YouVersion Logo
Search Icon

2 રાજા. 11

11
યહૂદિયાની રાણી અથાલ્યા
2 કાળ. 22:10-23:15
1હવે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને બધા રાજપુત્રોને મારી નાખ્યા. 2પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝયાહની બહેન યહોશેબાએ અહાઝયાહના એક દીકરા યોઆશને રાજાના જે દીકરાઓ માર્યા ગયા હતા તેઓ મધ્યેથી લઈને તેને તથા તેની દાસીને શયનખંડમાં પૂરી દીધાં. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો કે જેથી તે તેને મારી નાખે નહિ. 3તે યહોશેબાની સાથે છ વર્ષ સુધી યહોવાહના ઘરમાં સંતાઈ રહ્યો તે દરમિયાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.
4સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો. 5તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, “આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો, તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી, 6ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે.”
7વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાહના સભાસ્થાનની ચોકી કરે. 8દરેક માણસે પોતાના હાથમાં હથિયાર રાખીને રાજાની આસપાસ ગોઠવાઈને ઊભા રહેવું. જે કોઈ તમારી હારની અંદર પ્રવેશે તેને મારી નાખવો. રાજા બહાર જાય ત્યારે અને અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું.
9તેથી યહોયાદા યાજકે જે આજ્ઞા કરી તે પ્રમાણે સરદારોના શતાધિપતિઓએ કર્યું. દરેક માણસે વિશ્રામવારે કામ કરતા તથા વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકત્ર કર્યા અને તેઓને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. 10દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાહના ઘરમાં હતાં તે યાજક યહોયાદાએ શતાધિપતિઓના સરદારોને આપ્યાં.
11તેથી દરેક રક્ષક સિપાઈ પોતાના હાથમાં હથિયાર લઈને સભાસ્થાનની જમણી બાજુથી તે સભાસ્થાનની ડાબી બાજુ સુધી, વેદી તથા સભાસ્થાન આગળ રાજાની આસપાસ ચોકી કરતા હતા. 12પછી યહોયાદાએ રાજપુત્ર યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “રાજા ઘણું જીવો!”
13જ્યારે અથાલ્યાએ લોકોનો તથા રક્ષકોનો અવાજ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાહના ઘરમાં આવી. 14તેણે જોયું તો, જુઓ, રિવાજ પ્રમાણે રાજા તેના પાયાસન પર ઊભો હતો. સરદારો તથા રણશિંગડાં વગાડનારા રાજાની પાસે ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા અને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાનાં વસ્ત્ર ફાડીને જોરથી બૂમ પાડી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”
15યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને કહ્યું, “તેને બહાર કાઢો. અને સિપાઈઓની હરોળોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાહના ઘરમાં મારી નાખવી નહિ.” 16તેથી તેઓએ અથાલ્યાને માટે રસ્તો કર્યો, તે ઘોડાને અંદર આવવાના માર્ગેથી રાજમહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી.
યહોયાદા રાજાની ધર્મસુધારણાઓ
17યહોયાદાએ યહોવાહ અને રાજા યોઆશ તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે, તેઓએ યહોવાહના લોક થવું, તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કર્યો. 18પછી દેશના બધા લોકો બઆલના મંદિરે ગયા અને તેને તોડી નાખ્યું. તેઓએ તેની વેદીઓ તથા મૂર્તિઓના ટુકડે ટુકડાં કરી નાખ્યા. બઆલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યાજકે યહોવાહના સભાસ્થાનનું રક્ષણ કરવા માટે ચોકીદારો નીમ્યા.
19યહોયાદાએ કારીઓના શતાધિપતિઓને, નાયકને, ચોકીદારોને તથા દેશના બધા લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાહના સભાસ્થાનમાંથી લઈને ચોકીદારોના દરવાજે થઈને રાજમહેલમાં આવ્યા. અને યોઆશને રાજાના સિંહાસન પર બેસાડયો. 20તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી. 21યોઆશ જયારે રાજ કરવા આવ્યો ત્યારે તે માત્ર સાત વર્ષનો હતો.

Currently Selected:

2 રાજા. 11: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in