“હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું. માટે તું બળવાન તથા પરાક્રમી થા. જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાહના માર્ગમાં ચાલીને, તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમનાં સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કહી તું જાય ત્યાં તું ફતેહ પામે. જેથી ઈશ્વરે મારા સંબંધી પોતાનું જે વચન આપ્યું હતું તે તેઓ ફળીભૂત કરે, એટલે કે ‘જો તારા દીકરાઓ પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી વિશ્વાસુપણે મારી સમક્ષ ચાલશે, તો ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહિ.’”