Лого на YouVersion
Иконка за търсене

યોહ. 5

5
આડત્રીસ વર્ષથી માંદો માણસ સાજો થયો
1એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા. 2હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. 3તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. 4(કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.)
5ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો. 6તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’”
7તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, ‘પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.’” 8ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”
9તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો.
તે દિવસે વિશ્રામવાર હતો.
10તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, ‘આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.’” 11પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, ‘જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”
12તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ,’ તે માણસ કોણ છે?” 13પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.
14પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’” 15તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, ‘જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.’”
16તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા. 17પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.’” 18તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.
દીકરાનો અધિકાર
19ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે. 20કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.
21 કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને જીવન આપે છે. 22કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે 23કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.
24 હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
25 હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.
26 કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. 27ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.
28 તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે; 29અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.
પ્રભુ ઈસુના સાક્ષીઓ
30 હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું. 31જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી. 32પણ મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે સાચી છે, એ હું જાણું છું.
33 તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. 34તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી; પણ તમે ઉદ્ધાર પામો માટે હું એ વાતો કહું છું. 35તે સળગતો તથા પ્રગટતો દીવો હતો, તેના પ્રકાશમાં તમે ઘડીભર આનંદ કરવાને રાજી હતા.
36 પણ યોહાનના કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે પિતાએ જે કામો મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. 37વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારે વિષે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી. 38તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.
39 તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. 40અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
41 હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી. 42પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.
43 હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી; જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો. 44તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતાં નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?
45 હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો; તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો. 46કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે. 47પણ જો તમે તેનાં લખેલાં વચન પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?’”

Избрани в момента:

યોહ. 5: IRVGuj

Маркирай стих

Споделяне

Копиране

None

Искате ли вашите акценти да бъдат запазени на всички ваши устройства? Регистрирайте се или влезте