YouVersion Logo
Search Icon

માથ્થી 24

24
મંદિરના નાશની આગાહી
(માર્ક. 13:1-13; લૂક. 21:5-19)
1ઈસુ ત્યાંથી નીકળીને બહાર જતા હતા ત્યારે તેમના શિષ્યો મંદિરનાં બાંધકામો બતાવવા તેમની પાસે આવ્યા. 2ઈસુએ તેમને કહ્યું, દેખાવમાં તે ઘણાં ભવ્ય છે. પણ હું તમને સાચે જ કહું છું કે આ જગ્યાએ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા પામશે નહિ. એકેએક પથ્થર તોડી નાખવામાં આવશે.
3ઈસુ ઓલિવ પર્વત પર ગયા ત્યારે શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછયું, આ બધી બાબતો ક્યારે બનશે તે અમને જણાવો. તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે?
4ઈસુએ જવાબ આપ્યો, સાવધ રહો કે કોઈ તમને છેતરે નહિ. 5કારણ, ’હું મસીહ છું,’ એમ કહેતા મારું નામ લઈને ઘણા આવશે અને ઘણાઓને ભમાવશે. 6તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો. પણ તેથી ગભરાશો નહિ. આ બધું બનવાની જરૂર છે. પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે. 7દેશો અરસપરસ યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેર ઠેર દુકાળો પડશે અને ધરતીકંપો થશે. 8આ બધું તો સૂતિ પહેલાં થતા કષ્ટ જેવું છે.
9ત્યાર પછી તમારી ધરપકડ કરવામાં આવશે અને સજા પામવા માટે તમે સત્તાધારીઓને સોંપી દેવાશો અને તમને મોતની સજા થશે. મારા નામને લીધે બધી જાઓ તમને ધિક્કારશે. 10આ સમયે ઘણા પોતાના વિશ્વાસનો ત્યાગ કરશે. તેઓ એકબીજાને દગો દેશે અને ધિક્કારશે. 11વળી, ઘણા જુઠ્ઠા સંદેશવાહકો જાહેરમાં આવશે અને ઘણાને ભરમાવશે. 12દુષ્ટતા એટલી બધી વધી જશે કે એથી ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. 13પણ અંત સુધી જે ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે. 14ઈશ્વરના રાજનો આ શુભસંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવે તે પછી જ અંત આવશે.
ભયંકર વિનાશક
(માર્ક. 13:14-23; લૂક. 21:20-24)
15સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો] . 16ત્યારે જેઓ યહૂદિયામાં હોય, તેમણે પહાડોમાં નાસી જવું. 17ઘરના ધાબા પર હોય તેમણે ઘરનો સામાન લેવા નીચે ન ઊતરવું. 18ખેતરમાં હોય તેમણે તેમનાં વસ્ત્રો લેવા પાછા જવું નહિ. 19ગર્ભવતી અને ધાવણાં બાળકોની માતાઓની તે દિવસોમાં કેવી ભયંકર દશા થશે! 20આ નાસભાગ શિષ્યાળામાં કે વિશ્રામવારને દિવસે ન બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો. 21કારણ, પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ વિપત્તિ હશે અને એવી વિપત્તિ ફરી કદી આવશે પણ નહિ. 22ઈશ્વરે એ વિપત્તિના દિવસોની સંખ્યા ઘટાડી ન હોત તો કોઈ ઊગરી શક્ત નહિ; પણ પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે.
23ત્યારે જો કોઈ તમને કહે કે, મસીહ અહીં અથવા ત્યાં છે તો તેનું માનતા નહિ. 24કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શકાય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકને પણ છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્‌ભૂત કાર્યો કરી બતાવશે. 25આ બધું મેં તમને પ્રથમથી જ જણાવી દીધું છે.
26કદાચ, કોઈ આવીને તમને કહે, ’તે ત્યાં વેરાન દેશમાં છે,’ તો ત્યાં જતા નહિ. અથવા એમ કહે, ’તે ત્યાં સંતાઈ રહ્યા છે,’ તો તે માનતા નહિ. 27કારણ, જેમ વીજળી આકાશમાં પૂર્વથી પશ્ચિમમાં ઝબકારો મારે છે તેમ માનવપુત્રનું આગમન થશે.
28જ્યાં મડદું હોય ત્યાં જ ગીધડાં ભેગાં થવાનાં.
માનવપુત્રનું આગમન
(માર્ક. 13:24-27; લૂક. 21:25-28)
29આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે. 30ત્યાર પછી માનવપુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે. તે વખતે પૃથ્વીની બધી પ્રજાઓ વિલાપ કરશે અને તેઓ માનવપુત્રને સામર્થ્ય અને મહાન ગૌરવસહિત આકાશનાં વાદળો મધ્યે આવતા નિહાળશે. 31મોટું રણશિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે.
અંજીરી પરથી બોધપાઠ
(માર્ક. 13:28-31; લૂક. 21:29-33)
32અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કુમળી બને છે અને પછી પાન ફૂટવા લો છે ત્યારે તમને ખબર પડી જાય છે કે હવે ઉનાળો આવી પહોંચ્યો છે. 33એ જ પ્રમાણે જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે તમને ખબર પડી જશે કે તે સમય એકદમ નજીક આવી પહોંચ્યો છે. 34હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે. 35આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.
જાગતા રહેજો
(માર્ક. 13:32-37; લૂક. 17:26-30,34-36)
36તે દિવસ કે તે ઘડી ક્યારે આવશે તે એં કોઈને જાણ નથી. આકાશના દૂતો કે માનવપુત્રને પણ તેની ખબર નથી. પણ ફક્ત ઈશ્વરપિતા જ તે જાણે છે. 37નૂહના સમયમાં જે બન્યું તેવું જ માનવપુત્રના આગમનને સમયે પણ થશે. 38જળપ્રલય પહેલાં નૂહ વહાણમાં ગયો તે દિવસ સુધી લોકો ખાતા અને પીતા હતા, તથા લગ્ન કરતા અને કરાવતા હતા. 39જળપ્રલય આવીને તે બધાંને ઘસડી ન ગયો ત્યાં સુધી શું બની રહ્યું હતું તેની તેમને ખબર પડી નહિ. જ્યારે માનવપુત્ર આવશે ત્યારે પણ એવું જ બનશે. 40તે સમયે બે પુરુષો ખેતરમાં કામ કરતા હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે. 41બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
42સાવધ રહો. કારણ, તમારા પ્રભુ કયે દિવસે આવશે તેની તમને ખબર નથી. 43તમે એટલું સમજી લો કે, જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહિ. 44તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે.
વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર
(લૂક. 12:41-48)
45પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે? 46શેઠ જ્યારે ઘેર આવે ત્યારે એવા નોકરને તેનું કાર્ય કરતો જુએ તો તેને ધન્ય છે! 47હું તમને સાચે જ કહું છું: આવા નોકરને તો શેઠ પોતાની સમગ્ર સંપત્તિનો કારભાર સોંપશે.
48પણ જો તે નોકર મૂર્ખ હોય અને એમ વિચારે કે, ’મારો શેઠ લાંબા સમય સુધી પાછો આવવાનો નથી,’ 49અને તેથી તે તેના સાથી નોકરોને માર મારે અને દારૂડિયાઓની સાથે ખાયપીએ, 50તો તે ધારતો નથી તેવી ઘડીએ તેનો શેઠ પાછો આવશે. 51એ નોકરના કાપીને ટુકડેટુકડા કરી નાખશે અને દંભીઓના જેવા તેના હાલ કરશે. ત્યાં રડવાનું અને દાંત કટકટાવાનું થશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in