YouVersion Logo
Search Icon

એસ્તેર 3

3
યહૂદીઓની કત્લેઆમ માટે હામાનનું કાવતરું
1ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના#3:1 ‘અગાગ’: એક અમોરી રાજા; તેના લોકો યહૂદીઓના પરંપરાગત શત્રુઓ હતા. વંશજ હામ્મદાથાનો પુત્ર હતો. 2રાજાએ પોતાના બધા અધિકારીઓને એવો હુકમ કર્યો હતો કે તેઓ હામાનને ધૂંટણિયે પડીને સલામ ભરે, બધા તે પ્રમાણે કરતા, પણ મોર્દખાયે એ પ્રમાણે સલામ ભરવાની ના પાડી. 3ત્યારે રાજદરબારના અધિકારીઓએ મોર્દખાય શા માટે રાજાનો હુકમ માનતો નથી તેની પૂછપરછ કરી. 4તેઓ દરરોજ મોર્દખાયને એ વિષે પૂછયા કરતા, પણ તેણે તેમને કંઈ જવાબ આપ્યો નહિ. છેવટે તેણે તેમને કહી દીધું કે પોતે યહૂદી હોવાથી હામાનને નમન કરતો નથી. તેથી તેમણે હામાનને એ વાતની જાણ કરી અને જોવા લાગ્યા કે હામાન મોર્દખાયની એવી વર્તણૂક સહન કરી લે છે કે કેમ. 5જ્યારે હામાનને ખબર પડી કે મોર્દખાય તેને નમન કરીને માન આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો. 6મોર્દખાય યહૂદી છે એવી તેને જાણ થઈ ગઈ હોવાથી માત્ર તેને એકલાને જ મારી નાખીને સંતુષ્ટ થવાને બદલે હામાને તમામ યહૂદીઓને ખતમ કરી નાખવાનું વિચાર્યું. તેણે સામ્રાજ્યમાંથી આખી યહૂદી પ્રજાની ક્તલ ચલાવવાનું કાવતરું ઘડી કાઢયું.
7અહાશ્વેરોશ રાજાના અમલના બારમા વર્ષે પ્રથમ એટલે નિસાન માસમાં હામાને એની યોજના માટેનો મહિનો અને દિવસ નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે પૂરીમ) નાખવાનો આદેશ કર્યો. ચિઠ્ઠીઓ નાખતાં બારમા એટલે અદાર માસનો તેરમો દિવસ નક્કી થયો.
8હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાં બીજી પ્રજાઓમાં વિખેરાઈ ગયેલી એક પ્રજા વસે છે. બીજા લોકો કરતાં એમના રીતરિવાજ જુદા છે. તેઓ તમારા સામ્રાજ્યના કાયદા પ્રમાણે વર્તતા નથી. તેમને એમ નિરાંતે રહેવા દેવા એ આપના હિતમાં નથી. 9તેથી જો આપને યોગ્ય લાગે તો તેમનો નાશ કરવાનો એક વટહુકમ બહાર પાડવો જોઈએ. જો આપ એમ કરશો તો સામ્રાજ્યના વહીવટ માટે હું રાજભંડારમાં દસ હજાર તાલંત ચાંદી આપીશ.”
10તેથી રાજાએ પોતાની વીંટી#3:10 ‘વીંટી અથવા મુદ્રિકા’: ઘોષણાપત્રો પર મુદ્રા મારીને તેમને અધિકારયુકાત બનાવવા માટે તે વપરાતી હતી. કાઢીને યહૂદીઓના દુશ્મન અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાનને આપી. 11રાજાએ તેને કહ્યું, “એ પૈસા અને પ્રજા પણ તારા હાથમાં છે. તારે તેમને જે કરવું હોય તે કર.” 12તેથી પ્રથમ મહિનાની તેરમી તારીખે હામાને રાજાના સચિવોને બોલાવ્યા. હામાને વટહુકમ લખાવ્યો અને તેનો તરજુમો કરાવી દરેક પ્રાંત અને દરેક પ્રજાની ભાષા અને લિપિમાં બધા અમલદારો, રાજ્યપાલો અને અધિકારીઓ પર એ વટહુકમ મોકલી આપવાની તેમને આજ્ઞા કરી. એ હુકમ અહાશ્વેરોશ રાજાને નામે અને તેમની વીંટીથી મુદ્રા મારીને 13સામ્રાજ્યના બધા પ્રાંતોમાં શીઘ્ર સંદેશકો દ્વારા મોકલવામાં આવ્યો. તેનું લખાણ આ પ્રમાણે હતું: બારમા એટલે અદાર માસના તેરમા દિવસે, એક જ દિવસમાં આબાલવૃદ્ધ બધાં જ યહૂદી સ્ત્રીપુરુષોની નિર્દયપણે કત્લેઆમ ચલાવવી અને તેમની માલમિલક્ત લૂંટી લેવી. 14આ હુકમની દરેક પ્રાંતમાં લોકોને જાહેર રીતે જાણ કરવી જેથી બધાં તે દિવસને માટે તૈયાર રહે.”
15રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in