દાનિ. 1
1
જુવાનો નબૂખાદનેસ્સારના દરબારમાં
1યહૂદિયાના રાજા યહોયાકીમના શાસનના ત્રીજા વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેની ચારેબાજુ ઘેરો ઘાલ્યો. 2પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના સભાસ્થાનનાં કેટલાંક પાત્રો સહિત નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યો. તે તેને શિનઆર દેશમાં, તેના દેવના મંદિરમાં લાવ્યો. તેણે તે પાત્રો પોતાના દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધાં.
3રાજાએ પોતાના મુખ્ય અધિકારી આસ્પનાઝને કહ્યું, “તારે કેટલાક રાજવંશી તથા અમીર કુટુંબોના ઇઝરાયલી જુવાનોને લાવવા. 4એ જુવાનોમાં કશી ખોડખાંપણ ન હોય, તેઓ ઉણપ વગરનાં, દેખાવમાં મનોહર, સર્વ બાબતમાં ડહાપણ, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, રાજાના મહેલમાં રહેવાને લાયક હોય. તેઓને તારે ખાલદીઓની ભાષા તથા વિદ્યા શીખવવી.
5રાજાએ તેઓને માટે પોતાની વાનગીઓમાંથી તથા પીવાના દ્રાક્ષારસમાંથી તેઓને માટે રોજનો હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરાય અને તે પછી, તેઓ રાજા સમક્ષ હાજર થાય, એવો નિર્ણય કરાયો.
6આ જુવાનોમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યા હતા. 7મુખ્ય ખોજાએ તેઓને નામ આપ્યાં: તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસ્સાર, હનાન્યાનું નામ શાદ્રાખ, મીશાએલનું નામ મેશાખ તથા અઝાર્યાનું નામ અબેદ-નગો પાડ્યાં.
8દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, તે રાજાના ભોજનથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેનાથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેથી તેણે મુખ્ય ખોજા પાસે પોતાને ભ્રષ્ટ ન કરવાની પરવાનગી માગી. 9હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપાદ્રષ્ટિ થઈ. તેણે તેના પર કૃપા કરી. 10મુખ્ય ખોજાએ દાનિયેલને કહ્યું, “મને મારા માલિક રાજાની બીક લાગે છે. તેમણે તમારે શું ખાવું તથા શું પીવું તે નક્કી કરી આપ્યું છે. શા માટે તે તને તારી ઉંમરના બીજા જુવાનોના કરતાં કદરૂપો જુએ? જો એવું થાય તો રાજા સમક્ષ મારું શિર જોખમમાં મુકાય.”
11ત્યારે જે કારભારીને મુખ્ય ખોજાએ દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાની ઉપર નીમ્યો હતો તેને દાનિયેલે કહ્યું, 12“કૃપા કરીને, તારા દાસોની દસ દિવસ પરીક્ષા કર. અમને ખાવાને માટે ફક્ત શાકભાજી તથા પીવાને માટે પાણી આપજો. 13પછી જે યુવાનો રાજાની ઠરાવેલી વાનગીઓ ખાય છે તેમના દેખાવ અને અમારો દેખાવની સરખામણી કરજો, પછી તમે જે પ્રમાણે જુઓ તે પ્રમાણે તારા દાસો સાથે વર્તજો.”
14તેથી ચોકીદાર તેઓની સાથે આ પ્રમાણે કરવાને સંમત થયો, તેણે દસ દિવસ સુધી તેઓની પરીક્ષા કરી. 15દસમા દિવસને અંતે જે જુવાનો રાજાની વાનગીઓ ખાતા હતા તેઓના કરતાં આ જુવાનો વધારે સુંદર તથા વધારે હૃષ્ટપૃષ્ટ દેખાયા. 16તેથી કારભારીએ રાજાએ ઠરાવેલી વાનગીઓ તથા દ્રાક્ષારસને બદલે તેઓને ફક્ત શાકભાજી આપવા માંડ્યું.
17આ ચાર જુવાનોને ઈશ્વરે સર્વ વિદ્યામાં તથા ડહાપણમાં કૌશલ્ય આપ્યું. દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો. 18તેઓને પોતાની હજૂરમાં લાવવાને માટે રાજાએ જે સમય ઠરાવ્યો હતો તે સમય પૂરો થયો ત્યારે મુખ્ય ખોજો તેઓને નબૂખાદનેસ્સારની આગળ લાવ્યો.
19રાજાએ તેઓની સાથે વાતચીત કરી તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાના જેવા બીજા કોઈ માલૂમ પડ્યા નહિ. તેઓ રાજાની હજૂરમાં તેની સેવા કરવા માટે ઊભા રહ્યા. 20ડહાપણ તથા સમજની દરેક બાબતો વિષે રાજાએ તેઓને જે પૂછ્યું તે બધામાં તેઓ રાજ્યના બધા જાદુગરો તથા મેલીવિદ્યા કરતા દસગણા શ્રેષ્ઠ માલૂમ પડ્યા. 21કોરેશ રાજાના શાસનના પહેલા વર્ષ સુધી દાનિયેલ ત્યાં રહ્યો.
Currently Selected:
દાનિ. 1: IRVGuj
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.