, જેઓને તમારા દેશમાં સંતાન થશે અને જેઓ તારી સાથે છે, એટલે ઇઝરાયલ દેશના મૂળ વતનીઓ જેવા, તેઓને માટે આ દેશ વારસા તરીકે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે ઇઝરાયલનાં કુળો મધ્યે વારસા માટે ચિઠ્ઠીઓ નાખવી. 23ત્યારે એવું થશે કે જે કુળમાં પરદેશી રહેતો હોય. તમારે તેને વારસો આપવો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”

Currently Selected:

હઝ. 47: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in