YouVersion Logo
Search Icon

1 રાજા. 20

20
અરામ સાથેનું યુદ્ધ
1અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું; ત્યાં તેની સાથે બત્રીસ રાજાઓ અને ઘોડેસવારો તથા રથદળ હતાં. તેણે ચઢાઈ કરીને સમરુનને ઘેરી લીધું અને તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું. 2તેણે નગરમાં ઇઝરાયલના રાજા આહાબ પાસે સંદેશવાહકો મોકલીને તેને કહેવડાવ્યું કે, “બેન-હદાદ આમ કહે છે: 3‘તારાં સોનાચાંદી મારાં છે. વળી તારી પત્નીઓ તથા તારાં બાળકો, એટલે તેઓમાં જે સૌથી સારાં હશે, તે પણ મારાં છે.’”
4ઇઝરાયલના રાજાએ જવાબ આપ્યો, “હે મારા માલિક રાજા, તારા કહેવા પ્રમાણે છે. હું તથા મારું સર્વસ્વ તારાં છે.” 5સંદેશવાહકોએ ફરીથી આવીને કહ્યું, “બેન-હદાદ આમ કહે છે કે, ‘મેં તો તારી પાસે માણસ મોકલીને ચોક્કસ કહેવડાવ્યું હતું કે તારું સોનુંચાંદી, તારી પત્નીઓ તથા તારાં બાળકો તું મારે સ્વાધીન કર. 6પણ આવતી કાલે આશરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ અને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની તપાસ કરશે. જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.’”
7પછી ઇઝરાયલના રાજાએ દેશનાં સર્વ વડીલોને બોલાવીને એકત્ર કરીને કહ્યું, “કૃપા કરીને આ ધ્યાનમાં લો અને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે. તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારાં બાળકો, મારું સોનું તથા ચાંદી માગ્યાં અને મેં તેને ના પાડી નહિ.” 8સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ આહાબને કહ્યું, “તારે તેનું સાંભળવું નહિ અને તેની માગણી પૂરી કરવી નહિ.”
9તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને કહ્યું, “મારા માલિક રાજાને કહેજો કે, ‘પહેલાં જે તેં તારા સેવક દ્વારા કહેવડાવ્યું હતું તેની માગણી પ્રમાણેનું હું બધું જ આપીશ, પણ હું તારી બીજી માંગણી નહિ સ્વીકારું.’” તેથી સંદેશવાહકો ત્યાંથી રવાના થઈને બેન-હદાદ પાસે જવાબ લઈ આવ્યા. 10પછી બેન-હદાદે આહાબ પાસે માણસ મોકલીને સંદેશો મોકલ્યો, “જો મારી સાથે આવેલા બધા લોકોને ભાગે સમરુનની મુઠ્ઠી ધૂળ પણ આવે, તો દેવતાઓ મને એવું અને એનાથી પણ વધારે વિતાડો.”
11પછી ઇઝરાયલના રાજાએ જવાબ આપ્યો, “બેન-હદાદને કહો, ‘જે વ્યક્તિ શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની જેમ બડાશ મારવી નહિ.’ 12બેન-હદાદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા, તે દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના માણસોને આજ્ઞા કરી, “યુદ્ધ માટે તૈયાર થાઓ.” તેથી તેઓએ પોતાને યુદ્ધ માટે તૈયાર કરીને નગર પર હુમલો કર્યો.
13તો જુઓ, એક પ્રબોધક ઇઝરાયલના રાજા આહાબની પાસે આવીને બોલ્યો, “યહોવાહ એવું કહે છે, ‘શું તેં આ મારા મોટા સૈન્યને જોયું છે? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવાહ છું.’ 14આહાબે પૂછ્યું, “કોની મારફતે?” યહોવાહે જવાબ આપ્યો, “પ્રાંતોના સરદારોના જુવાનોની મારફતે.” પછી આહાબે કહ્યું, “યુદ્ધની શરૂઆત કોણ કરશે?” યહોવાહે જવાબ આપ્યો, “તું.” 15પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના સરદારોની સેવા કરતા હતા એ જુવાનોને ભેગા કર્યા. તેઓ બસો બત્રીસ હતા. તેઓના પછી તેણે સમગ્ર ઇઝરાયલી સેનાના સૈનિકોને ભેગા કર્યા; તેઓની સંખ્યા સાત હજાર હતી.
16તેઓ બપોરે રવાના થયા. પણ બેન-હદાદ પોતે અને તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરીને મસ્ત થયા હતા. 17યુવાનો કે જેઓએ પ્રાંતોના સરદારોની સેવા કરી હતી તેઓ પ્રથમ ચાલી નીકળ્યા. પછી બેન-હદાદે માણસો મોકલ્યા અને તેઓએ તેને એવી ખબર આપી, “સમરુનમાંથી માણસો નીકળી આવેલા છે.”
18બેન-હદાદે કહ્યું, “તેઓ સલાહને માટે આવ્યા હોય કે યુદ્ધ કરવા આવ્યા હોય તોપણ તેઓને જીવતા પકડી લો.” 19તેથી પ્રાંતોના આગેવાનોની સેવા કરનારા યુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર આવ્યાં.
20તેઓ સામા પક્ષનાઓને સૈનિકોમાંથી કેટલાક મારી નાખવા લાગ્યા ત્યારે અરામીઓ ડરીને ભાગવા લાગ્યા; પછી ઇઝરાયલીઓ તેઓની પાછળ પડ્યા. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસવારો સાથે ઘોડા પર બેસી નાસી ગયો. 21પછી ઇઝરાયલના રાજાએ બહાર આવીને ઘોડેસવારો તથા રથદળ પર હુમલો કરીને અરામીઓની સખત કતલ કરીને તેઓને મારી નાખ્યા.
ઇઝરાયલનો અરામ પર વિજય
22પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર અને જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે આવતા વર્ષે અરામનો રાજા તારા પર ફરીથી ચઢાઈ કરશે.” 23અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું, “તેઓના ઈશ્વર તો પર્વતોના ઈશ્વર છે. તેથી તેઓ આપણા કરતાં બળવાન હતા. પણ હવે ચાલો આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ અને ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું.
24અને તમે આટલું કરો: રાજાઓને દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખો. 25તમે જે સેના ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમાં જેટલા ઘોડેસવાર અને રથદળ હતા તેટલી સેના તમે ઊભી કરો અને આપણે મેદાનમાં તેઓની વિરુદ્ધ યુદ્ધ કરીશું. પછી ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું.” બેન-હદાદે તેઓની સલાહ સાંભળી અને તેઓના કહ્યા પ્રમાણે જ કર્યું.
26નવું વર્ષ શરૂ થતાં, બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો. 27ઇઝરાયલી લોકો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે લડ્યા. ઇઝરાયલી લોકોએ તેઓની આગળ લવારાંની બે નાની ટોળીઓની માફક છાવણી કરી, પણ અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયા હતા.
28પછી ઈશ્વરના એક માણસે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાહ આમ કહે છે: ‘અરામીઓ એવું માને છે કે યહોવાહ તો પર્વતોના પ્રભુ છે, પણ તે મેદાનનો પ્રભુ નથી; માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ અને તમે જાણશો કે હું જ યહોવાહ છું.’”
29તેથી સૈન્યએ સાત દિવસ સુધી સામસામે છાવણી રાખી. પછી સાતમાં દિવસે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયલી લોકોએ એક જ દિવસમાં અરામના પાયદળના એક લાખ સૈનિકોને મારી નાખ્યા. 30બીજા સૈનિકો અફેકના નગરમાં નાસી ગયા પરંતુ તેઓ દાખલ થયા તે સાથે જ નગરનો કોટ નાસી ગયેલા સત્તાવીસ હજાર સૈનિકો પર તૂટી પડ્યો. બેન-હદાદે નાસી જઈને નગરના અંદરના ભાગમાં આશ્રય લીધો.
31બેન-હદાદના ચાકરોએ તેને કહ્યું, “જો, હવે અમે સાંભળ્યું છે, કે ઇઝરાયલના રાજાઓ દયાળુ હોય છે. કૃપા કરીને આપણે કમરે ટાટ શોકના વસ્રો પહેરીએ અને માથા પર દોરડાં વીટીંને ઇઝરાયલના રાજા પાસે જઈએ, કદાચ તે તારો જીવ બચાવે.” 32તેથી તેઓએ કમરે ટાટ તથા અને માથા પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે જઈને તેને કહ્યું, “તારા સેવક બેન-હદાદે કહેવડાવ્યું છે કે, કૃપા કરીને મને જીવનદાન આપ.” તેણે જવાબ આપ્યો, “શું તે હજી જીવતો છે? તે તો મારો ભાઈ છે.”
33હવે બેન-હદાદના માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા તેથી તેઓએ તરત જ તેને જવાબ આપ્યો કે, “હા, તારો ભાઈ બેન-હદાદ હજી જીવે છે.” પછી આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.” પછી બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો. 34બેન-હદાદે આહાબને કહ્યું, “મારા પિતાએ તારા પિતા પાસેથી લઈ લીધેલાં નગરો હું પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરુનમાં બજાર બનાવ્યાં હતાં તેમ તું દમસ્કસમાં બનાવજે.” આહાબે જવાબ આપ્યો, “હું તને આ શરતો પર જવા દઈશ.” એમ આહાબે તેની સાથે શાંતિકરાર કરીને તેને જવા દીધો.
એક પ્રબોધકે આહાબની ઝાટકણી કાઢી
35પ્રબોધકોના દીકરાઓમાંના એક માણસે યહોવાહના વચનથી પોતાના સાથીને કહ્યું, “કૃપા કરીને મને માર.” પણ પેલા માણસે તેમ કરવાની ના પાડી. 36પછી પ્રબોધકે તેના સાથીને કહ્યું, તેં યહોવાહની આજ્ઞાની અવગણના કરી છે, તેથી તું મારી પાસેથી જશે કે તરત જ એક સિંહ તને મારી નાખશે.” તે માણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને મારી નાખ્યો.
37ત્યાર બાદ પેલો પ્રબોધક બીજા માણસને મળ્યો અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે તેને માર્યો અને ઘાયલ કર્યો. 38પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને રાજાની રાહ જોતો આંખો પર પાટો બાંધીને પોતાનો વેશ બદલીને માર્ગમાં ઊભો રહ્યો.
39જ્યારે રાજા ત્યાંથી પસાર થયો ત્યારે તેણે તેને બૂમ પાડીને કહ્યું, “હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને મારી પાસે આવીને કહ્યું, ‘આ માણસને જો, એ જો નાસી જશે તો તેને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા એક તાલંત ચાંદી#20:39 લગભગ 34 કિલોગ્રામ આપવી પડશે.’ 40પણ હું અહીં તહીં કામમાં વ્યસ્ત હતો, એવામાં તે જતો રહ્યો. “પછી ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “તને એ સજા થવી જ જોઈએ - તેં પોતે જ એ નિર્ણય કર્યો છે.”
41પછી તરત જ તે પ્રબોધકે તેની આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇઝરાયલના રાજાએ તેને ઓળખી કાઢયો કે, આ તો પ્રબોધકોમાંનો એક છે. 42તેણે રાજાને કહ્યું, “આ યહોવાહના વચન છે, ‘જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે. તેથી તે માણસના બદલામાં તું મૃત્યુ પામશે અને તેના સૈનિકોના બદલે તારા સૈનિકો મૃત્યુ પામશે.’ 43તેથી ઇઝરાયલનો રાજા ઉદાસ અને ગુસ્સે થઈને તેના ઘરે જવા નીકળ્યો અને સમરુનમાં આવી પહોંચ્યો.

Currently Selected:

1 રાજા. 20: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in