1 રાજા. 18
18
એલિયા અને કારભારી ઓબાદ્યા
1ઘણા દિવસો પછી દુકાળના ત્રીજા વર્ષે યહોવાહનું વચન એલિયાની પાસે આવ્યું કે, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હવે હું પૃથ્વી પર વરસાદ વરસાવીશ.” 2એલિયા આહાબને મળવા ગયો; એ સમયે સમરુનમાં સખત દુકાળ વ્યાપેલો હતો.
3આહાબે ઓબાદ્યાને બોલાવ્યો. તે મહેલનો કારભારી હતો. હવે ઓબાદ્યા તો યહોવાહથી ઘણો બીતો હતો. 4કેમ કે જયારે ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટુકડી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા હતા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું હતું.
5આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળાં આગળ જા. જેથી આપણને ઘાસચારો મળી આવે અને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, કે જેથી આપણે બધાં જાનવરોને ખોઈ ન બેસીએ.” 6તેથી તેઓએ આખા દેશમાં ફરી વળવા માટે અંદરોઅંદર ભાગ પાડી લીધા. આહાબ એકલો એક બાજુએ ગયો અને ઓબાદ્યા બીજી બાજુ ગયો.
7ઓબાદ્યા પોતાના માર્ગમાં હતો ત્યારે, ત્યાં તેને અચાનક એલિયા મળ્યો. ઓબાદ્યાએ તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે મારા માલિક એલિયા, એ શું તમે છો?” 8એલિયાએ તેને જવાબ આપ્યો. “હા, હું તે જ છું. જા તારા માલિક આહાબને કહે, ‘જો, એલિયા અહીં છે.”
9ઓબાદ્યાએ જવાબ આપ્યો, “મેં શો અપરાધ કર્યો છે કે તું મને મારી નાખવા માટે આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છે છે? 10તારા ઈશ્વર યહોવાહના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તારી શોધ કરવા મારા માલિકે માણસ મોકલ્યા ન હોય. જ્યારે તેઓએ કહ્યું, ‘એલિયા અહીં નથી,’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા. 11હવે તું કહે છે, ‘જા તારા માલિક આહાબને કહે કે એલિયા અહીં છે.’”
12હું તારી પાસેથી જઈશ કે, તરત યહોવાહનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે. પછી હું જ્યારે જઈને આહાબને ખબર આપું અને જ્યારે તું તેને મળે નહિ, ત્યારે તે મને મારી નાખશે. પણ હું તારો સેવક, મારા બાળપણથી યહોવાહથી બીતો આવ્યો છું. 13ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાહના પ્રબોધકોમાંથી સો માણસોને પચાસ પચાસની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું, તેની ખબર મારા માલિકને નથી મળી શું?
14અને હવે તું કહે છે, ‘જા, તારા માલિકને કહે કે એલિયા અહીં છે,’ આથી તે મને મારી નાખશે.” 15પછી એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના યહોવાહ જેમની આગળ હું ઊભો રહું છું, તેમના સમ કે હું ચોક્કસ આજે તેને મળીશ.”
એલિયા અને બાલના ચારસો પ્રબોધક કાર્મેલ પર
16તેથી ઓબાદ્યા આહાબને મળ્યો; આહાબને કહ્યું એટલે તે એલિયાને મળ્યો. 17જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે તેને કહ્યું, “હે ઇઝરાયલને દુઃખ આપનાર, એ શું તું છે?”
18એલિયાએ જવાબ આપ્યો, “મેં ઇઝરાયલને દુઃખ આપ્યું નથી, પણ તેં તથા તારા પિતાના કુટુંબે યહોવાહની આજ્ઞાનો ત્યાગ કરીને તથા બઆલની પૂજા કરીને દુઃખ આપ્યું છે. 19હવે પછી, માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બઆલના ચારસો પચાસ પ્રબોધકો તથા ઇઝબેલની મેજ પર જમનારાં અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”
20તેથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને કાર્મેલ પર્વત પર એકત્ર કર્યા. 21એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવાહ ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.
22પછી એલિયાએ લોકોને કહ્યું, “હું, હા, હું એકલો જ, યહોવાહનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બઆલના પ્રબોધકો તો ચારસો પચાસ છે. 23તો અમને બે બળદ આપો. તેઓ પોતાને માટે એક બળદ પસંદ કરીને એને કાપીને તેના ટુકડાં કરે અને તેને લાકડાં પર મૂકે અને નીચે આગ ન મૂકે. પણ હું બીજો બળદ તૈયાર કરીને તેને લાકડાં પર મૂકીશ અને નીચે આગ નહિ મૂકું. 24તમે તમારા દેવને વિનંતી કરજો અને હું યહોવાહને નામે વિનંતી કરીશ. અને જે ઈશ્વર અગ્નિ દ્વારા જવાબ આપે તેને જ ઈશ્વર માનવા.” તેથી સર્વ લોકોએ જવાબ આપ્યો, “એ વાત સારી છે.”
25પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “તમે તમારે સારુ એક બળદ પસંદ કરો અને તેને કાપીને પહેલા તૈયાર કરો, કારણ તમે ઘણા છો, તમારા દેવને પ્રાર્થના કરો, પણ બળદની નીચે આગ લગાડશો નહિ.” 26જે બળદ તેમને આપવામાં આવ્યો હતો તેને તેઓએ તૈયાર કર્યો અને સવારથી તે બપોર સુધી બઆલના નામે વિનંતી કર્યા કરી કે “ઓ બાલ, અમને જવાબ આપ.” પણ ત્યાં કોઈ અવાજ ન હતો અને જવાબ આપનાર પણ કોઈ ન હતું. જે વેદી તેઓએ બાંધી હતી તેના ફરતે ગોળાકારે નૃત્ય પણ કર્યુ.
27આમ અને આમ બપોર થઈ ગઈ એટલે એલિયા તેઓની મશ્કરી કરીને બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો! તે દેવ છે! કદાચ એ વિચારમાં ઊંડો ડૂબી ગયો હશે! અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે, મુસાફરીમાં હશે, કદાચ ઊંઘી પણ ગયો હોય તો જગાડવો પણ પડે.” 28તેથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને જેમ તેઓ કરતા હતા તેમ તલવાર અને ભાલા વડે પોતાનાં શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહી વહેવા લાગ્યું. 29બપોર વીતી ગઈ અને છેક સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ ત્યાં કંઈ અવાજ હતો નહિ કે તેમને સાંભળનાર તથા તેમની પર ધ્યાન આપનાર કોઈ હતું નહિ.
30પછી એલિયાએ બધા લોકોને કહ્યું, “અહીં મારી નજીક આવો.” લોકો તેની પાસે નજીક આવ્યા; યહોવાહની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેણે સમારી. 31યાકૂબ કે જેની પાસે યહોવાહનું એવું વચન આવ્યું હતું કે, “તારું નામ ઇઝરાયલ થશે.” તેના પુત્રોના કુળસમૂહોની સંખ્યા પ્રમાણે તેણે બાર પથ્થર લીધા. 32તે પથ્થરો વડે એલિયાએ યહોવાહને નામે એક વેદી બનાવી. તેણે તે વેદીની આસપાસ બે હાથ પહોળી ખાઈ ખોદી.
33પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, “ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો.” 34વળી તેણે કહ્યું, “આમ બીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ બીજી વાર કર્યું. પછી તેણે કહ્યું, “આમ ત્રીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ ત્રીજી વાર પણ કર્યું. 35તેથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઈ ગયું. અને પેલો ખાડો પણ પાણીથી છલકાઈ ગયો.
36સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવાહ, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો. 37હે યહોવાહ, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવાહ ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે.”
38પછી એકાએક યહોવાહનાં અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યાં અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યાં. 39જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “યહોવાહ એ જ ઈશ્વર છે! યહોવાહ એ જ ઈશ્વર છે!” 40એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો.” તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાંની તળેટીમાં લાવીને મારી નાખ્યા.
દુકાળનો અંત
41એલિયાએ આહાબને કહ્યું, “ઊઠ, ખા તથા પી, કારણ, મને ધોધમાર વરસાદનો અવાજ સંભળાય છે.” 42તેથી આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. પછી એલિયા, કાર્મેલ પર્વતના શિખર સુધી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.
43તેણે પોતાના ચાકરને કહ્યું, “હવે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” ઉપર જઈને નજર કરીને તે બોલ્યો, “ત્યાં કશું નથી.” તેથી એલિયાએ કહ્યું, “ફરી સાત વાર જા.” 44સાતમી વખતે તે ચાકર બોલ્યો, “જો, માણસના હાથની હથેળી જેટલું નાનું વાદળું સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” ત્યારે એલિયાએ જવાબ આપ્યો કે, “ઉપર જઈને આહાબને કહે, વરસાદ તને અટકાવે તે પહેલાં રથ જોડીને નીચે ઊતરી આવ.”
45અને થોડી વારમાં એમ થયું કે આકાશ વાદળથી તથા પવનથી અંધારાયું અને ધોધમાર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝ્રએલ ગયો. 46પણ યહોવાહનો હાથ એલિયા પર હતો. તે કમર બાંધીને તેનો ઝભ્ભો થોડો ઊંચો કરીને આહાબના રથની આગળ છેક તે યિઝ્રએલના પ્રવેશદ્વાર સુધી દોડતો ગયો.
Currently Selected:
1 રાજા. 18: IRVGuj
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.