માથ્થી 27
27
પિલાતની સમક્ષ ઈસુ
(માર્ક. 15:1; લૂક. 23:1-2; યોહા. 18:28-32)
1વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી. 2તેઓ તેમને બાંધીને લઈ ગયા અને રોમન રાજ્યપાલ પિલાતને સોંપી દીધા.
યહૂદાનો કારમો અંત
(પ્રે.કા. 1:18-19)
3ઈસુની ધરપકડ કરાવનાર યહૂદાને જ્યારે ખબર પડી કે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે ત્યારે તેને પોતાના પાપનું ભાન થયું અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યજ્ઞકારો તથા આગેવાનો પાસે ગયો અને કહ્યું, 4એક નિર્દોષ ખૂન કરાવવા દગો કરીને મેં પાપ કર્યું છે.
તેમણે જવાબ આપ્યો, તેમાં અમારે શું? તારું પાપ તારે માથે!
5યહૂદાએ મંદિરમાં જ પૈસા ફેંકી દીધા અને ત્યાંથી નીકળી જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો. 6મુખ્ય યજ્ઞકારોએ પૈસા ઉઠાવી લીધા અને કહ્યું, આ તો લોહીના પૈસા છે અને તેને મંદિરમાં જમા કરવા એ આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે. 7ત્યાર પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે કુંભારનું ખેતર ખરીદીને તેમાં પરદેશીઓ માટે કબ્રસ્તાન બનાવવું. 8તેથી આજ સુધી તે ખેતરને હાકેલદામા એટલે, લોહીનું ખેતર કહેવામાં આવે છે.
9ત્યારે સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પરિપૂર્ણ થયું. 10ઈશ્વરે મને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલ લોકો તેને માટે જે રકમ ચૂકવવા સંમત થયા હતા તે, એટલે કે ચાંદીના ત્રીસ સિક્કા લઈને તેમણે કુંભારનું ખેતર ખરીદયું.
પિલાતે કરેલી ઊલટતપાસ
(માર્ક. 15:2-6; લૂક. 23:3-5; યોહા. 18:33-38)
11ઈસુને રાજ્યપાલની સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને તેમણે સવાલ પૂછયો, શું તું યહૂદીઓનો રાજા છે?
12ઈસુએ જવાબ આપ્યો, તમે જ તે પ્રમાણે કહો છો. મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોના આરોપ વિષે તેમણે મૌન સેવ્યું.
13આથી પિલાતે ફરી પૂછયું, આ લોકો જે આરોપ મૂકે છે તે તું સાંભળતો નથી?
14પણ ઈસુ જવાબમાં એકપણ શબ્દ બોલ્યા નહિ. આથી રાજ્યપાલને ભારે આશ્ચર્ય થયું.
ઈસુને મૃત્યુદંડ
(માર્ક. 15:6-15; લૂક. 23:13-25; યોહા. 18:39—19:16)
15પાસ્ખાના પ્રત્યેક પર્વ વખતે લોકો માગણી કરે તે કેદીને રાજ્યપાલ મુક્ત કરે એવી પ્રથા હતી. 16આ વખતે પણ ઈસુ - બારાબાસ કરીને એક નામચીન કેદી હતો. 17જ્યારે ટોળું એકઠું થયું ત્યારે પિલાતે તેમને પૂછયું, તમારી શી ઇચ્છા છે? તમારે માટે હું કોને મુક્ત કરું? ઈસુ જે બારાબાસ કહેવાય છે તેને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? 18તેને ખબર હતી કે અધિકારીઓ ઈર્ષાને લીધે જ ઈસુને પકડી લાવ્યા હતા.
19જ્યારે પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો, તે નિર્દોષને તું કંઈ સજા કરીશ નહિ; કારણ, ગઈ રાત્રે સ્વપ્નમાં તેને લીધે મને ઘણું દુ:ખ થયું છે.
20પિલાત બારાબાસને મુક્ત કરે અને ઈસુને મોતની સજા ફરમાવે તે માગણી ચાલુ રાખવા માટે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું. રાજ્યપાલે તેમને પૂછયું, 21આ બેમાંથી તમારે માટે હું કોને મુક્ત કરું? તમારી શી ઇચ્છા છે?
તેઓ બધા બોલી ઊઠયા, બારાબાસને!
22પિલાતે પૂછયું, તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?
તેમણે જવાબ આપ્યો, તેને ક્રૂસે જડી દો.
23પણ પિલાતે પૂછયું, સજા થાય તેવો કયો ગુનો તેણે કર્યો છે? ત્યારે તેમણે જોરથી ઘાંટા પાડયા, તેને ક્રૂસે જડી દો.
24પિલાતે જોયું કે રાહ જોવાથી કશો ફાયદો થવાનો નથી, પણ કદાચ હુલ્લડ ફાટી નીકળે. આથી તેણે પાણી લીધું અને પોતાના હાથ ટોળાંની સમક્ષ ધોઈ નાખતાં કહ્યું, આ માણસના મોતને માટે હું જવાબદાર નથી! તમારું પાપ તમારે માથે.
25ત્યારે ટોળાંએ જવાબ આપ્યો, એના ખૂનની જવાબદારી ભલે અમારા અને અમારાં સંતાનોને શિર આવે!
26ત્યાર પછી પિલાતે તેમને માટે બારાબાસને છોડી મૂકાયો, જ્યારે ઈસુને ચાબખા મરાવીને ક્રૂસે જડવા માટે સોંપી દીધા.
સૈનિકોએ કરેલી મશ્કરી
(માર્ક. 15:16-20; યોહા. 19:2-3)
27ત્યાર પછી પિલાતના સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા અને સૈનિકોની ટુકડી તેમની આસપાસ એકઠી થઈ. 28તેમણે ઈસુનાં કપડાં ઉતારી લીધાં અને તેમને જાંબુડી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. 29કાંટાની ડાળીઓમાંથી મુગટ ગૂંથીને તેમના માથા પર મૂકાયો. તેમના જમણા હાથમાં લાકડી આપી અને તેમની આગળ ધૂંટણે પડીને તેમની મશ્કરી કરી. 30તેમણે કહ્યું, યહૂદીઓના રાજા, અમર રહો! તેઓ તેમના પર થૂંક્યા અને લાકડી લઈને તેમના માથામાં ફટકારી. 31મશ્કરી કરી રહ્યા પછી તેમણે ઝભ્ભો ઉતારી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. ત્યાર પછી તેમને ક્રૂસે જડવા માટે લઈ ગયા.
ઈસુને ક્રૂસે જડયા
(માર્ક. 15:21-32; લૂક. 23:26-43; યોહા. 19:17-27)
32તેઓ જઈ રહ્યા હતા ત્યારે કૂરેનીનો સિમોન મળ્યો. તેમણે બળજબરીથી ઈસુનો ક્રૂસ તેની પાસે ઊંચકાવ્યો. 33તેઓ ગલગથા જેનો અર્થ ’ખોપરીની જગ્યા’ થાય છે ત્યાં આવ્યા. 34ત્યાં તેમણે તેમને બોળ મિશ્રિત દ્રાક્ષરસ#27:34 મરનાર ગુનેગારોનું દુ:ખ ઓછું થાય એ માટે નશો ચઢે તેવું આ પીણું દયાળુ યહૂદી સ્ત્રીઓ આપતી હતી. પીવા આપ્યો. પણ ચાખ્યા પછી ઈસુએ તે પીવાની ના પાડી.
35તેમણે તેમને ક્રૂસે જડયા અને પાસાં નાખીને તેમનાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં. 36ત્યાર પછી ત્યાં બેસીને તેમની ચોકી કરી. 37તેમના માથાથી ઉપર ક્રૂસ ઉપર આરોપ દર્શાવતો લેખ મૂકેલો હતો: 38આ ઈસુ યહૂદીઓનો રાજા છે. ત્યાર પછી ઈસુની સાથે બે લૂંટારાઓને, એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ ક્રૂસે જડયા.
39ત્યાંથી પસાર થતા લોકોએ માથાં હલાવીને ઈસુની મશ્કરી કરતાં કહ્યું, 40તું તો મંદિરને તોડી પાડીને ફક્ત ત્રણ જ દિવસમાં ફરી બાંધવાનો હતો ને! તો હવે પોતાને જ બચાવને! જો તું ઈશ્વરપુત્ર હોય તો ક્રૂસ પરથી નીચે ઊતરી આવ!
41તે જ પ્રમાણે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનોએ તેમની મશ્કરી કરીને કહ્યું, 42તેણે બીજા ઘણાને બચાવ્યા પણ પોતાને બચાવી શક્તો નથી. શું તે ઇઝરાયલનો રાજા નથી? જો તે હાલ ક્રૂસ પરથી ઊતરી આવે તો અમે તેના પર વિશ્વાસ કરીશું. 43તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.
44તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની મશ્કરી કરી.
ઈસુનું અવસાન
(માર્ક. 15:33-41; લૂક. 23:44-49; યોહા. 19:28-30)
45બપોરના સમયે સમગ્ર દેશ પર ત્રણ કલાક સુધી અંધકાર છવાઈ ગયો. 46લગભગ ત્રણ વાગે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી, એલી, એલી, લામા સાબાખ્થાની અર્થાત્ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યજી દીધો છે?
47ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ એ સાંભળીને કહ્યું, તે એલિયાને બોલાવે છે. 48તેમનામાંથી એક જણે દોડીને વાદળી લીધી અને તેને હલકી જાતના દારૂમાં બોળીને લાકડીની ટોચે મૂકીને ઈસુને ચૂસવા માટે આપી.
49પણ બીજાઓએ કહ્યું, રહેવા દો, જોઈએ તો ખરા, એલિયા તેને બચાવવા આવે છે કે નહિ?
50ઈસુએ ફરીથી મોટે ઘાંટે બૂમ પાડી અને પછી મરણ પામ્યા. 51ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા; 52કબરો ખૂલી ઈ અને ઈશ્વરના ઘણા લોક મરણમાંથી સજીવન થયા. 53ઈસુ મરણમાંથી સજીવન થયા પછી તે લોકો કબરમાંથી બહાર નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણા લોકોએ તેમને જોયા.
54ઈસુની ચોકી કરતા સૂબેદાર તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેમણે કહ્યું, ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા.
55ગાલીલમાંથી ઈસુની પાછળ આવેલી અને તેમને મદદ કરનારી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. તેઓ થોડે દૂરથી બધું જોયા કરતી હતી. 56તેમાં માગદાલાની મિર્યામ, યાકોબ અને યોસેફની માતા મિર્યામ અને ઝબદીના પુત્રોની માતા હતાં.
ઈસુનું દફન
(માર્ક. 15:42-47; લૂક. 23:50-56; યોહા. 19:38-42)
57સાંજ પડી ત્યારે આરીમથાઈથી એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તેનું નામ યોસેફ હતું. તે ઈસુનો શિષ્ય હતો. 58તે પિલાતની પાસે ગયો અને તેણે ઈસુના શબની માગણી કરી. પિલાતે શબ આપવાનો હુકમ કર્યો. 59તેથી યોસેફે ઈસુનું શબ લઈને અળસીરેસાનાં શ્વેત નવાં વસ્ત્રોમાં વીંટાળ્યું 60અને તેને લઈ જઈને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકાયું. પછી કબરના પ્રવેશદ્વાર આગળ એક મોટો પથ્થર બડાવીને તે ચાલ્યો ગયો. 61માગદાલાની મિર્યામ અને બીજી મિર્યામ કબરની સામે બેઠેલાં હતાં.
કબરની ચોકી
62બીજે દિવસે એટલે શુક્રવાર પછીના દિવસે મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ પિલાતને મળીને કહ્યું, 63સાહેબ, અમને યાદ છે કે, એ ઠગ જીવતો હતો ત્યારે આમ કહેતો હતો: ’ત્રણ દિવસ પછી મને સજીવન કરવામાં આવશે.’ 64તેથી એવા હુકમો આપો કે ત્રીજા દિવસ સુધી કબરની બરાબર ચોકી કરવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી ન જાય અને લોકોને જાહેર ન કરે કે તે મરણમાંથી સજીવન થયા છે. નહિ તો આ છેલ્લી ઠાઈ પ્રથમના કરતાં પણ વધુ ખરાબ હશે.
65પિલાતે તેમને કહ્યું, સૈનિકોને ચોકી કરવા લઈ જાઓ અને જઈને તમારાથી બને તેટલો જાપ્તો રાખો.
66આથી તેમણે જઈને કબરના પથ્થરને સીલબંધ કરીને પહેરો ગોઠવી દીધો.
Currently Selected:
માથ્થી 27: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide