YouVersion Logo
Search Icon

દાનિ. 12

12
સમયનો અંત
1“તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાએલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે. 2જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે.
3જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે. 4પણ હે દાનિયેલ, અંતના સમય સુધી તું આ વચનોને ગુપ્ત રાખીને આ પુસ્તકને મહોર માર જે ઘણા લોકો અહીંતહીં દોડશે અને ડહાપણની વૃદ્ધિ થશે.
5ત્યારે મેં દાનિયેલે જોયું તો, ત્યાં બીજા બે માણસો હતા. એક નદીને આ કિનારે અને બીજો નદીને સામે કિનારે. 6જે શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો, તેને તેઓમાંના એકે પૂછ્યું, “આ આશ્ચર્યજનક ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?”
7ત્યારે જે માણસ શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો તેણે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને જીવતા ઈશ્વરના સમ ખાધા કે, સમય, સમયો અને અડધો સમય સુધીની તે મુદત છે. જ્યારે તેઓ પવિત્રપ્રજાના સામર્થ્યનો અંત લાવશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.
8મેં સાંભળ્યું, પણ હું સમજી શક્યો નહિ. એટલે મેં પૂછ્યું, “હે મારા માલિક, આ સર્વ બાબતોનું પરિણામ શું આવશે? 9તેણે કહ્યું, “હે દાનિયેલ, તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે, અંતના સમય સુધી આ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે.
10ઘણા લોકો પોતાને શુદ્ધ અને શ્વેત કરશે. અને તેઓને નિર્મળ કરાશે, પણ દુષ્ટો પોતાની દુષ્ટતા ચાલુ રાખશે. તેઓમાંનો કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જેઓ જ્ઞાની છે તેઓ સમજશે. 11પ્રતિદિન ચઢતાં દહનાપર્ણો બંધ કરવામાં આવશે, વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તે સમયથી એક હજાર બસો નેવું દિવસો હશે.
12જે માણસ એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી રાહ જોશે અને ટકી રહેશે તેને ધન્ય છે. 13પરંતુ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા. કેમ કે તું આરામ પામશે. નિયત દિવસોને અંતે તને સોંપવામાં આવેલા સ્થાનમાં તું ઊભો રહેશે.”

Currently Selected:

દાનિ. 12: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in