YouVersion Logo
Search Icon

માર્ક 8

8
સાત રોટલી, થોડી માછલી
(માથ. 15:32-39)
1એ દિવસોમાં ફરીવાર વિશાળ જનસમુદાય એકઠો થયો. તેમની પાસે ખોરાક ખલાસ થઈ ગયો, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, 2“આ લોકો ઉપર મને અનુકંપા આવે છે; કારણ, ત્રણ ત્રણ દિવસથી તેઓ મારી સાથે છે અને હવે તેમની પાસે કંઈ ખોરાક નથી. 3જો હું તેમને જમાડયા વિના ઘેર વિદાય કરું, તો તેઓ જતાં જતાં જ નિર્ગત થઈ જશે; કારણ, તેમનામાંના કેટલાંક તો ઘણે દૂરથી આવ્યા છે.”
4તેમના શિષ્યોએ તેમને કહ્યું, “આ વેરાન જગ્યામાં આટલા બધા લોકો માટે પૂરતું ખાવાનું કોઈનેય મળે ખરું?”
5ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેમણે જવાબ આપ્યો, “સાત.”
6તેમણે લોકોને જમીન પર બેસી જવા આજ્ઞા કરી. પછી તેમણે સાત રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો, અને ભાંગીને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને શિષ્યોએ લોકોને તે પીરસી. 7તેમની પાસે થોડીક નાની માછલીઓ પણ હતી. ઈસુએ તેમને માટે પણ આભાર માન્યો અને તે પણ પોતાના શિષ્યોને પીરસવાનું કહ્યું. 8બધાએ ધરાઈને ખાધું. 9ત્યાં લગભગ ચાર હજાર માણસો હતા. પછી શિષ્યોએ વધેલા ટુકડાઓની સાત ટોપલીઓ ભરી. ઈસુએ લોકોને વિદાય કર્યા, 10અને તરત જ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલમાનુથાના પ્રદેશમાં ગયા.
ચમત્કારની માગણી
(માથ. 16:1-4)
11કેટલાક ફરોશીઓ ઈસુની પાસે આવીને વિવાદ કરવા લાગ્યા. તેઓ તેમને ફસાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની સંમતિ છે તેના પુરાવા તરીકે ચમત્કાર કરવા તેમણે તેમને જણાવ્યું. 12ઈસુએ ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, “આ જમાનાના લોકો પુરાવા તરીકે ચમત્કાર કેમ માગે છે? હું તમને સાચે જ કહું છું કે આ લોકોને એવો કોઈ પુરાવો આપવામાં આવશે નહિ.”
13તે તેમને મૂકીને હોડીમાં ચઢી ગયા અને સરોવરને સામે કિનારે જવા ઊપડયા.
અવિશ્વાસની અસરથી સાવધાન
(માથ. 16:5-12)
14શિષ્યો ખોરાક લેવાનું ભૂલી ગયા હતા, અને હોડીમાં તેમની પાસે ફક્ત એક જ રોટલી હતી. 15ઈસુએ તેમને ચેતવણી આપતાં કહ્યું, “યાન રાખો અને ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધ રહો.”
16તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે, “આપણી પાસે રોટલી નથી તેથી તે આમ કહે છે.”
17તેઓ જે કહેતા હતા તે ઈસુ જાણતા હોવાથી તેમણે તેમને પૂછયું, “તમારી પાસે રોટલી નથી એની ચર્ચા શા માટે કરો છો? હજી સુધી શું તમને સૂઝતું નથી? હજી તમે સમજતા નથી? શું તમારાં મન સાવ જડ થઈ ગયાં છે? 18છતી આંખે તમે જોઈ શક્તા નથી? છતે કાને તમે સાંભળી શક્તા નથી? મેં પાંચ હજાર લોકો માટે પાંચ રોટલી ભાંગી હતી તે તો તમને યાદ છે ને? ત્યારે તમે વધેલા ટુકડાથી ભરેલી કેટલી ટોપલીઓ ઉપાડી હતી?”
19તેમણે જવાબ આપ્યો, “બાર.”
20વળી, ઈસુએ પૂછયું, “મેં જ્યારે ચાર હજાર લોકો માટે સાત રોટલી ભાંગી ત્યારે તમે વધેલા ટુકડા ભરેલી કેટલી ટોપલી ઉઠાવી હતી?”
તેમણે કહ્યું, “સાત.”
21તેમણે તેમને કહ્યું, “છતાં, તમે કેમ સમજતા નથી?”
દૃષ્ટિદાન
22તેઓ બેથસૈદામાં આવ્યા. ત્યાં કેટલાક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા અને તેમને વિનંતી કરી કે તમે આને સ્પર્શ કરો. 23ઈસુ આંધળા માણસનો હાથ પકડીને તેને ગામ બહાર દોરી ગયા. એ માણસની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યા, અને તેને પૂછયું, “તને કંઈ દેખાય છે?”
24એટલે તેણે આંખો ઊંચી કરીને કહ્યું, “હા, હું માણસોને જોઉં છું, પણ તેઓ ચાલતા વૃક્ષ જેવા લાગે છે.” 25ઈસુએ ફરીથી પોતાના હાથ એ માણસની આંખો ઉપર મૂક્યા. આ વખતે એ માણસ ધારી ધારીને જોવા લાગ્યો. તેની દૃષ્ટિ તેને પાછી મળી, અને તેને બધું સ્પષ્ટ દેખાયું. 26પછી ઈસુએ તેને ઘેર જવા વિદાય કરતાં કહ્યું, “આ ગામમાં પાછો જઈશ નહિ.”
પિતરનો એકરાર
(માથ. 16:13-20; લૂક. 9:18-21)
27પછી ઈસુ અને તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીનાં ગામડાંઓમાં ગયા. રસ્તે જતાં તેમણે તેમને પૂછયું, “હું કોણ છું એ વિષે લોકો શું કહે છે?”
તેમણે કહ્યું, “કેટલાક કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; કેટલાક કહે છે કે તમે એલિયા છો; જ્યારે બીજા કેટલાક કહે છે કે તમે ઈશ્વરના સંદેશવાહકોમાંના કોઈએક છો.”
28તેમણે તેમને પૂછયું, “પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?”
29પિતરે જવાબ આપ્યો, “તમે તો મસીહ છો.”
30ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, “મારા વિષે કોઈને કશું કહેશો નહિ.”
ઈસુના મરણની પ્રથમ આગાહી
(માથ. 16:21-28; લૂક. 9:22-27)
31પછી ઈસુ પોતાના શિષ્યોને શીખવવા લાગ્યા: “માનવપુત્રે ઘણું દુ:ખ સહેવું, અને આગેવાનો, મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકોથી તિરસ્કાર પામવો, મારી નંખાવું અને ત્રીજે દિવસે સજીવન થવું એ જરૂરી છે.” 32તેમણે તેમને એ વાત ઘણી સ્પષ્ટ રીતે કરી. તેથી પિતર તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો. 33પણ ઈસુએ પાછા ફરીને પોતાના શિષ્યો તરફ જોયું, અને પિતરને ધમકાવ્યો. તેમણે કહ્યું, “શેતાન, દૂર હટ! તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ!”
34પછી ઈસુએ જનસમુદાયને અને પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે, તો તેણે પોતાની જાતનો નકાર કરવો, પોતાનો ક્રૂસ ઊંચકવો અને મને અનુસરવું. 35કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે. 36જો કોઈ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનું જીવન નાશ પામે તો તેથી તેને શો લાભ? 37પોતાના જીવનના બદલામાં માણસ પાસે આપવા જેવું કંઈ જ નથી. 38તેથી જો કોઈ મારે વિષે અથવા મારા શિક્ષણ વિષે આ બેવફા અને દુષ્ટ જમાનામાં શરમાય, તો માનવપુત્ર પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે તેને લીધે શરમાશે.”

Currently Selected:

માર્ક 8: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in