YouVersion Logo
Search Icon

2 શમુ. 20

20
શેબાનો બળવો
1પછી એવું બન્યું કે, બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે બલિયાલનો માણસ હતો તે ત્યાં હતો, તેણે દાઉદ સામે રણશિંગડું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમારે કોઈ સંબંધ નથી કે યિશાઈના દીકરા સાથે અમારો કોઈ લાગભાગ નથી. આ ઇઝરાયલના સર્વ માણસો તમે તમારા તંબુઓમાં જાઓ!” 2તેથી ઇઝરાયલના બધા માણસો દાઉદને છોડીને બિખ્રીના દીકરા શેબાની પાછળ ગયા. પણ યહૂદિયાના માણસો યર્દનથી યરુશાલેમ સુધી રાજાની સાથે રહ્યા.
3જયારે દાઉદ યરુશાલેમમાં તેના મહેલમાં આવ્યો, ત્યારે તેણે દસ ઉપપત્નીઓ જેઓને મહેલની સંભાળ રાખવા રહેવા દીધી હતી તેઓની મુલાકાત લીધી. રાજાએ તેઓની જરૂરીયાતો પૂરી કરી પણ તેમની સાથે દાંપત્ય વ્યવહાર રાખ્યો નહિ. તેથી તેઓ તેઓના મૃત્યુ પર્યંત સુધી પતિ હોવા છતાં વિધવાની જેમ મહેલમાં રહેવું પડ્યું.
4પછી રાજાએ અમાસાને કહ્યું, “યહૂદિયાના માણસોને ત્રણ દિવસમાં મારી સામે ભેગા કર, તારે પણ અહીં મારી સામે હાજર રહેવું.” 5તેથી અમાસા યહૂદિયાના માણસોને એકત્ર કરવા ગયો, પણ પાછા આવીને મળવા માટે જે સમય રાજાએ ઠરાવ્યો હતો તેના કરતા તેને વધારે સમય લાગ્યો.
6તેથી દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દીકરો શેબા આપણને આબ્શાલોમ કરતા વધારે નુકસાન પહોંચાડશે. તારા માલિકના ચાકરો, મારા સૈનિકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે અને આપણી દ્રષ્ટિમાંથી તે છટકી જશે.” 7પછી યોઆબના માણસો, રાજાના બધા યોદ્ધાઓ, કરેથીઓ અને પલેથીઓ તેની પાછળ ગયા. તેઓ અબિશાયની સાથે બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા સારુ યરુશાલેમથી બહાર નીકળ્યા.
8જયારે તેઓ ગિબ્યોનમાં મોટા ખડક આગળ પહોંચ્યા ત્યારે અમાસા તેમને મળવા આવ્યો. યોઆબે બખતર પહેરેલું હતું, કમરે કમરબંધ બાંધેલો હતો અને તલવાર તેના મ્યાનમાં હતી. તે ચાલતો હતો ત્યારે તેની તલવાર બહાર નીકળી આવી હતી.
9તેથી યોઆબે અમાસાને કહ્યું, “મારા ભાઈ, શું તું ઠીક તો છે ને?” યોઆબે અમાસાને ચુંબન કરવા માટે તેનો જમણો હાથ લંબાવી તેની દાઢી પકડી. 10પણ યોઆબના હાથમાં તલવાર હતી તે વિષે અમાસાએ ધ્યાન ન આપ્યું. યોઆબે તેના પેટમાં તલવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડા બહાર આવી જમીન પર પડ્યાં, યોઆબે બીજો ઘા કર્યો નહિ કારણ કે અમાસા મરણ પામ્યો હતો.
પછી યોઆબ અને તેના ભાઈ અબિશાય બિખ્રીના દીકરા શેબાની પાછળ પડયા.
11યોઆબના માણસોમાંના એકે અમાસા પાસે ઊભા રહીને કહ્યું, “જે યોઆબનો પક્ષનો હોય અને જે દાઉદનો પક્ષનો હોય, તે યોઆબને અનુસરે.” 12અમાસા માર્ગની વચ્ચે લોહીથી અંદર તરબોળ થઈને પડેલો હતો. જયારે તે માણસે જોયું કે સર્વ લોકો હજુ પણ ઊભા છે ત્યારે તે અમાસાને માર્ગમાંથી ઊંચકીને ખેતરમાં લઈ ગયો. તેણે તેના પર વસ્ત્ર ઓઢાડ્યું. કેમ કે તેણે જોયું કે લોકો હજુ સુધી ત્યાં ઊભા હતા. 13અમાસાને રસ્તા ઉપરથી લઈ લેવામાં આવ્યા પછી બધા લોકો યોઆબની પાછળ બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા ગયા.
14શેબા ઇઝરાયલનાં બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ, બેથ-માકામાં તથા બરિયાઓમાં ફર્યો, તેઓ એકસાથે ભેગા થઈને શેબાને અનુસર્યા. 15યોઆબના લોકોએ આવીને આબેલ-બેથ-માઅખાહમાં તેને ઘેરીને પકડી લીધો. તેઓએ નગરની દિવાલની સામે માટીનો ઢગલો ઊભો કર્યો. સૈન્યના સર્વ લોકો જે યોઆબની સાથે હતા નગરના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવ્યો. 16પછી નગરની દિવાલને તોડવાનું શરૂ કર્યું ત્યારે એક જ્ઞાની સ્ત્રીએ બૂમ પાડીને કહ્યું, “સાંભળો, કૃપા કરી સાંભળો! યોઆબને કહે કે તે અહીં મારી પાસે આવો કે જેથી હું તેની સાથે વાત કરું.”
17તેથી યોઆબ તેની પાસે આવ્યો અને તે સ્ત્રીએ તેને પૂછ્યું, “શું તું યોઆબ છે?” તેણે જવાબ આપ્યો, “હું તે છું.” ત્યારે તે સ્ત્રીએ તેને કહ્યું, “તારી દાસી એટલે મને સાંભળ.” તેણે જવાબ આપ્યો, “હું સાંભળું છું.” 18પછી તેણે કહ્યું, “પ્રાચીન કાળમાં લોકો એમ કહેતા હતા, ‘લોકો આબેલમાં નિશ્ચે સલાહ પૂછશે,’ તેની સલાહથી તેમની વાતનો અંત આવતો હશે. 19જેઓ ઇઝરાયલમાં વિશ્વાસુ અને શાંતિપ્રિય છે તેવા માણસોમાંની હું પણ એક છું. તું ઇઝરાયલના એક નગરનો અને માતાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શા માટે તું ઈશ્વરના વારસાને ગળી જવા ઇચ્છે છે?”
20તેથી યોઆબે જવાબ આપ્યો કે, “હું ગળી જાઉં કે નાશ કરું, “એવું મારાથી દૂર થાઓ. 21તે સાચું નથી. પણ એફ્રાઇમના પહાડી પ્રદેશનો એક માણસ એટલે બિખ્રીનો દીકરો શેબા, તેણે પોતાનો હાથ રાજા એટલે કે દાઉદ રાજા સામે ઉઠાવ્યો છે. તેને મારી આગળ સ્વાધીન કરી દે અને હું નગર છોડીને ચાલ્યો જઈશ.” તે સ્ત્રીએ યોઆબને કહ્યું, “જો એમ હોય તો તેનું માથું કોટ ઉપરથી તારા તરફ ફેંકી દેવામાં આવશે.” 22પછી તે સ્ત્રી પોતાની હોશિયારી વાપરીને સર્વ લોકો પાસે ગઈ. લોકોએ બિખ્રીનો દીકરો શેબાનું માથું કાપી નાખ્યું એટલે કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પછી તેણે રણશિંગડું વગાડ્યું અને યોઆબના માણસો નગર છોડીને પોતપોતના તંબુએ ગયા. અને યોઆબ રાજા પાસે પાછો યરુશાલેમમાં આવ્યો.
દાઉદના અમલદારો
23હવે યોઆબ ઇઝરાયલના સૈન્યનો સેનાપતિ હતો, યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો. 24અદોરામ વસૂલાતખાતા પર હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. 25શવા શાસ્ત્રી હતો અને સાદોક તથા અબ્યાથાર યાજકો હતા. 26ઈરા યાઈરી દાઉદનો મુખ્ય વહીવટી સેવક હતો.

Currently Selected:

2 શમુ. 20: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in