YouVersion Logo
Search Icon

2 શમુ. 7

7
દાઉદને નાથાનનો સંદેશ
1 કાળ. 17:1-15
1ઈશ્વરે રાજાને શાંતિ સલામતી બક્ષ્યા પછી રાજા પોતાના ઘરમાં વિશ્રામથી રહેતો હતો. 2ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદાર વૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે.” 3નાથાને રાજાને કહ્યું કે, “જા, જે તારા મનની અભિલાષા છે તે પૂરી કર. ઈશ્વર તારી સાથે છે.” 4પણ તેજ રાત્રે ઈશ્વરનું વચન નાથાન પાસે આવ્યું, 5“જા અને મારા સેવક દાઉદને કહે, ઈશ્વર એમ કહે છે કે: શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?
6કેમ કે હું ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર લાવ્યો તે દિવસથી આજ પર્યંત હું ઘરમાં રહ્યો નથી, પણ, તંબુમાં તથા મંડપમાં રહીને ચાલ્યો છું. 7જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના કુળના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, “શા માટે તમે મારે સારું દેવદાર વૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?”
8મારા સેવક દાઉદને કહે કે, સૈન્યોના ઈશ્વર એવું કહે છે કે: તું ઘેટાંનાં ટોળાંની પાછળ ફરતો હતો ત્યાંથી મેં તને તેડાવી લીધો છે, કે તું મારા લોક ઇઝરાયલ પર અધિકારી બનશે. 9જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ.
10હું ઇઝરાયલના મારા લોકોને માટે જગ્યા ઠરાવીશ. અને તેઓને ત્યાં સ્થાયી કરીશ, કે જેથી તેઓ પોતાની જ જગ્યાએ રહે અને વધારે મુશ્કેલીમાં મુકાય નહિ. જેમ તેઓએ અગાઉ કર્યું તેમ વિરોધી લોકો હવે પછી તેમના પર જુલમ કરશે નહિ, 11જે દિવસોથી ઇઝરાયલના મારા લોકો ઉપર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા આપી ત્યારથી તેઓ અગાઉની માફક કરતા હતા. પણ હવે હું તને તારા સર્વ શત્રુઓથી સલામત રાખીશ. વળી, હું, ઈશ્વર, તને કહું છું કે હું તારે સારું ઘર બાંધીશ#7:11 તારો રાજ્ય સદાનું રાજ્ય થશે.
12જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ. 13તે મારા નામને માટે એક ઘર બાંધશે અને હું તેનું રાજયાસન સદાને માટે સ્થાયી કરીશ. 14હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે. જો તે પાપ કરશે, તો હું માણસની સોટીથી તથા માણસનાં દીકરાઓના કોરડાથી તેને શિક્ષા કરીશ.
15જેમ મેં શાઉલને તારી આગળથી દૂર કરીને તેની પાસેથી મારા વિશ્વાસુપણાનો કરાર લઈ લીધો હતો, તેવી રીતે મારા વિશ્વાસુપણાનો કરાર તેની પાસેથી લઈ લેવાશે નહિ. 16તારું ઘર તથા રાજય હંમેશા તારી આગળ સ્થાયી થશે. તારું રાજયાસન હંમેશા માટે ટકી રહેશે. 17આ સર્વ શબ્દો તથા આ સંપૂર્ણ દર્શન વિષે નાથાને દાઉદને કહી સંભળાવ્યું.
દાઉદની આભારસ્તુતિની પ્રાર્થના
1 કાળ. 17:16-27
18પછી દાઉદ રાજા અંદર ગયો અને ઈશ્વરની સમક્ષ બેઠો; તેણે કહ્યું, ‘હે પ્રભુ ઈશ્વર, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે તમે મને આટલે સુધી લાવ્યા છો? 19હે પ્રભુ ઈશ્વર તમારી દ્રષ્ટિમાં આ વાત નાની હતી. ઈશ્વર, તમે લાંબા કાળને માટે તમારા સેવકના ઘર વિષે વચન આપ્યું છે, ભાવિ પેઢીઓ મને દેખાડી છે! 20હું દાઉદ, તમને વધારે શું કહું? પ્રભુ ઈશ્વર, તમે તમારા સેવક સંબંધે આ રાખો છો. 21તમે તમારા વચનની ખાતર તથા તમારા હેતુને પૂરા કરવા, આ સર્વ મોટાં કામો કર્યાં છે અને મારી સમક્ષ તે પ્રગટ કર્યાં છે. 22પ્રભુ ઈશ્વર, તમે મહાન છો. તમારા જેવા બીજા કોઈ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. 23તમે તમારો મહિમા થાય એ રીતે તમારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી, ત્યાંની દેશજાતિઓને દેવદેવીઓની પકડમાંથી તેઓના દેખતા મહાન અને ભયંકર કૃત્યો કરવા છોડાવ્યાં છે.
24તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો. 25તેથી હવે, પ્રભુ ઈશ્વર, જે વચન તમે તમારા દાસ વિષે તથા તેના કુટુંબ વિષે બોલ્યા છો તે સદાને માટે તમારા વચન અનુસાર સ્થાપિત કરો. 26તમારું નામ સર્વકાળ માટે મહાન મનાઓ. લોકો કહે કે, ‘સૈન્યના ઈશ્વર ઇઝરાયલના પ્રભુ છે! તમારા સેવક દાઉદનું અને મારું ઘર તમારી આગળ સ્થાપિત થશે.
27સૈન્યના ઈશ્વર, ઇઝરાયલના પ્રભુ, તમે તમારા સેવકને એવું જાહેર કર્યું છે કે, હું તારે માટે ઘર બાંધીશ. તેથી મેં તમારી આગળ આ પ્રાર્થના કરવાની હિંમત કરી છે. 28હવે, પ્રભુ ઈશ્વર, તમે ઈશ્વર છો અને તમારાં વચનો સત્ય છે અને આ ઉત્તમ વચન તમે મને આપ્યાં છે. હું તમારો સેવક છું. 29તો હવે, તમે કૃપા કરી તમારા સેવકનું એટલે મારું ઘર સદાકાળ ટકે માટે આશીર્વાદ આપો. કેમ કે, પ્રભુ ઈશ્વર તમે આ બાબતો કહી છે માટે અને વચન આપ્યું છે માટે તમારા આશીર્વાદથી તમારા સેવકનું ઘર સદા આશીર્વાદિત થાઓ.”

Currently Selected:

2 શમુ. 7: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in