YouVersion Logo
Search Icon

પ્રે.કૃ. 20

20
પાઉલ મકદોનિયામાં અને અખાયામાં
1હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો. 2તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. 3તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો. 4પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા. 5તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા. 6બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
ત્રોઆસમાં પાઉલની છેલ્લી મુલાકાત
7અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, (શિષ્યોને) ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો. 8જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા (પ્રકાશતા) હતા. 9બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો. 10ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’” 11અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો. 12તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
ત્રોઆસથી મિલેતસમાં
13પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી. 14આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા. 15ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા. 16કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.
એફેસસના આગેવાનોને પાઉલનો વિદાય સંદેશ
17પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. 18તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું. 19મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી. 20જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો; 21ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી. 22હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી; 23માત્ર એટલું જ હું (જાણું છું) કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે. 24પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું. 25હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ (માંનો કોઈ પણ) મારું મુખ ફરી જોશે નહિ. 26તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું. 27કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી. 28તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો. 29હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે; 30તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે. 31માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી. 32હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું. 33મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. 34તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે. 35મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” 36એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી. 37તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું. 38તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in