YouVersion Logo
Search Icon

હઝ. 1

1
ઈશ્વરનું રાજ્યાસન
1ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ એવું બન્યું કે, જ્યારે હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે સમયે આકાશ ઊઘડી ગયું, મને ઈશ્વરનું સંદર્શન થયું. 2યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, મહિનાના પાચમાં દિવસે, 3ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બૂઝીના દીકરા હઝકિયેલ યાજક પાસે યહોવાહનું વચન આવ્યું; અને યહોવાહનો હાથ તેના પર હતો.
4ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું. 5તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું. 6તે પશુઓમાંના દરેકને ચાર મુખ તથા ચાર પાંખો હતી.
7તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા. 8તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં: 9તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. તેઓ ચાલતાં ચાલતાં આમ કે તેમ ફરતાં નહોતાં; દરેક સીધાં આગળ ચાલતાં હતાં.
10તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું, 11તેઓના મુખ એ પ્રમાણે હતાં. તેઓની પાંખો ઉપરની તરફ પ્રસારેલી હતી, દરેકની બે પાંખો બીજા પશુને જોડાયેલી હતી, બાકીની બે પાંખો તેઓના શરીરને ઢાંકતી હતી. 12દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં.
13આ પશુઓનો દેખાવ અગ્નિના બળતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. પશુઓ વચ્ચે ચળકતો અગ્નિ ચઢઊતર કરતો હતો, તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14પશુઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતા તથા પાછળ જતાં હતાં.
15હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં. 16આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.
17તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં. 18ચારેય પૈડાની ધારો ઊંચી તથા ભયંકર હતી. એ ચારેયની વાટો ચારેબાજુ આંખોથી ભરેલી હતી.
19જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં. 20જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો. 21જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, તેઓ ઊભાં રહેતાં ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં; પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે જતાં હતાં કેમ કે, પશુઓનો આત્મા પૈડામાં હતો.
22તેઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદ્દભુત સ્ફટિકના તેજ જેવો ચમકતો ઘૂમટ તાણેલો હતો. 23તે ઘૂમટની નીચે પશુઓની પાંખો સીધી ફેલાયેલી હતી. અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. દરેકની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી અને બે પાંખો બીજી બાજુને ઢાંકતી.
24તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વશક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં. 25જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં.
26તેઓના માથા પરના ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા દેખાઈ. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવા દેખાવનો માણસ હતો.
27તેની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, કમરની નીચેના ભાગનો દેખાવ અગ્નિના જેવો હતો. તેની આસપાસ ચળકાટ હતો. 28તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના અજવાળા જેવો હતો. આ યહોવાહના ગૌરવનું પ્રતિમાનો દેખાવ હતો. જ્યારે મેં તે જોયું, ત્યારે હું ઊંધો પડી ગયો.અને કોઈ બોલતું હોય એવો અવાજ મારા સાંભળવામાં આવ્યો.

Currently Selected:

હઝ. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in