YouVersion Logo
Search Icon

એસ્તેર 4

4
એસ્તેરને મદદ માટે પડકાર
1જે બધું કરવામાં આવ્યું તે જાણીને મોર્દખાયે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તાટ પહેરીને માથા પર રાખ ચોળી. પછી તે નગરમાં મોટે ઘાંટે વિલાપ કરતાં ફર્યો, 2અને છેક રાજમહેલના દરવાજા પાસે આવી પહોંચ્યો. તે અંદર ગયો નહિ, કારણ, તાટનાં વસ્ત્ર પહેરીને રાજમહેલની અંદર જવાની મનાઈ હતી. 3સામ્રાજ્યના બધા પ્રાંતોમાં રાજાના હુકમની જાહેરાત થઈ કે યહૂદીઓએ મોટો શોક કર્યો. તેમણે ઉપવાસ, રુદન અને ભારે વિલાપ કર્યાં. ઘણાએ તાટ પહેર્યું અને રાખમાં આળોટયા.
4એસ્તેરની દાસીઓ અને રાણીગૃહના સંરક્ષકોએ તેને મોર્દખાયની વાત કરી ત્યારે તેને ઊંડું દુ:ખ થયું. મોર્દખાય પોતાના શરીર પરથી તાટ ઉતારીને વસ્ત્રો બદલી નાખે તે માટે એસ્તેરે બીજાં વસ્ત્રો મોકલાવ્યાં.પણ મોર્દખાયે વસ્ત્રો બદલવાની ના પાડી. 5રાજાએ એસ્તેરની તહેનાતમાં નીમેલા રાણીગૃહના સંરક્ષકોમાં એક હથાક નામનો સંરક્ષક હતો. એસ્તેરે તેને બોલાવ્યો અને મોર્દખાય એવું શા માટે કરે છે તેનું કારણ જાણી લાવવા તેને મોર્દખાય પાસે મોકલ્યો. 6હથાક રાજમહેલના પ્રવેશદ્વારની સામેના નગરચોકમાં મોર્દખાય પાસે ગયો. 7મોર્દખાયે પોતા પર જે આવી પડવાનું હતું તે તથા તમામ યહૂદીઓનો નાશ કરવામાં આવે તો હામાન રાજભંડારમાં જે પૈસા આપવાનો હતો તે પણ જણાવ્યું. 8યહૂદીઓનો નાશ કરવા માટે સૂસામાં બહાર પાડવામાં આવેલ હુકમની નકલ પણ તેણે હથાકને આપી; જેથી તે એસ્તેરને બતાવીને તેની જાણ કરે, જેથી એસ્તેર રાજાની પાસે જઈને પોતાના લોક માટે આગ્રહપૂર્વક દયાની યાચના કરે.
9હથાકે તેમ કર્યું. 10તેથી એસ્તેરે મોર્દખાયની પાસે આવો સંદેશો મોકલી આપ્યો: 11“જો કોઈ પુરુષ કે સ્ત્રી રાજાના બોલાવ્યા વગર અંદરના ચોકમાં પ્રવેશ કરે તો તેનો ઘાત કરવો એવો કાયદો છે. રાજાના સલાહકારોથી માંડીને સામ્રાજ્યના સર્વ લોકોને તેની ખબર છે. એ કાયદાની વિરુદ્ધ થઈને જઈ શકાય નહિ. માત્ર રાજા પોતાનો સોનાનો રાજદંડ જનાર વ્યક્તિ સામે ઊંચો કરે તો જ તે માર્યો જાય નહિ. વળી, આ એક મહિનાથી તો રાજાએ મને બોલાવી નથી.”
12મોર્દખાયે એસ્તેરનો સંદેશો સાંભળ્યો, 13ત્યારે તેણે એસ્તેરને આ ચેતવણી મોકલાવી: “તું રાજમહેલમાં છે તેથી બીજા યહૂદીઓ કરતાં વધુ સલામત છે એવું માનીશ નહિ. 14જો આ પ્રસંગે તું મૌન રાખી બિલકુલ બેસી જ રહીશ તો યહૂદીઓ માટે તો મદદ અને બચાવ બીજી જગ્યાએથી આવશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે. કોણ જાણે આવે પ્રસંગે મદદરૂપ થવા માટે જ તને રાણીપદ મળ્યું નહિ હોય!”
15એસ્તેરે મોર્દખાય પર આવો પ્રત્યુત્તર પાઠવ્યો: 16“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”
17મોર્દખાયે ત્યાંથી જઈને એસ્તેરના કહ્યા પ્રમાણે કર્યું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in