YouVersion Logo
Search Icon

1 રાજા. 1

1
દાઉદ રાજાની વૃદ્ધાવસ્થા
1હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ અને પ્રોઢ ઉંમરનો થયો હોવાથી તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યાં, પણ તેને હૂંફ મળી નહિ. 2તેથી તેના સેવકોએ તેને કહ્યું, “અમારા માલિક રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ. તે રાજાની હજૂરમાં ઊભી રહીને તેમની સેવા અને સારવાર કરે. આપની સાથે સૂઈ જાય જેથી આપનું શરીર ઉષ્માભર્યું રહે.”
3તેથી તેઓએ સુંદર કન્યા માટે આખા ઇઝરાયલમાં શોધ કરી. તેઓને શૂનામ્મી અબીશાગ નામે એક કન્યા મળી. તેને તેઓ રાજા પાસે લાવ્યા. 4તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સેવા કરી, પણ રાજાએ તેની સાથે શારીરિક સંબંધ રાખ્યો નહિ.
રાજગાદીનો હક્ક કરતો અદોનિયા
5તે સમયે હાગ્ગીથના દીકરા અદોનિયાએ અભિમાન કરતાં કહ્યું કે, “હું રાજા થઈશ.” તેણે પોતાને માટે રથો, ઘોડેસવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા. 6“તેં આ પ્રમાણે કેમ કર્યું?” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહોતો. અદોનિયા ઘણો રૂપાળો હતો, તે આબ્શાલોમ પછી જનમ્યો હતો.
7તેણે સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક પાસેથી સલાહ લીધી. તેઓએ અદોનિયાને અનુસરીને તેને સહાય કરી. 8પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાના પક્ષે ગયા નહિ.
9અદોનિયાએ એન-રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટાં, બળદો તથા પુષ્ટ પશુઓનું અર્પણ કર્યું. તેણે પોતાના સર્વ ભાઈઓને, એટલે રાજાઓના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને આમંત્રણ આપ્યું. 10પણ તેણે નાથાન પ્રબોધકને, બનાયાને, યોદ્ધાઓને તથા પોતાના ભાઈ સુલેમાનને આમંત્રણ આપ્યું નહિ.
સુલેમાનને ગાદીએ બેસાડ્યો
11પછી નાથાને સુલેમાનની માતા બાથશેબાને બોલાવીને પૂછ્યું, “શું તમે નથી સાંભળ્યું કે, હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા બન્યો છે અને આપણા માલિક દાઉદને ખબર નથી? 12હવે હું તમને એવી સલાહ આપું છું કે તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ બચાવો.
13તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘મારા માલિક રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે, “તારો દીકરો સુલેમાન ચોક્કસ મારા પછી રાજા થશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?” તો પછી શા માટે અદોનિયા રાજ કરે છે?’ 14જયારે તમે રાજા સાથે વાત કરતા હશો, ત્યારે હું તમારી પાછળ આવીને તમારી વાતને સમર્થન આપીશ.”
15તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ. રાજા ઘણો વૃદ્વ થયો હતો અને શૂનામ્મી અબીશાગ રાજાની સેવા ચાકરી કરતી હતી. 16બાથશેબાએ રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. અને રાજાએ પૂછ્યું, “તારી શી ઇચ્છા છે?” 17તેણે તેને જવાબ આપ્યો, “મારા માલિક, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાહના સમ ખાધા હતા, ‘ચોક્કસ તારો દીકરો સુલેમાન મારા પછી રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે.’”
18હવે જો, અદોનિયા રાજા બન્યો છે અને મારા માલિક રાજા, તમે તો એ જાણતા નથી. 19તેણે બળદો, પુષ્ટ પશુઓ અને ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને આમંત્રણ આપ્યાં છે, પણ તેણે તમારા સેવક સુલેમાનને આમંત્રણ આપ્યું નથી.
20મારા માલિક રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે, મારા માલિક રાજા પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે અમને જણાવો. 21નહિ તો જયારે મારા માલિક રાજા પોતાના પિતૃઓની જેમ ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”
22બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો. 23સેવકોએ રાજાને જણાવ્યું કે, “નાથાન પ્રબોધક અહીં છે.” જયારે તે રાજાની આગળ આવ્યો, ત્યારે તેણે રાજાની આગળ નમીને પ્રણામ કર્યા.
24નાથાને કહ્યું, “મારા માલિક રાજા, શું તમે એમ કહ્યું છે કે, ‘મારા પછી અદોનિયા રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?’ 25કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, ‘રાજા અદોનિયા ઘણું જીવો!’”
26પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા સેવક સુલેમાનને તેણે આમંત્રણ આપ્યું નથી. 27શું એ કામ મારા માલિક રાજાએ કર્યું છે? જો એમ હોય તો મારા માલિક રાજાની પછી તેમના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી.”
28પછી દાઉદ રાજાએ જવાબ આપ્યો, “બાથશેબાને મારી પાસે બોલાવો.” તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી. 29રાજાએ સમ ખાઈને કહ્યું, “જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે, 30જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના સમ ખાઈને તેમની હાજરીમાં કહ્યું છે કે, ‘મારા પછી તારો દીકરો સુલેમાન રાજ કરશે અને તે મારી જગ્યાએ રાજ્યાસન પર બેસશે,’ તે પ્રમાણે હું આજે ચોક્કસ કરીશ.” 31પછી બાથશેબાએ રાજાની આગળ જમીન સુધી નીચે નમીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “મારા માલિક દાઉદ રાજા સદા જીવતા રહો!”
32દાઉદ રાજાએ કહ્યું, “સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો.” તેથી તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા. 33રાજાએ તેઓને કહ્યું, “તમે તમારા માલિકના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ. 34ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને રણશિંગડું વગાડીને જાહેર કરજો કે, ‘સુલેમાન રાજા ઘણું જીવો!’”
35પછી તમે તેની પાછળ આવજો અને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગ્યાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર આગેવાન નીમ્યો છે.” 36યહોયાદાના દીકરા બનાયાએ રાજાને જવાબ આપ્યો, “એમ જ થાઓ! મારા માલિક રાજાના ઈશ્વર યહોવાહ પણ એવું જ કહો. 37જેમ યહોવાહ મારા માલિક રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાન સાથે પણ રહો અને મારા માલિક દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેનું રાજ્યાસન મોટું કરો.”
38તેથી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરેથીઓ અને પલેથીઓએ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા. 39સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!” 40પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.
41અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?” 42તે હજી બોલતો હતો, એટલામાં જ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, કેમ કે તું પ્રામાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે.”
43યોનાથાને અદોનિયાને જવાબ આપ્યો, “આપણા માલિક દાઉદ રાજાએ સુલેમાનને રાજા બનાવ્યો છે. 44અને રાજાએ તેની સાથે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને, યહોયાદાના દીકરા બનાયાને તથા કરેથીઓ અને પલેથીઓને મોકલ્યા છે. તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે. 45સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષેક કર્યો છે અને ત્યાંથી તેઓ એવી રીતે આનંદ કરતા પાછા આવ્યા કે તે નગર ગાજી રહ્યું છે. તમે જે જયપોકારો સાંભળ્યા છે તે એ જ છે.
46વળી રાજાના રાજ્યાસન પર સુલેમાન બિરાજમાન થયો છે. 47રાજાના સેવકોએ આપણા માલિક દાઉદ રાજાને આશીર્વાદ આપવા અંદર આવીને કહ્યું, ‘તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો અને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન ઉન્નત બનાવો.’ અને રાજાએ પોતાના પલંગ પર બેઠા થઈને પ્રણામ કર્યા. 48રાજાએ પણ કહ્યું, ‘ઇઝરાયલના ઈશ્વર યહોવાહ જેમણે આ દિવસે મારા જોતાં મારા રાજ્યાસન પર બેસનાર દીકરો મને આપ્યો છે, તેઓ પ્રશંસાને યોગ્ય છે.’”
49પછી અદોનિયાના સર્વ મહેમાનો ગભરાયા; તેઓ ઊઠીને માણસ પોતપોતાને માર્ગે ગયા. 50અદોનિયા સુલેમાનથી ગભરાઈને ઊઠ્યો અને જઈને તેણે વેદીનાં શિંગ પકડ્યાં#1:50 અદોનિયાયા તંબુમાં તરત જ પહોંચી ગયો. તેથી કહેવામાં આવે છે કે, “તે પવિત્ર તંબુમાં દોડ્યો અને યજ્ઞવેદીના શિંગડાને પકડી રાખ્યો.” યજ્ઞવેદીના શિંગડાં યજ્ઞવેદીના ચાર ખૂણાઓને દર્શાવે છે. શિંગડાને પકડી રાખનાર કોઈપણ વ્યક્તિ સુરક્ષિત રહે છે (જુઓ નિર્ગ. 21:13 - 14).. 51પછી સુલેમાનને કહેવામાં આવ્યું, “જો, અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીનાં શિંગ પકડીને કહે છે, ‘સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તલવારથી પોતાના સેવકને મારી નાખશે નહિ.’”
52સુલેમાને કહ્યું, “જો તે યોગ્ય વર્તણૂક કરશે, તો તેનો એક પણ વાળ વાંકો કરવામાં આવશે નહિ. પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે, તો તે માર્યો જશે.” 53તેથી સુલેમાન રાજાએ માણસો મોકલ્યા, તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમીને પ્રણામ કર્યા અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘરે જા.”

Currently Selected:

1 રાજા. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in