યોહ. 6
6
પાંચ હજારને જમાડ્યા
માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂક 9:10-17
1પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા. 2ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા. 3પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
4હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું. 5માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’” 6જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
7ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’” 8તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે, 9‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”
10ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી. 11ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું. 12તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”
13માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી. 14માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’” 15લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
ઈસુ પાણી પર ચાલ્યા
16સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા. 17હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા. 18ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
19જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા. 20પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’” 21ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
લોકો ઈસુને શોધે છે
22બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા. 23તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી. 24માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.
ઈસુ જીવનની રોટલી
25પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’” 26ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો. 27જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’”
28ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’” 29ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”
30માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો? 31અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
32ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે. 33કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’” 34ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”
35ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. 36પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી. 37પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
38 કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું. 39જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું. 40કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’”
41એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’” 42તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”
43ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો. 44જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 45પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
46 કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’” 47હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.
48 જીવનની રોટલી હું છું. 49તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
50 પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ. 51સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’”
52તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’” 53ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.
54 જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 55કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે. 56જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
57 જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે. 58જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” 59તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
અનંતજીવનના શબ્દો
60એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’” 61પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તમને આ વાતથી માઠું લાગ્યું છે?
62 ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ? 63જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
64 પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા. 65તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”
66આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ. 67તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’” 68સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. 69અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”
70ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’” 71તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.
Цяпер абрана:
યોહ. 6: IRVGuj
Пазнака
Падзяліцца
Капіяваць
Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.