માથ્થી 26
26
ઈસુની વિરુદ્ધ કાવતરું
(માર્ક. 14:1-2; લૂક. 22:1-2; યોહા. 11:45-53)
1આ બધી બાબતોનું શિક્ષણ પૂરું કર્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, 2તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાનું પર્વ છે, તે સમયે માનવપુત્રને ક્રૂસે જડાવા માટે સોંપી દેવામાં આવશે.
3ત્યાર પછી મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો મુખ યજ્ઞકાર કાયાફાસના મહેલમાં એકત્ર થયા, 4અને ઈસુની છળકપટથી ધરપકડ કરી તેમને મારી નાખવા યોજના ઘડી કાઢી. 5પણ તેમણે કહ્યું, પર્વના સમયે આપણે એ કરવું નથી, કદાચ લોકો દંગલ મચાવે.
બેથાનિયામાં ઈસુનો અભિષેક
(માર્ક. 14:3-9; યોહા. 12:1-8)
6ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા. 7તે વખતે એક સ્ત્રી આરસપહાણની શીશીમાં ખૂબ કીમતી અત્તર લઈને આવી. તેણે તે અત્તર ઈસુ જમતા હતા ત્યારે તેમના માથા પર રેડયું. 8તે જોઈને શિષ્યો ખૂબ ગુસ્સે થયા. તેમણે કહ્યું, આ દુર્વ્યય શા માટે? 9આ અત્તર મોટી કિંમતે વેચીને તે પૈસા ગરીબોને દાનમાં આપી શકાત.
10તેઓ જે કહેતા હતા તેની ઈસુને ખબર હતી. તેથી તેમણે તેમને કહ્યું, તમે આ સ્ત્રીને શા માટે હેરાન કરો છો? તેણે મારે માટે ઉમદા કામ કર્યું છે. 11ગરીબો તો હંમેશાં તમારી સાથે રહેવાના છે, પણ હું તમારી સાથે હંમેશાં રહેવાનો નથી. 12તેણે મારા શરીરને અત્તર ચોળીને તેને દફન માટે અગાઉથી તૈયાર કર્યું છે. 13હું તમને સાચે જ કહું છું: સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં આ શુભસંદેશ પ્રગટ કરવામાં આવશે ત્યાં ત્યાં આ સ્ત્રીએ મારે માટે જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે.
ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ
(માર્ક. 14:10-11; લૂક. 22:3-6)
14પછી બાર શિષ્યોમાંના યહૂદા ઈશ્કારિયોતે મુખ્ય યજ્ઞકારો પાસે જઈને કહ્યું, 15ઈસુની ધરપકડ કરાવવામાં હું તમને મદદ કરું તો તમે મને શું આપશો? તેમણે તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા. 16એ સમયથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધતો હતો.
છેલ્લું ભોજન
(માર્ક. 14:12-21; લૂક. 22:7-13,21-23; યોહા. 13:21-30)
17ખમીરરહિત રોટલીના પર્વને પ્રથમ દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, તમારે માટે પાસ્ખાનું ભોજન અમે કયા સ્થળે તૈયાર કરીએ? તમારી શી ઇચ્છા છે?
18ઈસુએ જવાબ આપ્યો, શહેરમાં એક માણસની પાસે જાઓ, અને તેને કહો: ગુરુએ કહ્યું છે કે, મારો સમય પાકી ચૂક્યો છે. હું અને મારા શિષ્યો તમારે ઘેર પાસ્ખાનું પર્વ પાળીશું.
19ઈસુની આજ્ઞા પ્રમાણે જઈને શિષ્યોએ પાસ્ખાનું ભોજન તૈયાર કર્યું.
20સાંજ પડી ત્યારે ઈસુ તેમના બાર શિષ્યો સાથે જમવા બેઠા. 21જમતી વખતે ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું કે તમારામાંનો એક મારી ધરપકડ કરાવશે.
22શિષ્યો બહુ ગમગીન થઈ ગયા અને એક પછી એક ઈસુને પૂછવા લાગ્યા, પ્રભુ, શું એ હું છું?
23ઈસુએ જવાબ આપ્યો, જે મારી થાળીમાં રોટલી બોળે છે તે જ મારી ધરપકડ કરાવશે. 24શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે માનવપુત્ર મરણ પામશે, પણ જે માણસ માનવપુત્રની ધરપકડ કરાવશે તેને હાય હાય! જો તે જનમ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત!
25ત્યારે ધરપકડ કરાવનાર યહૂદા બોલી ઊઠયો, ગુરુજી, એ હું તો નથી ને? ઈસુએ જવાબ આપ્યો, તું જ તે કહે છે.
પ્રભુભોજનની સ્થાપના
(માર્ક. 14:22-26; લૂક. 22:14-20; ૧ કોરીં. 11:23-25)
26તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપતાં કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે.
27પછી તેમણે પ્યાલો લીધો, ઈશ્વરની સ્તુતિ કરી અને તે તેમને આપતાં કહ્યું, તમે બધા એમાંથી પીઓ. 28ઈશ્વરના [નવા] કરારને મંજૂર કરનાર આ મારું રક્ત છે. ઘણાંઓને પાપની માફી મળે તે માટે એ રેડાનાર છે. 29હું તમને કહું છું: મારા પિતાના રાજમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું દ્રાક્ષારસ પીનાર નથી.
30ત્યાર પછી ગીત ગાઈને તેઓ ઓલિવ પર્વત તરફ ચાલી નીકળ્યા.
પિતરના નકારની આગાહી
(માર્ક. 14:27-31; લૂક. 22:31-34; યોહા. 13:36-38)
31ઈસુએ તેમને કહ્યું, આજ રાત્રે તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, ’હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’ 32પણ મને સજીવન કરવામાં આવશે ત્યારે હું તમારી પહેલાં ગાલીલમાં જઈશ.
33પિતર જલદીથી બોલી ઊઠયો, જોકે તમારા પરનો બધાનો વિશ્વાસ ડગી જાય તો પણ મારો વિશ્વાસ તો કદી નહિ ડગે.
34ઈસુએ પિતરને જવાબ આપ્યો, હું તને સાચે જ કહું છું: આજ રાત્રે કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ.
35પિતરે જવાબ આપ્યો, જોકે મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર કદી નહિ કરું.
બાકીના બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
ગેથસેમાનેમાં ઈસુ
(માર્ક. 14:32-42; લૂક. 22:39-46)
36ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથસેમાને નામના સ્થળે ગયા. તેમણે શિષ્યોને કહ્યું, હું ત્યાં જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો. 37પિતર અને ઝબદીના બે પુત્રોને તેમણે પોતાની સાથે લીધા. તે શોક અને દુ:ખમાં ડૂબી ગયા. 38તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.
39પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે શિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શકાય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો! તેમ છતાં મારી નહિ, પણ તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ.
40ત્યાર પછી તે શિષ્યો પાસે પાછા આવ્યા. પણ તેઓ તો ઊંઘી ગયા હતા. તેમણે પિતરને કહ્યું, તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શક્યા નહિ? 41જાગતા રહો અને પ્રાર્થના કરો; જેથી તમે પ્રલોભનમાં ન પડો. આત્મા તત્પર છે, પણ દેહ નિર્બળ છે.
42ઈસુએ ફરીથી દૂર જઈને પ્રાર્થના કરી: હે પિતા, જો આ પ્યાલો હું પીઉં તે સિવાય દૂર ન થઈ શકે તો તમારી ઇચ્છા પૂર્ણ થાઓ. 43તે શિષ્યો પાસે ફરીથી પાછા આવ્યા, પણ તેઓ ઊંઘી ગયા હતા. કારણ, તેમની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી.
44ઈસુ ફરીવાર તેમનાથી દૂર ગયા અને ત્રીજી વાર એના એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. 45ત્યાર પછી શિષ્યો પાસે પાછા આવીને તેમને કહ્યું, તમે હજુ પણ ઊંઘો છો? આરામ કરો છો? માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપાઈ જવાનો સમય આવી પહોંચ્યો છે. 46ઊઠો, ચાલો જઈએ. કારણ, આ રહ્યો મને પકડાવી દેનાર!
ઈસુની ધરપકડ
(માર્ક. 14:43-50; લૂક. 22:47-53; યોહા. 18:3-12)
47હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં બાર શિષ્યોમાંનો એક, એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ મોકલેલા લોકોનું મોટું ટોળું હતું. તેમની પાસે તલવારો અને લાઠીઓ હતી. 48દગાખોર યહૂદાએ તેમને સંકેત આપ્યો હતો: જેને ચુંબન કરું, તે જ તે માણસ હશે. તેને પકડી લેજો.
49યહૂદા આવ્યો કે તરત જ ઈસુની પાસે ગયો અને ગુરુજી, સલામ એમ કહીને તેણે તેમને ચુંબન #26:49 આદર અને વંદન કરવા માટે યહૂદીઓમાં ચુંબન કરવાનો રિવાજ હતો.કર્યું.
50ઈસુએ જવાબ આપ્યો, મિત્ર, જે કરવાનો હોય તે જલદી કર.
પછી લોકોએ આવીને ઈસુની ધરપકડ કરી. 51ઈસુની સાથે જેઓ હતા તેમનામાંના એકે પોતાની તલવાર કાઢીને મુખ્ય યજ્ઞકારના નોકરનો કાન કાપી નાખ્યો. 52ત્યારે ઈસુએ તેને કહ્યું, તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક. કારણ, જે તલવાર ચલાવે છે તે તલવારથી જ માર્યો જશે. 53શું તને ખબર નથી કે જો હું મારા પિતાની મદદ માગું તો તે તરત જ દૂતોના સૈન્યની બારથી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે? 54પણ જો તેમ કરવામાં આવે તો શાસ્ત્રમાં આ રીતે એ બનવું જોઈએ તેમ લખવામાં આવ્યું છે તે કેવી રીતે પરિપૂર્ણ થાય?
55ત્યાર પછી ઈસુએ લોકોને કહ્યું, જેમ કોઈ બળવાખોરને પકડવા તલવાર અને લાઠીઓ લઈને જાય તેમ તમે મને પકડવા આવ્યા છો? દિનતિદિન મંદિરમાં હું શિક્ષણ આપતો હતો પણ ત્યારે તમે મારી ધરપકડ કરી નહિ. 56શાસ્ત્રમાં સંદેશવાહકોએ જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું.
ત્યાર પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.
ન્યાયસભા સમક્ષ ઈસુ
(માર્ક. 14:53-65; લૂક. 22:54-55,63-71; યોહા. 18:13-14,19-24)
57ઈસુની ધરપકડ કરીને તેઓ તેમને મુખ યજ્ઞકાર ક્યાફા પાસે લઈ ગયા. ત્યાં નિયમશાસ્ત્રના શિક્ષકો અને યહૂદી આગેવાનો એકત્ર થયા હતા. 58પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ છેક મુખ યજ્ઞકારના ઘરના ચોક સુધી સાથે ગયો. તે અંદર ગયો અને શું પરિણામ આવે છે તે જાણવા માટે નોકરોની સાથે બેસી ગયો. 59મુખ્ય યજ્ઞકારોએ અને સમગ્ર ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે ખોટો પુરાવો શોધવા યત્નો કર્યા. 60ઘણાઓએ આવીને જુઠ્ઠી સાક્ષી આપી. છતાં તેમને કોઈ પુરાવો મળ્યો નહિ. અંતે બે માણસો તૈયાર થયા 61અને તેમણે કહ્યું, આ માણસે આવું કહ્યું છે: ’હું ઈશ્વરના મંદિરને તોડી પાડવા અને ત્રણ જ દિવસમાં બાંધવા સમર્થ છું.’
62મુખ યજ્ઞકારે ઊભા થઈને ઈસુને પૂછયું, તારી પર મૂકવામાં આવેલા આરોપનો તારી પાસે કોઈ બચાવ નથી? 63પણ ઈસુ શાંત રહ્યા. મુખ યજ્ઞકારે ફરીથી તેમને પૂછયું, જીવંત ઈશ્વરના સોંગદ લઈને કહે; શું તું ઈશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે?
64ઈસુએ જવાબ આપ્યો, તમે પોતે જ તે કહો છો. પણ હું તમને કહું છું કે એક સમયે તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી તરફ બિરાજેલો અને આકાશનાં વાદળો પર આવતો જોશો.
65મુખ યજ્ઞકારે પોતાનાં વસ્ત્ર ફાડીને#26:65 ઈશ્વરનિંદા સાંભળવાથી થયેલું દુ:ખ વ્યક્ત કરવાની યહૂદીઓની એ પ્રણાલી હતી. કહ્યું, તેણે ઈશ્વરનિંદા કરી છે. આપણે હવે બીજી કોઈ સાક્ષીની જરૂર રહેતી નથી. તમે અહીં જ ઈશ્વરનિંદા સાંભળી છે. 66તમારો શો ચુકાદો છે?
તેમણે જવાબ આપ્યો, તે મોતની સજાને પાત્ર છે.
67પછી તેઓ તેમના મુખ પર થૂંક્યા અને તેમને માર માર્યો. તેમણે તેમને તમાચા માર્યા અને કહ્યું, 68હે ખ્રિસ્ત, તને કોણે માર્યો તે કહે.
પિતરે કરેલો નકાર
(માર્ક. 14:66-72; લૂક. 22:56-62; યોહા. 18:15-18,25-27)
69પિતર બહાર ચોકમાં બેઠો હતો. મુખ યજ્ઞકારની એક નોકરડીએ તેની પાસે આવીને કહ્યું, તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.
70પણ તે સર્વની સમક્ષ પિતરે નકાર કર્યો. તું શી વાત કરે છે તે પણ મને સમજાતી નથી. 71પછી તે ચોકના પ્રવેશદ્વાર આગળ ચાલ્યો ગયો. બીજી નોકરડીએ તેને જોયો. તેણે ત્યાં બેઠેલા માણસોને કહ્યું, તે નાઝરેથના ઈસુની સાથે જ હતો.
72પિતરે તે વાતનો નકાર કર્યો અને જવાબ આપ્યો, હું સોંગદ ખાઈને કહું છું કે હું તેને ઓળખતો જ નથી.
73થોડા સમય પછી ત્યાં ઊભેલા કેટલાક લોકો પિતરની પાસે આવ્યા અને તેમણે કહ્યું, તું તેમનામાંનો જ છે. તારી બોલી જ તેની સાબિતી છે.
74પિતર શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, જો હું સાચું બોલતો ન હોઉં તો ઈશ્વર મને સજા કરો. હું તેને ઓળખતો નથી!
ત્યાર પછી તરત જ કૂકડો બોલ્યો. 75ઈસુએ પિતરને જે કહ્યું હતું તે તેને યાદ આવ્યું, કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ. પછી તે બહાર જઈને હૈયાફાટ રડયો.
Currently Selected:
માથ્થી 26: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide